Abtak Media Google News

અમદાવાદમાં ૩૧મી સુધી રાત્રી કરફ્યુ લંબાવાયો: વડોદરા, સુરત અને રાજકોટમાં પણ કરફ્યુ લંબાશે

કોરોમાં હજુ ગયો નથી. માટે લોકોએ રાત્રે ઘેર હાજર રહેવું હિતાવહ છે. અમદાવાદમાં તો રાત્રી કરફ્યુ ૩૧મી સુધી લંબાઈ ગયો છે. પણ વડોદરા, સુરત અને રાજકોટમાં કરફ્યુ અંગે હજુ કોઈ જાહેરાત થઈ નથી. પણ આ મહાનગરોમા પણ રાત્રી કરફ્યુ લંબાઈ તે વાત નક્કી છે. કારણકે હજુ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. કેસોની સંખ્યામાં કોઈ ઘટાડો નોંધાયો નથી.

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે જેના કારણે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કરફ્યુ લાદયો હતો. આજે સોમવારે રાત્રી કરફ્યુની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર રાત્રી કરફ્યુની મુદતમાં વધારો કરે તે નક્કી છે.

દિવાળીમાં લોકો બેખૌફ બનીને બેદરકારી દાખવી રહ્યા હતા. જેને પગલે તહેવારો બાદ કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. વધતાં કેસોને પગલે રાજ્ય સરકારે અમદાવાદ, રાજકોટ ,સુરત અને વડોદરામાં રાત્રે ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુ લાદ્યો છે. કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા સરકારે ૭મી ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યુ અમલી બનાવવા નક્કી કર્યુ હતું. આજે રાત્રી કરફ્યુની મુદત પૂર્ણ થઇ રહી છે. જો કે કરફ્યુની ડેડલાઇન માત્ર અમદાવાદ માટે જ નક્કી કરાય હતી. બાકીના શહેરમાં કોઈ ડેડલાઇન નક્કી કરવામાં આવી ન હતી. અમદાવાદ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં ૭ ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યુ અમલમાં હોવાનું દર્શાવાયું હતું. એટલે બાકીના શહેરોમા પણ ૭ ડિસેમ્બરે રાત્રી કરફ્યુ પૂર્ણ થઈ જાય એવું લોકો માની રહ્યા હતા. પણ આ વાત ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે.

ગુજરાતમાં હજુય કોરોના કાબૂમાં આવી શક્યો નથી. રાજ્યમાં રોજ ૧૫૦૦થી વધુ કેસો નોધાઇ રહ્યાં છે તે જોતાં રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રી કરફ્યુ હજુય અમલી રહેશે. કોરોનાના સંક્રમણને જોતાં સરકાર રાત્રી કરફ્યુમાં ઢીલ દાખવવાના મતમાં નથી. આ કારણોસર રાજ્ય સરકાર રાત્રી કરફ્યુની મુદતમાં વધારો કરે તે નક્કી છે.

રાજ્ય સરકાર ડિસેમ્બરના અંત સુધી રાત્રી કરફ્યુ યથાવત રાખશે પરિણામે ૩૧ ડીસેમ્બરને  કોરોનાનું ગ્રહણ લાગી શકે છે. અમદાવાદ કમિશનરે તો જાહેરનામું પ્રસિદ્ધ કરીને રાજ્ય સરકાર જ્યા સુધી જાહેર ન કરે ત્યાં સુધી કરફ્યુ ૩૧ ડિસેમ્બર સુધી અમલમાં મૂકી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલ તંત્ર દ્વારા ચારેય મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રીના ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુની ચુસ્તપણે અમલવારી કરાવવામાં આવી રહી છે. રાત્રીના કરફ્યુના સમયે બિનજરૂરી રીતે બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જરૂર પડયે તેમની સામે અટકાયતિ પગલાં તેમજ તેમના વાહન ડિટેઇન કરવા સુધીના પગલા પણ લેવામાં આવી રહ્યા છે.

હજુ પણ કરફ્યુ લંબાવાનું છે. માટે ચારેય મહાનગરમાં લોકોએ રાત્રીના ઘેરહાજર જ રહેવું પડશે. હાલના સમયના લોકો નાઈટલાઈફને ખૂબ યાદ કરી રહ્યા છે. ચારેય શહેરો રાત્રીના ધમધમતા શહેરો હતા. જ્યાં દિવસ આથમ્યા બાદ પણ દિવસ જેવી જ રોનક રહેતી હતી. રાત્રીના લોકો બજારોનો તેમજ ફરવાના સ્થળોનો આનંદ માણતા હતા પણ હવે આ દ્રશ્યો ભૂતકાળ બન્યા છે.

થર્ટી ફર્સ્ટે પણ રાત્રી કરફ્યુ રહેશે, ઉજવણી ઉપર પોલીસ ચાંપતી નજર રાખશે

થર્ટી ફર્સ્ટ પાછળ યુવાનો ભારે ઘેલછા ધરાવે છે. દર વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી રંગે ચંગે થાય છે. આખી રાત પાર્ટીઓ ચાલે છે અને રાત્રે જાણે દિવસ હોય તેવો માહોલ સર્જાય છે. દિવાળીના તહેવારો ઉપર લોકોની બેદરકારીને કારણે કોરોના વકર્યો છે. આ ભૂલ થર્ટી ફર્સ્ટમાં પણ રિપીટ ન થાય તે માટે સરકારે કમર કસી છે. પોલીસ તંત્ર પણ અત્યારથી જ થર્ટી ફર્સ્ટની ઉજવણીને રોકવા પ્રયાસો કરી રહ્યું છે. થર્ટી ફર્સ્ટની છાનીછુપી રીતે ક્યાંય ઉજવણી ન થાય તે માટે પોલીસ ચાંપતી નજર રાખશે અને જો કોઈ ગાઇડલાઈનનો ભંગ કરશે તો તેમની સામે કડક હાથે કામ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.