૨૧મી ફેબ્રુઆરીએ કોર્પોરેશનની ચૂંટણી ? સાંજે સત્તાવાર જાહેરાત

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સાંજે પાંચ કલાકે પત્રકાર પરિષદમાં કરવામાં  આવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તારીખોનું એલાન

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત, ૮૧ નગરપાલિકા અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત આજે સાંજે ૫ કલાકે પત્રકાર પરિષદમાં રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અલગ અલગ બે તબક્કામાં યોજાશે. જેમાં કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન ૨૧મી ફેબ્રુઆરીના રોજ જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાય તેવી સંભાવના જણાય રહી છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં એકી સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે અને બીજા સપ્તાહ સુધીમાં તમામ સ્વરાજ્ય ની સંસ્થામાં ચૂંટાયેલ બોડી કાર્યરત થઈ જાય તેવી સંભાવના જણાય રહી છે. આજ સાંજથી જ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અનેભાવનગર એમ રાજ્યની કુલ ૮ પૈકી છ મહાનગરપાલિકા ઉપરાંત ૩૧ જિલ્લા પંચાયત, ૮૧ નગર પાલિકાઓ અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટાયેલી બોડીની મુદત ગત ડિસેમ્બર માસમાં જ પૂર્ણ થઈ જવા પામી છે. હાલ તમામ સ્થળે વહીવટદાર શાસન છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ચરમસીમા પર જવાના કારણે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગત નવેમ્બર માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાના બદલે ચૂંટણી ત્રણ મહિના મુલત્વી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન આજે સાંજે પાંચ વાગ્યે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છેે. જેમાં રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તારીખોનું સત્તાવાર એલાન કરી દેવામાં આવશે. સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. જેમાં ૨૧મી ફેબ્રુઆરી રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડા, જામનગર અને ભાવનગર એમ કુલ છ મહાનગરપાલિકા ઓની ચૂંટણી માટેનું મતદાન હાથ ધરવામાં આવશે. જ્યારે ત્યારબાદના એક સપ્તાહ પછી એટલે કે ૨૮મી ફેબ્રુઆરી ના રોજ રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાિ લકાની ચૂંટણી માટે મતદાન યોજવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ભલે બે તક્કામાં યોજાય પરંતુ મત ગણતરી એક જ દિવસે એટલે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં હાથ ધરવામાં આવે તેવી શકયતા હાલ જણાય રહી છે. આજે સાંજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તારીખોનું એલાન થતાંની સાથે જ રાજ્યભરમાં આદર્શન આચારસંહિતા લાગુ થઈ જશે. મોટાભાગના સરકારી કાર્યક્રમો પર બ્રેક લાગી જશે. ૨૬મી જાન્યુઆરી નો જલ્સો પણ ઝાંખો પડી જાય તેવું લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫માં યોજાયેલી ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે ભારતનું જબરુ ધોવાણ થયું હતું. રાજ્યની છ મહાનગ રપાલિકામાં ભાજપ સત્તા જાળવી રાખવામાં ચોક્કસ સફળ રહ્યું હતું પરંતુ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાઓમાં ભાજપે કળ ન વડે તેવી નુકશાની વેઠવી પડી હતી. આ વખતે સામાન્ય ચૂંટણી ૩ મહિના પાછી ઠેલાતા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોને ચૂંટણીની તૈયારી માટેનો પર્યાપ્ત સમય મળી ચૂક્યો છે અને આ વખતે આપ, શિવ સેના સહિતના અન્ય રાજકીય પક્ષો પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગમાં ઝંપલાવે તેવુ લાગી રહ્યું છે. ટૂંકમાં આ વખતની ચૂંટણી રોમાંચક રહેશે.

ચૂંટણી કાર્યક્રમ

૬ મહાપાલિકાઓ માટે ૨૧મી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકા માટે ૨૮મી ફેબ્રુઆરીએ મતદાનની સંભાવના માર્ચના પ્રથમ સપ્તાહમાં પરિણામ

રાજ્યભરમાં સાંજથી આચારસંહિતા લાગુ

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે સાંજે ૫ કલાકે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેની તારીખોનું એલાન કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. આજે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તારીખોનું એલાન કરાતાની સાથે જ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી જશે. તમામ સરકારી કાર્યક્રમો પર બ્રેક લાગી જશે અને સરકાર પણ કોઈ જાહેરાત કરી શકશે નહીં. ટૂંકમાં આજથી રાજ્યભરમાં એક મહિનો ચૂંટણીલક્ષી ધમધમાટ ચાલુ રહેશે. આચારસંહિતાના કારણે ૨૬મી જાન્યુઆરી અર્થાત પ્રજાસત્તાક પર્વની ઉજવણીને પણ થોડી ઝાખપ લાગે તેવું જણાય રહી છે. સામાન્ય રીતે દર પાંચ વર્ષે નવેમ્બર માસમાં એટલે કે સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થાય તે રીતે ચૂંટણી યોજાય છે પરંતુ આ વખતે રાજયમાં કોરોનાનું સંક્રમણ હોવાના કારણે ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલવવામાં આવી હતી જેના કારણે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે.

ચૂંટણી લડતા પક્ષ અને ઉમેદવારોને  પ્રચાર-પ્રસાર માટે ઓછો સમય મળશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. જેમાં પ્રથમ તબક્કમાં ૨૧મી ફેબ્રુઆરીમાં રાજ્યની છ મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં ૨૮મી ફેબ્રુઆરીએ ૩૧ જિલ્લા પંચાયત, ૮૧ નગરપાલિકા અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન હાથ ધરવામાં આવશે. આજે ચૂંટણીની તારીખોનું એલાન થયા બાદ ઉમેદવારો કે રાજકીય પક્ષોને પ્રચાર, પ્રસાર માટે રોકડા ૨૭ થી લઈ ૩૫ દિવસ જ મળશે. આજે મહાપાલિકાની ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે અને સંભવત: આવતા સપ્તાહે ચૂંટણીનું જાહેરનામુ પણ પ્રસિધ્ધ થશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારી ફોર્મ ભરવાની અને પરત ખેંચવા સહિતની પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ મતદારોને રિઝવવા માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારો કે રાજકીય પક્ષોને પ્રચાર-પ્રસાર માટે માત્ર એક પખવાડિયાનો સમય મળશે. તો નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારોને મહાપાલિકાના ઉમેદવારોની સરખામણીએ પ્રચાર એક સપ્તાહનો વધુ સમય મળશે. જો કે ચૂંટણી નિર્ધારીત સમય કરતા ૩ મહિના મોડી યોજાય રહી છે. આવામાં મુખ્ય રાજકીય પક્ષોએ મોટાભાગની ચૂંટણીલક્ષી તૈયારીઓ આટોપી લીધી છે પરંતુ ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર સહિતની ચૂંટણીલક્ષી  કામગીરીમાં આ વખતે ઓછા દિવસોમાં વધુ પરસેવો પાડવો પડશે.

માર્ચના બીજા સપ્તાહમાં ચૂંટાયેલી પાંખ કાર્યરત થઈ જશે

મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે સાંજે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તારીખોની જાહેરાત કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. અલગ અલગ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવું હાલ લાગી રહ્યું છે. ૨૧મીએ ફેબ્રુઆરીએ મહાપાલિકા અને ૨૮મી ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મત ગણતરી માર્ચના પ્રથમ સપ્તાહમાં હાથ ધરવામાં આવશે. હાલ તમામ સ્થળે વહીવટદાર શાસન છે. દરમિયાન માર્ચના બીજા સપ્તાહમાં એટલે કે ૧૦ થી ૧૫ માર્ચ વચ્ચે રાજ્યભરમાં ચૂંટાયેલી પાંખ કાર્યરત થઈ જાય તેવી સંભાવના જણાય રહી છે. આજે ચૂંટણીની તારીખોનું એલાન થતાંની સાથે જ ધમધમાટ શરૂ થઈ જશે.

૧લી ફેબ્રુઆરીથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરાય તેવી સંભાવના

નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ૭મી ફેબ્રુઆરીએ જાહેરનામુ પ્રસિધ્ધ થવાની સંભાવના

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા આજે સાંજે પત્રકાર પરિષદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તારીખોનું એલાન કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. અલગ અલગ બે તબક્કામાં ચૂંટણી યોજાય તેવું લાગી રહ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું જાહેરનામુ ૧લી ફેબ્રુઆરીએ વિધિવત રીતે પ્રસિધ્ધ થાય તેવું જણાય રહી છે. એટલે કે ૧લી ફેબ્રુઆરી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ફોર્મ ભરવાનું શરૂ કરી શકશે. ૭ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ૧૦મીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. એટલે તે દિવસે ચૂંટણી ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય તેવું હાલ જણાય રહ્યું છે. તો જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે સંભવત: ૫ થી ૭ ફેબ્રુઆરીએ જાહેરનામુ પ્રસિધ્ધ થવાની સંભાવના છે. ૧૨ થી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરી શકાશે તેવું હાલ દેખાઈ રહ્યું છે. ચૂંટણીની તારીખ, ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખની જાહેરાત સાંજે સત્તાવાર જાહેર કરાશે.

Loading...