કોરોનાનો ફૂંફાડો: બપોર સુધીમાં 120 કેસ, 604 વિસ્તારો માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન હેઠળ

શહેરમાં 1000થી વધુ એક્ટિવ કેસ, ખાનગી કોવિડ હોસ્પિટલો ફૂલ: 9 દર્દીઓ વેન્ટિલેટર પર

રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે 12 વ્યક્તિઓના કોવિડ અને નોન કોવિડથી મોત નિપજયા છે. ગઈકાલે શહેરમાં કોરોનાના 179 કેસો નોંધાયા બાદ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોનાના 120 કેસ નોંધાયા હોવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. હાલ શહેરના 604 વિસ્તારો માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન હેઠળ છે. એક્ટિવ દર્દીની સંખ્યા 1000ને પાર થવા પામી છે. મોટાભાગની કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. 9 દર્દીની સ્થિતિ અતિ ગંભીર હોય તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
શહેરમાં કોરોનાના કેસ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. રાત્રી કરફયુ અમલમાં હોવા છતાં રાજકોટમાં કોઈ કાળે કોરોના કાબુમાં આવવાનું નામ લેતો નથી. સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું હોય. શહેરીજનોમાં ભારે ફફ્ડાટ વ્યાપી જવા પામ્યો છે. ગઈકાલે 179 કેસ નોંધાયા બાદ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોનાના વધુ 120 પોઝિટિવ કેસ મળી આવ્યાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંક 19392એ પહોંચવા પામ્યો છે. જો કે, તેની સામે 18096 દર્દી કોરોનાને મહાત આપવામાં સફળ રહ્યાં છે. રિકવરી રેટ 93.89 ટકા જેવો છે. શહેરમાં હાલ કુલ 604 વિસ્તારોને માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન હેઠળ મુકી દેવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ વેસ્ટ ઝોનમાં આવેલા છે. એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે જે પૈકી 550થી વધુ દર્દીઓ હોમ આઈસોલેટ થયા છે. જ્યારે 172 દર્દીઓ સિવિલમાં અને બાકીના દર્દીઓ ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. 9 દર્દીની હાલત વધુ ગંભીર હોય તેઓને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હાલ સિવિલમાં 5 દર્દી અને ખાનગીમાં 4 દર્દીને વેન્ટિલેટર સારવાર આપવામાં આવી રહી છે. શહેરમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે જ રીતે વેક્સિનેશન અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. આજે બપોર સુધીમાં 6061 લોકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યાનું
મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
શહેરમાં એક તરફ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. બીજી તરફ પોઝીટીવી રેટમાં પણ વધારો નોંધાય રહ્યો છે. અને રીકવરી રેટ સતત ઘટી રહ્યો છે ગઈકાલે 5875 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં 179 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવતા રીકવરી રેટ 3.04 ટકા નોંધાયો હતો. ગઈકાલે 132 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતાં.