Abtak Media Google News

અમેરિકામાં વિશ્વના સૌથી વધુ કેસ, પોઝિટીવ લોકોની સંખ્યા સવા લાખને પાર થતાં હાહાકાર: મૃતાંક ઈટાલીને વધી જાય તેવી દહેશત

કોરોના વાયરસે વિશ્વ આખાને હચમચાવી દીધું છે. ચીનથી ફાટી નીકળેલો આ વાયરસ અત્યાર સુધીમાં ઈટાલી, સ્પેન, યુકે, સહિતના અનેક દેશોમાં પોતાના રૌદ્ર સ્વરૂપનો પરચો આપી ચૂકયો છે. હવે કોરોના વાયરસના ઝપટે અમેરિકા પણ ચડી ગયું છે. અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા સવા લાખને પાર થઈ જતાં આગામી અઠવાડિયે અમેરિકામાં મોતનો તાંડવ જોવા મળે તેવી ભીતિના પગલે નિષ્ણાંતો પણ ફફડી ગયા છે. વર્તમાન સમયે વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધુ પોઝીટીવ કેસ અમેરિકામાં છે. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ માટેની ગાઈડ લાઈન લંબાવીને ૩૦ એપ્રીલ કરવામાં આવી છે.

ગઈકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આગામી બે અઠવાડિયામાં મૃત્યુદર વધશે તેવી દહેશત વ્યકત કરી હતી. ટ્રમ્પે હોસ્પિટલોમાં વેન્ટીલેટર તૈયાર રાખવા દરખાસ્ત કરી હતી. અમેરિકાની સ્થિતિ જોતા આગામી સમયમાં અનેક લોકોના મોત કોરોના વાયરસના કારણે થઈ શકે છે. જો કે, સરકાર કોરોના વાયરસના સંક્રમણના ફેલાવાને રોકવા ઉંધામાથે થઈ છે પરંતુ અત્યાર સુધી દાખવવામાં આવેલી બેદરકારીના પરિણામો નજીકના ભવિષ્યમાં જ ભોગવવા પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે. અમેરિકામાં હજુ પણ લોકડાઉનનો સદંતર અમલ થઈ રહ્યો નથી. કોરોના વાયરસની કફોડી સ્થિતિ વચ્ચે પણ અનેક સ્થળોએ લોકોના ટોળા એકત્ર થતાં જોવા મળે છે. કેલીફોર્નિયા જેવા મસમોટા રાજ્યોમાં ૫૦ ટકા જેટલી વસ્તી સંક્રમીત હોવાની શકયતા વચ્ચે હજુ પણ અમેરિકામાં સંક્રમણનું પ્રમાણ દિવસને દિવસે વધી રહ્યું છે.

એક તરફ અમેરિકાને આર્થિક પાસુ નબળુ પડવા દેવું નથી. બીજી તરફ લોકોના મોત પણ ન થાય તેની તકેદારી રાખવાની છે. ચીનની જેમ સંપૂર્ણ લોકડાઉન અમેરિકાને પાલવે તેમ નથી. આવી સ્થિતિમાં કોરોના સંક્રમણના કેસ વધશે તો પરિસ્થિતિ કાબુ બહાર જતી રહેશે તેવી દહેશત છે. ઈટાલી અને સ્પેન જેવા વિકસીત દેશોની હાલત ખરાબ થઈ ચૂકી છે. હજ્જારો લોકોના મોત થયા છે. જો અમેરિકામાં ધ્યાન નહીં દેવામાં આવે તો ઈટાલીના મૃતાંકથી અમેરિકાનો મૃતાંક વધી જશે.

પાકિસ્તાનના સ્કપોસ લીજેન્ડ આઝમખાનનું કોરોનાથી મોત

ચીનના કોરોના ભુતાવળના વિશ્વમાં વધી રહેલા હાહાકાર વચ્ચે પાકિસ્તાનના સ્કોપોસલિજેન્ડ આઝમખાનનું કોરોનાની બિમારી સબબ લંડનમાં મૃત્યુ નિયનયાની જાહેરાત ખાન પરિવારે કરી હતી. આઝમખાને ૧૯૫૯ અને ૧૯૬૧ જચ્ચે વિશ્વની સૌથી મોટી અને પ્રતિષ્ઠત ગણાતી બ્રિટીશઓપન ટાઇટલનો ખિતાબ જીત્યો હતો. ખાનને ગયા અઠવાડિયે કોરોનાનો પોઝેટીવ રીર્પોટ આવતા ગયા અઠવાડીયે શનિવારે તેમને લંડનની હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમનું મુત્યુ નિયજયુ હતું. તે ૯૫ વર્ષના હતા. તેમણે ૧૯૬૨માં રમત દરમિયાન તેમના ૧૪ વર્ષના પુત્રના મૃત્ય અને તેમને થયેલી ઇજા બાદ રમવાનુ છોડી દીધુ હતુ. તે ઇજામાંથી સંપૂર્ણ પણ બે વર્ષમાં જ સાજા થઇ ગયા પરંતુ આઝમખાન તેમના પુત્રનો આધાત જીરવી શકતા ન હતો.

ચીનના કારખાના ધમધમ્યા ડોમેસ્ટીક ફલાઇટની ઉડાન શરૂ

કોરોના વાયરસના ઉદ્ગમ સ્થાન ગણાતા હુબેઈ અને વુહાનમાં જનજીવન ધીમી ગતિએ શ્ર્વાસ લેવા લાગ્યું છે. ચીનમાં કેટલાક કારખાના ફરીથી ધમધમી ઉઠ્યા છે. હુબેઈ પ્રાંતમાં ડોમેસ્ટીક ફલાઈટને ઉડાવવાની મંજૂરી અપાઈ ચૂકી છે. વુહાન શહેર હુબેઈ પ્રાંતનું આર્થિક પાટનગર ગણવામાં આવે છે. બે મહિના પહેલા વુહાનમાં કોરોના વાયરસના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. હુબેઈ પ્રાંતના ૫.૬ કરોડ લોકો ઉપર સંકટના વાદળો ઘેરાયા હતા. જો કે, સજ્જડ લોકડાઉનના કારણે આ સ્થિતિને કાબુમાં લેવાઈ છે. ગત ૨૫ માર્ચથી લોકડાઉન હળવું કરાયું છે. રવિવારે ચીનમાં માત્ર ૪૫ નવા કેસ મળ્યા હતા અને ૫ લોકોના મોત થયા હતા. ચીનમાં મોતનો આંકડો ૩૩૦૦ હોવાનું સત્તાવાર રીતે જાણવા મળે છે. અલબત આ આંકડો ક્યાંય વધુ હોવાનું માનવામાં આવે છે.

નફટાઇની હદ: કોરિયાએ બે બેલાસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું

એક તરફ આખુ વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝુમી રહ્યું છે ત્યારે ઉત્તર કોરીયાએ નફટાઈની હદ વટાવી બે બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કરી આખા વિશ્વને ચોંકાવી દીધું છે. વોન્સન પોર્ટ સિટી ખાતેથી આ બે બેલેસ્ટિક મિસાઈલ દાગવામાં આવ્યા હતા અને ૨૩૦ કિ.મી. દૂર પૂર્વ સમુદ્ર ગણાતા જાપાનના સમુદ્રમાં પડ્યા હતા તેમ દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું.

આખું વિશ્વ જ્યારે કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે ત્યારે ઉત્તર કોરિયાનું આ પગલુ અયોગ્ય છે તેમ વધુમાં જણાવ્યું હતું. અઠવાડિયા અગાઉ ન્યુક્લિયર હથિયાર સાથેના બે ટૂંકી રેન્જના મિસાઈલનું પણ પરિક્ષણ કર્યું હતું. અત્રે એ યાદ આપીએ કે કીમની બહેન કીમ ઓ જોન્ગે જણાવ્યું હતું કે, બે દેશના નેતાઓ વચ્ચેના સારા સંબંધોથી બંને દેશ વચ્ચેનો સંબંધો સુધરે તે જરૂરી નથી.

મેરા ભારત મહાન: વતન છોડી યુ.કે. ગયેલા છાત્રોને પરત લવાશે

ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાંથી લાખો છાત્રો દર વર્ષે વિદેશમાં જાય છે. જેમાંથી મોટાભાગના છાત્રો જે તે દેશમાં ભણવા ગયા હોય ત્યાં જ વસવાટ કરી લે છે. ભારતને છોડીને જનાર આવા લોકોને મુશ્કેલીના સમયમાં પોતાના વતનની યાદ આવી જતી હોય તેવા અનેક કિસ્સા ભુતકાળમાં નોંધાયા છે. વર્તમાન સમયે પણ આવી પરિસ્થિતિ ઉભી થઈ છે. જેમાં ભારતના સ્થાને અન્ય દેશને ઉચ્ચ અભ્યાસ માટે પસંદ કરનાર લોકો પરત આવવા ફાંફા મારી રહ્યાં છે. વડાપ્રધાન મોદીને તાજેતરમાં યુકેમાં રહેલા કેટલાક ભારતીય છાત્રોએ રેસ્કયુ કરવાની અપીલ કરી હતી. અત્યારે ૩૮૦ છાત્રો ફસાયેલા હોય તેવું સામે આવે છે. યુકેમાં ટાઈન પ્રાંતની કોલેજ નોર્થ ઈસ્ટ ઈંગ્લેન્ડની કોલેજો સહિતની જગ્યાઓએ કેરળ, તામિલનાડુ, તેલંગણા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિતના રાજ્યોના છાત્રો અભ્યાસ કરી રહ્યાં છે. વર્તમાન સમયે તેઓ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં છે અને ભારત પરત આવવાની ઈચ્છા ધરાવે છે. તેમની અપીલ બાદ હવે ભારત સરકાર તેમને પરત લાવવા પ્રયાસ કરે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.