- તિજોરીમાંથી ઘરેણાં કાઢતી વેળાએ..
- વોર્ડ નંબર-17ના ભાજપ કોર્પોરેટર સારવાર અર્થે ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ: આજે ડિસ્ચાર્જ આપી દેવાશે
રાજકોટ શહેરના વોર્ડ નંબર-17 કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને પગમાં ગોળી વાગ્યાંની ઘટના સામે આવી છે. તિજોરીમાંથી ઘરેણાં કાઢતી વેળાએ પતિની રિવોલ્વર નીચે પડી જતાં આકસ્મિક ફાયર થતાં ભાજપના મહિલા કોર્પોરેટરને પગના ભાગે ગોળી વાગતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્રણ દિવસ પૂર્વે બનેલી ઘટનામાં મહિલા કોર્પોરેટરને ગોળી પગમાં વાગી બહાર નીકળી જતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આજે કોર્પોરેટરને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર ગત તા. 3-3-2025 સોમવારના રોજ શહેરના વોર્ડ નંબર 17ના ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગૌતમભાઈ ગોસ્વામીને લગ્ન પ્રસંગમાં જવાનું હોય સાંજના અંદાજિત સાડા પાંચ વાગ્યાં આસપાસ તેઓ તિજોરીમાંથી ઘરેણાં કાઢી રહ્યા હતા. દરમિયાન તિજોરીમાં પતિ ગૌતમભાઈ ગોસ્વામીની પરવાનાવાળી રિવોલ્વર પણ હાજર હતી. આકસ્મિક રીતે ઘરેણાં કાઢતી વેળાએ આ રિવોલ્વર તિજોરીમાંથી બહાર પટકાઈ હતી. રિવોલ્વર નીચે પડતા તેમાંથી આકસ્મિક ફાયરિંગ થતાં એક ગોળી મહિલા કોર્પોરેટરને પગમાં ગોઠણના નીચેના ભાગે વાગી હતી. જે બાદ તાત્કાલિક પતિ ગૌતમભાઈ ગોસ્વામી સહિતનાને જાણ કરવામાં આવતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને મહિલા કોર્પોરેટરને સારવાર અર્થે પ્રથમ ઢેબર રોડની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આજે મહિલા કોર્પોરેટરને ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ભાજપ આગેવાન ગૌતમભાઈ ગોસ્વામી અંદાજિત છેલ્લા છ વર્ષથી પરવાનાવાળું હથિયાર ધરાવે છે. જયારે આ ઘટના બની ત્યારે રિવોલ્વર લોડેડ હતી. રિવોલ્વર નીચે પટકાતા સેફટી લોક ચાલુ હોવા છતાં ગોળી છુટતા આ ઘટના સર્જાઈ હતી. હાલ મામલામાં ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી છે.