Abtak Media Google News

ટચુકડા એવા કોરોના વાયરસે વિશ્વ આખાને બાનમાં લઇ ખળભળાટ મચાવી દીધો છે. જ્યાં જુઓ ત્યાં કોરોના…. કોરોના…. કોરોના…. કોરોનાની જ ચર્ચા થઈ રહી છે. પરંતુ શું આ કોરોના પ્રથમ વાયરસ છે કે જેણે માનવજાતને આવી રીતે ધરમૂળથી હચમચાવી દીધી હોય..?? આનો જવાબ છે ના. જાણીને પણ નવાઈ લાગશે કે કોરોના જેવા તો સાડા સાત અબજ જેટલા અલગ-અલગ વાયરસ વાતાવરણમાં રહેલા છે. એમાંના મોટાભાગના વાયરસ તો આપણી અંદર જ વિદ્યમાન છે. પરંતુ બધા વાયરસ જીવલેણ નથી હોતા. સિક્કાની બે બાજુની જેમ ઘણા વાયરસ, બેક્ટેરિયા જાનલેવા સાબિત થાય છે તો ઘણા વાયરસ, બેક્ટેરિયા કે ફૂગ જીવ બચાવવા પણ જરૂરી છે.

સાડા સાત અબજ વાયરસમાંથી કોઈ વાયરસ સક્રિય થઈ નકારાત્મક અસર ઉપજાવે તો માનવજીવનને પ્રભાવિત કરી શકે છે. હાલ હજુ કોરોનાનો આંતક સમ્યો નથી ત્યાં વધુ એક વાયરસે દસ્તક દઈ દીધી છે. કોરોનાની વિદાય પહેલા નવા વાયરસ મરબર્ગના આવવાથી નવું જોખમ ઉભું થયું છે.

આમ જોઈએ તો આ નવો વાયરસ મરબર્ગ કંઈ નવો નથી વર્ષો પુરાણો છે. પણ હાલ જોખમ એટલા માટે ઊભું થયું છે કે વિશ્વમાં પ્રથમ વખત જીનીવામાં આ વાયરસના કારણે એક દર્દીનું મોત નિપજ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર આ વાઇરસ ઈબોલા સાથે સંબંધિત છે. આ વાઈરસ દ્વારા થતા મૃત્યુ આંકનું પ્રમાણ 88 ટકા સુધીનું છે. અને તે પ્રાણીઓના યજમાનોમાંથી કોરોના વાયરસની જેમ મનુષ્યમાં ફેલાય છે. પ્રથમ વખત આફ્રિકાના યુગાન્ડામાં વર્ષ 1967માં ફેલાયો હતો.

રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર-CDCએ આ વાયરસ કઇ રીતે ફેલાય છે તે અંગે માહિતી આપતા કહ્યું કે પ્રાણીમાંથી માનવીમાં વાયરસના પ્રારંભિક ક્રોસઓવર પછી, વ્યક્તિ-વ્યક્તિના સંપર્ક દ્વારા ટ્રાન્સમિશન થાય છે. તે પછી ચેપગ્રસ્ત વ્યક્તિઓમાંથી શરીરના પ્રવાહીના ટીપાં, અથવા ચેપી રક્ત અથવા પેશીઓથી અને અન્ય પદાર્થો સાથે સંપર્ક દ્વારા તે વધુ ઝડપથી ફેલાઈ શકે છે. આમ, આના ટ્રાન્સમિશનને રોકવા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અગાઉથી જ ચેતવણી આપી દીધી છે.

આ વાયરસના લક્ષણની વાત કરીએ તો શરૂઆતના 5-10 દિવસના સમયગાળામાં તાવ, ઠંડી, માથાનો દુખાવો અને માયાલ્જીયાથી થાય છે. ચેપગ્રસ્ત લોકોને સ્નાયુમાં દુખાવો થવાની પણ સંભાવના છે.

ઉબકા, ઉલટી, છાતીમાં દુખાવો, ગળામાં દુખાવો, પેટમાં દુખાવો અને ઝાડા થઈ શકે છે. છાતી, પીઠ અને પેટ પર બિન-ખંજવાળ ફોલ્લીઓ થઈ શકે છે. સીડીસીએ કહ્યું કે વધુ ગંભીર લક્ષણોમાં કમળો, સ્વાદુપિંડની બળતરા, વજનમાં તીવ્ર ઘટાડો, ચિત્તભ્રમણા, આઘાત, યકૃતની બીમારી, મોટા પ્રમાણમાં હેમરેજિંગ અને મલ્ટી-ઓર્ગન ડિસફંક્શન પણ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.