Abtak Media Google News

ખાદ્યતેલમાં ભાવમાં છેલ્લા એક મહિનામાં 16% સુધીનો ભાવ વધારો નોંધાયો 

કોરોના મહામારી સમયે લોકો આરોગ્ય સેવાઓની અછતને કારણે તો હાલાકીનો સામનો કરી જ રહ્યા છે સાથોસાથ બીજી બાજુ મોંઘવારીના દરમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશભરમાં જીવન જરૂરિયાતની અનેકવિધ ચીજ-વસ્તુઓના ભાવમાં 15 ટકા સુધીનો વધારો નોંધાયો છે. જેમાં ખાદ્યતેલ થી માંડીને દાળ શહેરની વસ્તુઓનો સમાવેશ થાય છે. દેશના અલગ-અલગ ખૂણાઓમાં ખાદ્યતેલના ભાવમાં છેલ્લા એક મહિનામાં 16 ટકા સુધીનો વધારો નોંધાઈ ચૂક્યો છે. જેના કારણે લોકોના બજેટ પણ ખોરવાતા દેખાઈ રહ્યા હોય તેવુ સામે આવ્યું છે.

કેન્દ્ર દ્વારા મોનિટર કરાયેલી 22 આવશ્યક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવોમાં છેલ્લા એક મહિનામાં ખાદ્યતેલો ખાસ કરીને સરસવ અને સોયાબીનના તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.  પેક્ડ મસ્ટર્ડ ઓઇલના ભાવમાં દિલ્હી, મુંબઇ અને ચેન્નાઈમાં લિટર દીઠ રૂ. 6 નો વધારો થયો છે, જ્યારે કોલકાતામાં આ સમયગાળામાં પ્રતિ લિટર રૂ. 24 એટલે કે 16%નો વધારો થયો છે.ઘણા શહેરો અને રાજ્યોએ કોવિડ કેસોમાં વધારાને પહોંચી વળવા માટે છેલ્લા એક મહિનામાં મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટક સહિત વીકએન્ડ લોકડાઉન અથવા કર્ફ્યુ લગાવી દીધા છે.  ગ્રાહક બાબતોના મંત્રાલયે લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુઓના ભાવો કૃત્રિમ રીતે વધે નહીં તેની ખાતરી કરવા રાજ્યોને ચેતવણી આપી છે.મંત્રાલયના પ્રાઈસ મોનિટરિંગ પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ભૂતકાળમાં દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં તુવેર અને અળદ દાળના ભાવમાં પ્રતિ કિલો દીઠ ક્રમશ રૂ. 5,9,5,2 નો વધારો છેલ્લા એક માસમાં થયો છે.મુંબઇમાં મગ દાળમાં કિલો દીઠ મહત્તમ રૂ.14 નો વધારો થયો છે.  સોયાબીન અને સૂર્યમુખી તેલના ભાવમાં પણ વધારો થયો છે.  ઉદાહરણ તરીકે, સોયાબીન તેલ એક લિટરના ભાવ બુધવારે મુંબઇમાં રૂ. 152 નોંધાયા હતા. જેની સરખામણીએ એક મહિના પહેલા તેની કિંમત રૂ.134 હતી અને કોલકાતામાં આ સમયગાળા દરમિયાન ભાવ 141 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 160 રૂપિયા થઈ ગયા છે.  આ જ રીતે કોલકાતામાં સૂર્યમુખી તેલની કિંમત 166 રૂપિયાથી વધીને 189 રૂપિયા થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.