Abtak Media Google News

નવા વિસ્તારોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેના પર મુખ્ય ફોક્સ: પાણી પૂરવઠાના કામ માટે 270 અને ડ્રેનેજના કામ માટે 250 કરોડના પ્રોજેક્ટ બજેટમાં જાહેર કરાયા: રસ્તા-મેટલીંગ, હોકર્સ ઝોન, સ્ટ્રોમ ડ્રેનેજ વોટર અને બગીચાના કામ માટે પણ માતબર રકમની ફાળવણી

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વર્ષ-2020માં ભળેલા અલગ-અલગ પાંચ ગામોના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે વર્ષ-2023-2024ના બજેટમાં માધાપર, મુંજકા, મોટામવા, મનહરપુર અને ઘંટેશ્ર્વર સહિતના નવા વિસ્તારો માટે 610 કરોડના પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં ડ્રેનેજ કામ માટે 250 કરોડ અને પાણી પૂરવઠાના કામ માટે રૂ.270 કરોડના પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે. રસ્તા-મેટલીંગ, હોકર્સ ઝોન, સ્ટ્રોમ ડ્રેનેજ વોટર અને બગીચાના કામો માટે પણ માતબર રકમ ફાળવવામાં આવી છે. 610 કરોડના પ્રોજેક્ટ નવા ભળેલા ગામો માટે જાહેર કરાયા છે. જેમાં વર્ષ-2023-2024ના બજેટમાં 210 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

વોર્ડ નં.9માં ભળેલા મુંજકામાં ફિલ્ડ માર્શલ રોડથી અવધ રોડ સુધીના ડ્રેનેજ સેક્શન લંબાવી મેઇન હોલ બનાવવાના કામ માટે રૂ.48 લાખ ફાળવવામાં આવ્યા છે. જ્યારે મોટામવા, મુંજકા, ઘંટેશ્ર્વર અને માધાપર વિસ્તારમાં ડ્રેનેજ કલેક્ટીવીટી સિસ્ટમના કામ માટે રૂ.172.89 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત અહિં ડીઆઇ પાઇપલાઇનના નેટવર્ક માટે 195 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વોર્ડ નં.3માં માધાપર રેલનગર વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં મેટલીંગ કરવા 1.30 કરોડ, વોર્ડ નં.9માં માલાબાર હીલની બાજુના રસ્તાને ડેવલપ કરવા માટે 1 કરોડ, વોર્ડ નં.11માં બીજો 150 ફૂટ રીંગ રોડ પેટ્રોલ પંપની બાજુમાં સોઇલ મેટલીંગ કરવા 50 લાખની ફાળવણી કરવામાં આવી છે.

માધાપર અને મનહરપુરમાં હોકર્સ ઝોન બનાવવા માટે 15 લાખ અને વોર્ડ નં.3માં શિતલ પાર્કથી માધાપર ચોકડી સુધી સ્ટ્રોમ વોટર પાઇપલાઇન તથા પ્રોફાઇલ કરેક્શન કરવા માટે રૂ.3 કરોડ, માધાપર તથા મનહરપુરમાં સ્ટ્રોમ વોટરના કામ માટે 70 લાખની ફાળવણી કરવામાં આવી છે. મોટામવા વિસ્તાર માટે ઇએસઆર-જીએસઆર બનાવવા માટે રૂ.18.67 કરોડ, મુંજકામાં ઇએસઆર-જીએસઆર અને પમ્પીંગ સ્ટેશન બનાવવા માટે રૂ.7.92 કરોડ, માધાપરમાં ઇએસઆર-જીએસઆર બનાવવા માટે રૂ.14.94 કરોડ ફાળવવામાં આવ્યા છે.

રૈયા વિસ્તારમાં 23 એમએલડીની ક્ષમતાનો, ઘંટેશ્ર્વર વિસ્તારમાં 15 એમએલડીની ક્ષમતાનો, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે રૂ.45 કરોડ, ઘંટેશ્ર્વરમાં બે નવા પમ્પીંગ સ્ટેશન બનાવવા માટે રૂ.13.55 કરોડ અને મુંજકામાં નવું પમ્પીંગ સ્ટેશન બનાવવા માટે રૂ.11.69 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આ ઉપરાંત માધાપરમાં આધુનિક અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે 1.10 કરોડ, મુંજકામાં સીએચસી બનાવવા 1.10 કરોડ, મોટામવામાં એનિમલ હોસ્ટેલ બનાવવા 4 કરોડ, મોટામવા અને મુંજકા ખાતે મોર્ડનાઇઝ સેમિક્લોઝ ટાઇપ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવા માટે રૂ.8 લાખ અને નવા ભળેલા વિસ્તારોમાં અજવાળા પાથરવા માટે રૂ.32 લાખની ફાળવણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.