Abtak Media Google News

એક અથવા તેથી વધુ બીમારી ધરાવતા લોકોએ વધુ સાવચેતી રાખવાની તાતી જરૂરિયાત

એચ૩એન૨ એ સીઝનલ ફ્લૂનો એક પ્રકાર છે જે આ વર્ષની ઈન્ફલ્યુએન્ઝા સિઝનમાં પ્રબળ ફલૂ રહ્યો છે.  ફલૂના આ પ્રકારને અત્યંત ચેપી માનવામાં આવે છે અને તે લોકોમાં લાંબા ગાળાની બીમારીનું કારણ બની રહ્યું છે.  લાંબા સમયથી અસ્તિત્વમાં રહેલી ઉધરસ અને તાવને કારણે લોકોને સલામતીના પ્રશ્નો ઉભા થયા છે.

એચ૩એન૨ ઈન્ફલ્યુએન્ઝાથી થતા ગંભીર રોગના ચિહ્નો અને લક્ષણો અલગ અલગ વ્યક્તિમાં બદલાઈ શકે છે.  લક્ષણોમાં તીવ્ર તાવ, ગંભીર માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો, તીવ્ર અને સતત ઉધરસ, શરદી અને ફેફસામાં દુખાવાનો સમાવેશ થાય છે. અન્ય લક્ષણોમાં શરીરમાં દુખાવો, ઉબકા, ઉલટી અથવા ઝાડાનો સમાવેશ થાય છે.

ડૉ. વિનય ભાટિયા, હેડ-મોલેક્યુલર બાયોલોજી, નેશનલ રેફરન્સ લેબ, ઓન્કક્વેસ્ટ લેબોરેટરીઝ લિમિટેડ આ અંગે કહે છે કે, આ બીમારી ૩-૫ દિવસ સુધી રહેતો તાવ અને ત્રણ અઠવાડિયા સુધી લાંબી ઉધરસ અને શરદીનું કારણ કહેવાય છે. જો કોઈ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, લોહીનું દબાણ ઓછું હોય, શ્વાસ લેવાનો દર વધુ હોય, હોઠ વાદળી હોય, મૂંઝવણ હોય તો વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવી જોઈએ. આઇસીયુ પ્રવેશમાં વધારો મોટે ભાગે એવા લોકોમાં જોવા મળ્યો હતો જેમને કોમોર્બિડિટીઝ છે અને જેમની ઉંમર ૬૫ વર્ષથી વધુ હોય.

કોને સૌથી વધુ જોખમ ?

પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ૬૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો, સગર્ભા મહિલા અને અસ્થમા, ડાયાબિટીસ, હૃદય રોગ, નબળી રોગપ્રતિકારક શક્તિ અને ન્યુરોલોજિકલ અથવા ન્યુરોડેવલપમેન્ટલ પરિસ્થિતિઓ જેવી અમુક લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને જોખમ વધારે છે.

એચ૩એન૨ એ એચ૧એન૧ કરતા વધુ જોખમકારક!!

ડો.ભાટિયાના જણાવ્યા અનુસાર, ઇન્ફ્લુએન્ઝા એ એચ૩એન૨ ચેપ તાવ, લ્યુકોપેનિયા અને સી-રિએક્ટિવ પ્રોટીનની દ્રષ્ટિએ એ એચ૧એન૧ અથવા બી કરતાં વધુ ગંભીર છે. માયાલ્જીઆ અને અન્ય લક્ષણો જેમ કે તાવ, માથાનો દુખાવો, સામાન્ય અસ્વસ્થતા અને ગળામાં દુખાવો ઈન્ફલ્યુએન્ઝા એ એચ૩એન૨, એ એચ૧એન૧ અને બેવ ચેપમાં સમાન રીતે વારંવાર જોવા મળે છે.

કેવી રીતે થઈ શકે છે નિદાન ?

એચ૩એન૨ અને એચ૧એન૧ વાયરસનું લેબોરેટરી પરીક્ષણ દ્વારા નિદાન કરી શકાય છે. એચ૩એન૨ અને એચ૧એન૧ વાયરસના પ્રયોગશાળા પરીક્ષણ માટેનો નમૂનો કોવિડ-૧૯ પરીક્ષણ માટે એકત્રિત કરાયેલા નમૂના જેવો જ છે જે અનુનાસિક સ્વેબ અને ફેરીન્જિયલ સ્વેબ છે. એચ૩એન૨ અને એચ૧એન૧ વાયરસના પરીક્ષણની પદ્ધતિ પણ કોવિડ-૧૯ પરીક્ષણ જેવી જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.