Abtak Media Google News

રસીકરણમાં સૌથી મોટો પડકાર વેકિસનને નીચા તાપમાને સંગ્રહવાનો જ છે, અમેરિકી વૈજ્ઞાનિકોએ નવી  પ્રોટીન બેઈઝ્ડ રસી વિકસાવતા આ સમસ્યા હલ થશે

કોરોના વિરોધી રસી, તેની અસરકારકતા,કિંમત અને સંગ્રહ ક્ષમતાને લઇ રસીની રસ્સાખેંચ શરૂ થઈ હતી. એમાં પણ સૌથી મોટો પડકાર રસીને સૌથી નીચા તાપમાને સાચવવાનો હતો. કોલ્ડ સ્ટોરેજના અભાવે જ ઘણા નાના દેશોમાં રસીકરણ મંદ ગતિએ ચાલી રહ્યું છે ત્યારે હાલ વૈજ્ઞાનિકોએ આ દિશામાં પગલું ભરી આ સમસ્યાનો ઉકેલ લાવ્યો છે. વૈજ્ઞાનિકોએ કોરોના સામે નવી પ્રોટીન આધારિત રસી વિકસાવી છે અને તેની ખાસિયત એ છે કે આ કોરોના રસી કોલ્ડ સ્ટોરેજ વિના પણ રહી શકશે..!!

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રસી બનાવવામાં ખૂબ જ સરળ છે અને તેને કોલ્ડ સ્ટોરેજની પણ  જરૂર નથી. આ રસી યુએસમાં બોસ્ટન ચિલ્ડ્રન હોસ્પિટલની એક સંશોધન ટીમ દ્વારા વિકસાવવામાં આવી છે. સંશોધન ટીમે કહ્યું કે હાલમાં ઉપલબ્ધ કોરોના રસીઓ માટે કોલ્ડ સ્ટોરેજ અને જટિલ ઉત્પાદન ક્ષમતાની જરૂર છે. આ ઓછા વિકસિત દેશોમાં રસીનું ઉત્પાદન અને

વિતરણ મુશ્કેલ બનાવે છે. હોસ્પિટલની સંશોધન ટીમ કહે છે કે રસીની નવી ડિઝાઇન વૈશ્વિક રસીકરણની અસમાનતાને દૂર કરવામાં મદદ કરી શકે છે અને અન્ય રોગો સામેની રસીઓ પર લાગુ કરી શકાય છે. જણાવી દઈએ કે આ પ્રોટીન બેઝડ રસી કે જે નેનોબોડી અને વાયરસ સ્પાઈક પ્રોટીનમાંથી તૈયાર કરવામાં આવે છે. તેનો સૌ પ્રથમ અભ્યાસ ઉંદરમાં કોરોનાના સ્વરૂપો સામે કરાયો હતો જેણે મજબૂત રોગપ્રતિકારક પ્રતિભાવ આપ્યો છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર, આ રસી ઓરડાના તાપમાને ઓછામાં ઓછા સાત દિવસ સુધી સ્થિર અને અસરકારક રહી શકે છે. સંશોધકોના મતે, નવી પ્રાયોગિક કોરોના રસી સંપૂર્ણપણે પ્રોટીન આધારિત છે, જેના કારણે ઘણી સુવિધાઓનું ઉત્પાદન કરવું સરળ બન્યું છે. તેમણે કહ્યું કે રસીના બે ઘટકો છે, જેમાં એક નેનોબોડી છે, બીજો વાયરસના સ્પાઇક પ્રોટીનનો ભાગ છે, જેનો ઉપયોગ તે માનવ કોષોમાં પ્રવેશવા માટે કરે છે.

આ સંશોધનમાં સામેલ નોવેલિયા પિશેશાએ કહ્યું કે, ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગોમાં, રસીએ કોરોના વાયરસ સામે મજબૂત રોગપ્રતિકારક શક્તિ ઉભી કરી છે. આ નવી તકનીક વિશ્વભરના ઘણા સ્થળોએ રસીના ઉત્પાદનને સક્ષમ કરી શકે છે જ્યાં તેનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજી પર તેઓએ પેટન્ટ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.