Abtak Media Google News

નવા વેરીએન્ટએ તો લોકોને ડરાવી દીધા, અગમચેતી જરૂરી પણ ડર માત્ર વ્યક્તિને નહિ સમગ્ર દેશને નુકસાન કરે છે

કોરોના તો જઈ રહ્યો છે પણ તેના લીસોટા હજુ જાતા નથી. કઈક ને કઈ નવું કોથળામાંથી બિલાડુ નીકળી જ રહ્યું છે. અગાઉ કોરોનાના રૂપ બદલતા રહ્યા. પહેલા એવું જાહેર થયું કે તે હવામાં પ્રસરતો નથી. માસ્ક પહેરવું જરૂરી નથી. પછી એવું જાહેર થયું કે હવામાં પ્રસરે છે. માસ્ક તો જરૂરી છે. પછી એવું કહેવાયું કે તે પાણીમાં પણ પ્રસરે છે. આમ એક પછી એક નવા ફણગા ફૂટતા જ ગયા. હવે કોરોનાના વળતા પાણી શરૂ થયા ત્યાં વળી નવો વેરીએન્ટ સામે આવ્યો છે.

આ વેરીએન્ટની ખબરે તો લોકોમાં હાઉ ઉભો કરી દીધો છે. આ નવો વેરીએન્ટ શુ છે તેની કોઈને ખબર નથી. વેકસીન તેને અસર કરે છે કે શું તે કોઈને ખબર નથી. ખાલી નવા વેરીએન્ટની વાત મળતા જ લોકોમાં ગભરાહટ ઉભી થઇ ગઇ છે. આ વાતો વહેતી કરવી અગમચેતી માટે સારું  છે. પણ તેને લઈને લોકોને ડરાવ્યાં રાખવા તે યોગ્ય નથી. આવું નાના મોટું પહેલા પણ આવતું હતું. તેનો સામનો લોકોએ કરેલો જ છે.

લોકો આવી વાતોમાં ડરી જાય છે. આ ડરની માનસિક અસર પણ થાય છે. આ વસ્તુ દેશના અર્થતંત્રને પણ અસર કરે છે. આ નવા વેરીએન્ટનો ગઈકાલે ક્રૂડના ભાવમાં થયેલા કડાકામાં પણ મહત્વનો ભાગ રહ્યો હતો. આ ઉપરાંત બજારને પણ તે અસર કરે છે. માટે આ નવા વેરીએન્ટ જેવી વાતો વહેતી કર્યા પૂર્વે તેની ઉપર સતાવર રીતે રિસર્ચ કરવું પણ જરૂરી છે.

દુનિયા આટલી નાની બની ગઈ તે પણ નુકસાનકારક છે. સોશિયલ મીડિયાને કારણે એક નાની છીંક પણ વિશ્વને હલબલાવે છે. ડરવું પણ જરૂરી છે. પણ અમુક અંશે, તે પણ સાવચેતી માટે. બીજી તરફ સરકારે પણ ઘણા લાંબા સમય પછી ડરતા ડરતા શાળાઓ તો ચાલુ કરી દીધી છે. પણ હજુ અસમંજસની સ્થિતિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.