કોરોના પતંગની ‘મોજ’ બગાડી દેશે, તંત્રનું ‘એલર્ટ’!!

સંક્રાંતને સંક્રમીતતા ભરખી જશે?

તમામ શહેરી- જિલ્લા વિસ્તારમાં ઉત્તરાયણ ઉપર ધાબે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જાહેરનામું, અગાસીએ વધુ લોકો એકત્રિત થઈને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરશે તો થશે કડક કાર્યવાહી: મોટા શહેરોમાં પોલીસ દ્વારા ડ્રોનના ઉપયોગથી ધાબા ઉપર ચાંપતી નજર રખાય તો નવાઇ નહીં

કોરોના હવે પતંગની મોજ બગાડશે. કારણકે સૌરાષ્ટ્રના લોકો ટોળાશાહીમાં જ પતંગ ચગાવવા ટેવાયેલા હોય છે તેવામાં તંત્રએ પતંગ ચગાવતી વખતે અગાસીએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો નિયમ બનાવ્યો છે. જેથી આ ઉત્તરાયણ ફિક્કી રહે તેવો માહોલ જોવા મળશે તે નક્કી છે.

હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. અગાઉ કોરોનાના મોટી સંખ્યામાં કેસો નોંધાયા બાદ થોડો સમય રાહત રહી હતી. બાદમાં બીજી લહેરમાં ફરી કોરોનાએ માથું ઉચકતા હાલ ઢગલાબંધ કેસો નોંધાઇ રહ્યા છે. કોરોનાના કારણે અગાઉ દિવાળીનો તહેવાર પણ ફિક્કો રહ્યો હતો. ત્યારે હવે સંક્રાંત પણ ફિક્કી જ રહેવાની છે. કારણકે સરકારે સંક્રાંતની ઉજવણીની તો છૂટ આપી દીધી છે. પણ સામે લોકોને નિયમોનું ચુસ્ત પાલન કરવાની પણ તાકીદ કરી છે.

હાલ દરેક શહેરી અને જિલ્લા વિસ્તારોમાં જિલ્લા કલેકટર તેમજ પોલીસ કમિશનર દ્વારા સંક્રાંતને લઈને જાહેરનામાં પ્રસિદ્ધ થવાનો સિલસિલો ચાલી રહ્યો છે. જેમાં દર વખતની જેમ આ વખતે પણ જાહેર સ્થળોએ પતંગ ઉડાડવા કે લૂંટવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. સાથે ચાઈનીઝ તુકકલ ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. આ દરેક નિયમો તો દર ઉત્તરાયણે હોય છે. પણ આ વખતે કોરોનાને લીધે અગાસીએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો ખાસ નિયમ આવ્યો છે. આ સાથે પતંગ ચગાવતી વખતે પણ માસ્ક તો પહેરેલું હોવું જોઈએ તેવો પણ નિયમ છે એટલે આ ઉત્તરાયણની ઉજવણી સૌરાષ્ટ્રવાસીઓ માટે અઘરી સાબિત થવાની છે.

વધુમાં ઘણા ખરા મોટા શહેરોમાં લોકડાઉન વેળાએ પોલીસ ડ્રોન ઉડાડીને જેમ ઘણી અગાસીએ થતી ભજીયા પાર્ટીઓ પકડતી હતી. તેમ ડ્રોન ઉડાડીને અગાસીઓમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગના કેસો પકડે તો નવાઈ નહિ. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા અત્યારથી જ પોતાના વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યો છે. ઉત્તરાયણ ઉપર કોરોનાનું સંક્રમણ વકરે નહીં તે માટે સરકાર દ્વારા ઘણી સૂચનાઓ જાહેર કરવામાં આવી હોય. તેની અમલવારી માટે તંત્ર એલર્ટ થઈ ગયું છે.

ઉતરાયણ દરમિયાન પોલીસ ધાબા ઉપર ચાપતી નજર રાખવા માસ્ક વગરના લોકો કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર લોકો ઉપર તવાઇ બોલાવશે. આમ ઉતરાયણે પતંગની મોજ ઉપર હાલતો પ્રશ્ર્નાર્થ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ હવે ઉતરાયણની ઉજવણીને પણ કોરોનાનું ગ્રહણ લાગવાનું હોય લોકોમાં થોડા અંશે નારાજગી જોવા મળી રહી છે.