Abtak Media Google News

વેસ્ટ ઝોનમાં 297, સેન્ટ્રલ ઝોનમાં 198 અને ઇસ્ટ ઝોનમાં 18 બિલ્ડીંગોને ભયજનક બાંધકામ સલામત કરવા કરાતી તાકીદ

કોર્પોરેશનની બાંધકામ શાખા દ્વારા ચોમાસાની સીઝન પહેલા જર્જરિત બિલ્ડીંગોને નોટિસ ફટકારવામાં આવતી હોય છે. ચાલુ સાલ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 513 બિલ્ડીંગોને નોટિસ ફટકારી ચોમાસા પૂર્વે ભયજનક બાંધકામ નિયમિત કરાવી લેવા માટેની તાકીદ કરવામાં આવી છે. જો કે, દર વર્ષે માત્ર કહેવા પૂરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જર્જરિત બિલ્ડીંગ રીપેર ન કરનાર સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ અંગે કોર્પોરેશનની બાંધકામ શાખાના ઇજનેર પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના સામા કાંઠા વિસ્તાર અર્થાત ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.4માં ભગવતીપરા અને બેડીપરા વિસ્તારમાં બે જર્જરિત મિલકતોને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.9માં 113 મિલકતો અને વોર્ડ નં.10માં 184 જર્જરિત બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી છે.

જેમાં ટીંટોડીયાપરામાં આવેલા સ્લમ ક્વાર્ટર અને ગુજરાત રૂરલ હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરનો સમાવેશ થાય છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.2, 3, 4, 13, 14 અને 17માં કુલ 198 સહિત 513 બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી છે. જીપીએમસી એક્ટની કલમ-264 અન્વયે ફટકારવામાં આવી છે. જેમાં આસામીઓને નોટિસ મળ્યાના સાત દિવસમાં ભયજનક બિલ્ડીંગનું ભાગ સલામત કરવા જણાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસાની સીઝન પૂર્વે કોર્પોરેશન દ્વારા જર્જરિત બિલ્ડીંગોને નોટિસ ફટકારવામાં આવે છે પરંતુ કેટલાંક કેસમાં મકાન માલિક અને ભાડુઆતનો કેસ ચાલતો હોય છે. જેના કારણે જર્જરિત બિલ્ડીંગો સલામત સ્ટેજ સુધી લઇ જઇ શકાતી નથી.

400 હોર્ડિંગ્સ સાઇટને પણ સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સટિર્ફિકેટ રજૂ કરવા આદેશ

ચોમાસુ દસ્તક દઇ રહ્યું છે ત્યારે કોર્પોરેશન દ્વારા પૂરજોશમાં પ્રિ-મોનસૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલી 400 હોર્ડિગ્સ સાઇટને સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સર્ટિફિકેટ રજૂ કરવામાં માટે નોટિસ ફટકારવામાં આવી છે. જેનો સાત દિવસમાં રિપોર્ટ રજૂ કરવામાં જણાવ્યું છે. શહેરમાં 17 ખાનગી એડ એજન્સીના 400 જેટલા હોર્ડિંગ્સ બોર્ડ આવેલા છે. જ્યારે 100 જેટલી કોર્પોરેશન ટેન્ડર સાઇટ સહિત 500 હોર્ડિગ્સ બોર્ડ છે. જેમાં રેલવે અને એસ.ટી. નિગમના હોર્ડિંગ્સ બોર્ડનો સમાવેશ થતો નથી.

આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે જુદા-જુદા સ્થળોએ હોર્ડિગ્સ બોર્ડ, ગેટ્રી બોર્ડ, કિયોસ બોર્ડ દ્વારા જે જાહેરાત પ્રસિદ્વ કરવામાં આવે છે. તે તમામને સ્ટ્રક્ચરની ચકાસણી હાથ ધરવાનું જરૂરી છે. નબળા સ્ટ્રક્ચરવાળા હોડ્ગ્સિ બોર્ડ દૂર કરવામાં આવશે. જેના કારણે ચોમાસાની સિઝન દરમિયાન અતિવૃષ્ટિ કે વાવાઝોડા દરમિયાન કોઇ જાનમાલની હાની ન સર્જાય. નોટિસ મળ્યાના સાત દિવસમાં જો કોઇ એજન્સી સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સર્ટિફીકેટ રજૂ નહી કરે તો તેની સામે પગલા લેવામાં આવશે. આ નોટિસ મળતા એડ એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે અને તમામ ધડાધડ સર્ટિફીકેટ રજૂ કરવા માંડ્યા છે અને તમામ જોખમી હોર્ડિગ્સ બોર્ડ અંગેનો સર્વે પણ ચાલી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.