સૌરાષ્ટ્રમાં કોરોનાનો રાફળો ફાટ્યો: ૯૫૪ પોઝિટિવ કેસ

૧૧ જિલ્લાઓમાં મૃત્યુઆંક પણ વધ્યો: એક દિવસમાં ત્રણના મોત

સૌરાષ્ટ્રમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે જેમાં ગઈ કાલે પોઝિટિવ કેસનો આંક ૧૦૦૦ નજીક પહોંચ્યો છે. તો બીજી તરફ મૃત્યુઆંક પણ વધતા તંત્ર અને લોકોમાં ચિંતાનો વ્યાપ વધ્યો છે. જેમાં એક દિવસમાં વધુ ૩ દર્દીઓએ સારવારમાં દમ તોડ્યો છે.

કોરોનામાં પણ જાણે રાજકોટ હોવી સૌરાષ્ટ્રનું પાટનગર બન્યું હોય તેમ કેસમાં ઉછાળો આવ્યો છે. જેમાં મંગળવારે શહેરમાં ૨૪૪ કેસ બાદ બુધવારે ૩૧૯ કેસ આવ્યા છે. આ સાથે શહેરમાં પોઝિટિવિટી રેશિયો રેકોર્ડ સ્તરે છે. બીજી લહેર કે જ્યારે સૌથી વધુ કેસ આવી રહ્યા હતા ત્યારે પોઝિટિવિટી રેશિયો ૫ ટકા સુધી પહોંચી ગયો હતો પણ હાલ ૫૦૦૦ની આસપાસ ટેસ્ટ કરાતા પણ ૩૧૯ કેસ આવતા ૬ ટકા રેશિયો આવ્યો છે જે સૌથી વધુ છે. જ્યારે ૧૬૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૬૬૮ પર પહોંચી છે.

તો બીજી તરફ રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. રાજકોટ ગ્રામ્યમાં નવા ૫૬ કેસ આવ્યા છે. ગ્રામ્યમાં ધોરાજી બાદ ગોંડલમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો અને હવે બંને તાલુકામાં એકસરખા કેસ આવી રહ્યા છે. જ્યારે જામકંડોરણામાં પણ ૮ કેસ આવ્યા છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં હજુ પોઝિટિવિટી રેશિયો ૩ ટકાએ પણ પહોંચ્યો નથી અને હાલ ૪૧૩ એક્ટિવ કેસ છે જેમાંથી માત્ર ૮ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં એક દર્દીએ સારવારમાં દમ તોડ્યો છે.

તો બીજી તરફ રાજકોટ સહિત જામનગર, મોરબી અને ભાવનગરમાં દૈનિક કેસની સંખ્યા ૧૦૦ને પાર પહોંચી છે. ભાવનગર જિલ્લામાં કોરોના હાઇવોલ્ટેજ પર પહોંચી પોઝિટિવ કેસની સંખ્યા ૧૫૬ પર પહોંચી છે. તો બીજી તરફ મોરબીમાં વધુ ૧૦૨ કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. જામનગરમાં પણ કોરોનાએ ફુફાળો માર્યો છે જેમાં ૧૦૧ લોકો કોરોના સંક્રમિત થયા છે તો એક દર્દીનું મોત નીપજ્યું છે.

સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓમાં પણ કોરોના વકર્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં ૫૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. તો જૂનાગઢ જિલ્લામાં ૫૦ કેસ, ગીર સોમનાથ જિલ્લામાં ૩૮ કેસ, સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૪ પોઝિટિવ કેસ તો પોરબંદરમાં ૧૪ કેસ અને બોટાદમાં પણ આખરે કોરોનાએ પગ પેસારો કરી બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા છે.