કોરોના સામેનું રક્ષા કવચ: માર્કેટમાં વિભિન્ન રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર, જુઓ તસવીરો

કોરોનાએ દરેક ક્ષેત્ર પર ગંભીર નકારાત્મક અસર પહોંચાડી છે. તમામ તહેવાર પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. લોકો એન્ટીબોડી, ઇમ્યુનિટી વધારવા પર પ્રયાસ કરી રહ્યા છે. રસી ફરજિયાત લેવા તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કરી હાથની સ્વચ્છતા જાળવવા વિવિધ માધ્યમથી લોકોને જાગૃત કરાઈ રહ્યા છે ત્યારે હાલ રક્ષા બંધનના તહેવાર પર રાખડીઓ પણ લોક જાગૃતિનું માધ્યમ બની રહી છે.

દર વર્ષે રક્ષાબંધનના પર્વ નિમિત્તે અલગ અલગ પ્રકારની આકર્ષક અને અનોખી રાખડીઓ બજારમાં જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારી દરમ્યાન સેનીટાઇઝર, રસી, કોરોના ગો આઉટ જેવા સંદેશા સાથેની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.

રાજકોટમાં જોહર કાર્ડસ તથા જોહર ગેલેરીમાં રાખડીની ભવ્ય વેરાયટીઓ ઉપલબ્ધ થઈ છે. કોવિડ 19 વેકિસન બોટલવાળી,  અમેરિકન ડાયમંડ, રૂદ્રાક્ષ, કુંદન, ચંદન, તુલસીના પાસ વગેરે ડિઝાઈનનો અવનવો ખજાનો લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બિંદુ બની છે.

શહેરના યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહરકાર્ડસ તથા કાલાવડ રોડ, પ્રેમ મંદિરની લાઈનમાં ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરીમાં રાખડીઓનું વેચાણ તથા લુમ્બા રાખડીઓનું વેચાણ ચાલુ થઈ ગયેલ છે. હાલ કોરોના મહામારી સામે રક્ષા આપતી કોવીડ 19ની બોટલ વાળી રાખડીઓ સાથે લખાણ જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ફોટો સાથે સાથે અલગ અલગ લખાણ વાળી રાખડીઓ આવેલ છે.દસથી વધુ ડીઝાઈનો આવી છે. હાલ કોરોના મહામારીમાં આ સંદેશો આપતી રાખડીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. રાખડીનું વેચાણ ચાલુ થઈ ગયું છે.