હારશે કોરોના, જીતશે ગુજરાત: હોસ્પિટલ બહાર 108ની લાઈન ઘટી, છેલ્લાં પાંચ દિવસમાં રીક્વરી રેટ 53% વધ્યો !!

ઊલટી ગંગા: સાચા આંકડા સરકાર છુપાવતી હતી, હવે પ્રજાના છુપાવાયેલા આંકડા સરકારને નથી દેખાતા 

કોરોના વાયરસના બીજા તબક્કાએ ગુજરાત સહિત સમગ્ર ભારતને ભરડામાં લઈ લીધું છે. વાયરસે ખતરનાક ગતિ પકડતા કેસમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. તો આ સામે મૃત્યુઆંક પણ વધ્યો છે. પરંતુ કહેવાય છે ને કે,, વાદળો કાળાડમર થાય પછી જ વરસાદ વરસે…. આવું જ કોરોના વાયરસનું પણ છે માર્ચ મહિનાથી શરૂ થયેલી કોરોના વાયરસની બીજી લહેરમાં પોઝિટીવ કેસ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. અને હવે તેમાં ઘટાડો થઈ રહ્યો છે. એમાં પણ ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે રાજ્યભરમાં છેલ્લા પાંચ દિવસમાં રિકવરી રેટમાં 53 ટકાનો વધારો થયો છે. જો કે ગ્રાઉન્ડ લેવલની ખરી હક્કીક્ત ચકાસીએ તો ગુજરાતમાં કોરોનાના કેસ પણ ઘટી રહ્યા છે. હાલ મોટાભાગના લોકો ઘેર બેઠાં સજા થઈ રહ્યા છે. તો બીજી તરફ હોસ્પિટલની બહાર 108 એંબ્યૂલન્સની લાઈન પણ ઘટી રહી છે. આજરોજ રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર કતારમાં માત્ર 5 થી 8 જેટલી એંબ્યૂલન્સ જ જોવા મળી છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર 50 ટકાથી વધુ દર્દીઓ તો હોમ આઈસોલેટ થઈને જ સાજા થઇ રહ્યા છે. એમાં પણ ઘણા દર્દીઓ એવા છે કે જેમની ચોપડે નોંધ લેવાતી જ નથી. તેઓને કોરોનાના શરૂઆતી લક્ષણો જણાતા ઘેરબેઠાં જ ઉપચાર કરી રિકવર થઈ રહ્યા છે. હાલ કોરોનાના સાચા આંકડા અને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ સરકાર છુપાવી રહી છે. પરંતુ હવે જાણે ઉલટી ગંગા શરૂ થઈ હોય તેમ પ્રજા દ્વારા છુપાવાયેલા આંકડા સરકારને દેખાતા નથી. કારણ કે વગર રિપોર્ટ અને વગર સરકારી સેવાએ હોમ આઈસોલેટ થઈ કેટલા દર્દીઓ સાજા થયા તે તો ચોપડે નોંધાતું જ નથી. આથી સરકાર દ્વારા દરરોજ પ્રસારિત થતા આંકડામાં રિકવરી રેટ ઓછો થતાનું રજૂ કરવામાં આવે છે. પરંતુ આ ગ્રાઉન્ડ રિયાલિટી નથી.

જો કે ગુજરાતમાં એક દિવસના  કેસ પણ ઘટયા છે. છેલ્લા 24 કલાકમાં 14,120 નવા કેસ નોંધાયા છે જેના અગાઉના દિવસે મંગળવારે 14,352 કેસ નોંધાયા હતા. 28 દિવસના સમયગાળામાં  પ્રથમવાર 232 કેસ ઘટ્યા છે. જે મોટી રાહતરૂપ સમાચાર છે. એટલે કે હવે ધીમે ધીમે કોરોનાની ચેઈન તૂટશે. કુલ સંખ્યા 5.38 લાખ પર પહોંચી ગઈ છે. 24 કલાકમાં 8,595 ડિસ્ચાર્જ સાથે, રાજ્યમાં દૈનિક રિકવરી દર 61% નોંધાયો છે. પાંચ દિવસ પહેલા 23 એપ્રિલના રોજ આ દર 41% હતો. દૈનિક ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 5,618 થી વધીને રેટમાં 53% નો વધારો નોંધાયો છે.