Abtak Media Google News

કાચિંડાના રંગની જેમ લક્ષણ બદલતા કોવિડ-19 વાયરસજન્ય કોરોના માનવ સમાજનો જલ્દીથી પીછો છોડે તેમ નથી. આ વાયરસ સાથે આપણે લાંબો સમય જીવતા શીખી જવું પડશે. ભારતમાં કોરોનાની લહેરની સાથે સાથે ઈમ્યુનિટી પાવરમાં સ્વયંભૂ થઈ રહેલો વધારો આ મહામારી ચાલુ રહે તો પણ તેને કાબુમાં લઈ લેવાનું વાતાવરણ ઉભુ કરી શકશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલમાં દર્દીની સારવાર અને કોરોનાથી મૃત્યુનો સીલસીલો ચાલુ રહેશે. સાથે સાથે હર્ડ ઈમ્યુનિટીમાં વધારાને લઈને ધીમે ધીમે આ મહામારીનું સંક્રમણ ઘટતું જશે અને આજથી 6 કે 9 મહિનામાં કોવિડ 19 સામે શરીરની હર્ડ ઈમ્યુનિટીનું કવચ સ્વયંભુ ઉભુ થઈ જશે.હર્ડ ઈમ્યુનિટી વિશે એવું કહેવામાં આવે છે કે, શરીરમાં એકવાર તેની રચના થઈ ગયા બાદ લાંબા સમય સુધી અને શક્તિશાળી રીતે તે શરીરનું રક્ષણ અને સામૂદાયિક રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગચાળા સામે સુરક્ષા પ્રદાન કરે છે.

રસીકરણ અને સાવચેતીના પગલાથી સુરક્ષા નથી મળતી એટલી સુરક્ષા હર્ડ ઈમ્યુનિટીથી પ્રાપ્ત થાય છે. હર્ડ ઈમ્યુનિટી ખરેખર શરીરની સુરક્ષા છે શક્તિ નથી. જો બિનરોગ પ્રતિકારક શક્તિવાળી વ્યક્તિને કોરોનાથી સુરક્ષીત કરવા માટે યોગ્ય પગલા ન લેવાય તો મુસાફરી અને સંક્રમીતોના સંપર્કમાં આવવાથી રોગનો ભોગ બને છે જ્યારે હર્ડ ઈમ્યુનિટી એકવાર ઉભી થયા બાદ તેનું સાર્વજનિક રીતે એક બાદ એક વ્યક્તિમાં ગુણોતરથી વધારો થાય છે અને હર્ડ ઈમ્યુનિટી ખરા અર્થમાં સામાજીક સુરક્ષા બની રહે છે તેમ નિષ્ણાંત કે.શ્રીનાથ રડ્ડીના અધ્યયનમાં બહાર આવ્યું છે.

તેમણે જણાવ્યું છે કે, અત્યારે ઝડપથી હરતી-ફરતી દુનિયામાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ હરેફરે છે. સંક્રમીત અને બીન સંક્રમીત વચ્ચે મોટાપાયે સંક્રમણની આપ-લે થાય છે. દરેક લોકોને રસીકરણથી સુરક્ષીત કરવાની હિમાયત કરવામાં આવે છે તેમ છતાં સંક્રમણ કાબુમાં આવતુ નથી. આપણે કોરોના સામેની લાંબી લડાઈ લડવાની છે ત્યારે અન્ય દેશો જેવા કે, ઈંગ્લેન્ડમાં ટૂંકાગાળામાં લોકડાઉન અને ઝડપી રસીકરણથી કોરોનાને કાબુમાં લેવામાં આવ્યું. પરંતુ આપણે અહીં લાંબાગાળા સુધી કોરોના સાથે પનારો પડવાનો છે ત્યારે આપણે અહીં શરીર રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે. એક વરિષ્ઠ આરોગ્ય શાસ્ત્રી ગીરધર બાબુએ જણાવ્યું છે કે, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશોમાં મધ્ય એપ્રીલ સુધી હજુ 25000 નવા દર્દીનો સીલસીલો ચાલુ છે. જર્મની, સ્પેનમાં ઓકટોબરમાં મહામારી ચરમસીમાએ પહોંચશે. ભારતમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન ઝડપથી ફેલાઈ રહ્યો છે. હજુ રસીકરણનું કામ ચાલુ છે ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ હજુ સક્રિય નથી ત્યારે થોડો સમય આ રોગચાળો કાબુમાં નહીં આવે પરંતુ જ્યારે હર્ડ ઈમ્યુનિટીનું સ્વયંભુ સ્થાપના થઈ જશે પછી આ મહામારી ધીમે ધીમે કાબુમાં આવી જશે. કોરોના સામે રસીકરણ અકસીર ઈલાજ છે કારણ કે, એન્ટીજન અને અન્ય દવાઓ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હર્ડ ઈમ્યુનિટીનો સંચાર કરી દે છે. રસીકરણ કરેલા વ્યક્તિને કોરોના થાય તો પણ નુકશાન ઓછુ થાય છે. એન્ટી બોડી હર્ડ ઈમ્યુનિટી એકવાર શરીરને મળી જાય એટલે વર્ષો સુધી તેની અસર રહે છે. ભારતમાં હવે સ્વયંભુ હર્ડ ઈમ્યુનિટી ઉભી થવા લાગી છે અને તેનાથી વાયરસ કાબુમાં આવતો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.