કોરોનાની ત્રીજી લહેર શરૂ?  : ડરવાને બદલે સાવચેતી જરૂરી

 

ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેવા અણસારો મળી રહ્યા છે. કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ દરરોજ લગભગ બમણા થઈ રહ્યા છે. દેશમાં ગુરુવારે કોરોનાના નવા એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૬,૦૦૦ કેસ સામે આવ્યા હતા. ઉપરાંત દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ એક જ દિવસમાં ૧૫-૧૫ હજાર કેસ નોંધાયા હતા. આ સિવાય તામિલનાડુ, કર્ણાટક, કેરળ સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

દેશમાં હજુ ગયા સપ્તાહે જ કોરોના મહામારી નિયંત્રણ હેઠળ હોવાનું જણાતું હતું અને કોરોનાના દૈનિક કેસ ૫,૦૦૦થી ૭,૦૦૦ સામે આવી રહ્યા હતા. પરંતુ એક જ સપ્તાહમાં કોરોનાના દૈનિક કેસ એક લાખને પાર થઈ ગયા છે. દેશમાં ઓમિક્રોનના કેસમાં પણ અસાધારણ ઊછાળો આવ્યો હતો. ગુરુવારે એક દિવસમાં ઓમિક્રોનના સૌથી વધુ ૪૯૫ કેસ નોંધાયા છે. સાથે દેશમાં ઓમિક્રોનના કુલ કેસ ૨૬૩૦ને પાર થઈ ગયા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથતી વધુ ૭૯૭ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુરુવારે રાજ્યમાં ૪૨૧૩ કેસ નોંધાયા છેતેમાંથી સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના ૧૮૩૫ નવા કેસ નોંધાયા છે. એ બાદ સુરતમાં કોરોનાના નવા ૧૧૦૫ દર્દી નોંધાયા છે. જ્યારે રાજકોટમાં ૧૮૩ અને વડોદરામાં ૧૦૩ કેસ નોંધાયા છે.ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કોરોના કેસોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા ૩,૩૫૦ કેસ નોંધાયા હતા.આ પહેલાં મંગળવારે રાજ્યમાં કોરોનાના ૨,૨૬૫ નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા સાત મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા.

આમ કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે ત્રીજી લહેર આવી ગઈ છે. લોકોએ ડરવાની બદલે સાવચેત રહેવું જરૂરી છે. પોતાની તથા પોતાના પરિવારની સુરક્ષા માટે તમામ તકેદારી રાખવી જોઇએ.