Abtak Media Google News

ગ્રાઉન્ડ ફલોર અને ફસ્ટ ફલોર પર ૩૦ કલાસ રૂમ, ૨ સ્ટાફ રૂમ, ૨ એક્ટિવીટી રૂમ, ૧ કાઉન્સેલીંગ રૂમ, ૩ કોમ્પ્યુટર લેબ, લાઈબ્રેરી, ૧ ઈ-લાઈબ્રેરી, મિટીંગ હોલ, કેન્ટીન, ચિલ્ડ્રન ટોય રૂમ, પ્લે ગ્રાઉન્ડ, એથ્લેટીક ટ્રેડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, વોલીબોલ કોર્ટ અને કબડ્ડી ગ્રાઉન્ડ જેવી સુવિધાથી સજ્જ હશે હાઈસ્કૂલ: રાજ્ય સરકારના ખેલ મહાકુંભ અને અન્ય રમત-ગમતનું આયોજન પણ થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના છેવાડાના વિસ્તારનો પણ સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. શહેરના સામાકાંઠે વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ૨૬૨૦૧ ચો.મી. વિશાળ જગ્યામાં રૂા.૧૯.૩૮ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાથી સજ્જ હાઈસ્કૂલ બનાવવામાં આવશે. આ માટે ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૪માં તથા આસપાસના વિસ્તારમાં સ્માર્ટ ઘર ૫ અને ૬ આવાસ યોજના અંતર્ગત ૨૧૨૮ આવાસ બનાવવામાં આવ્યા છે અને ભગવતીપરામાં ૨૦૦ જેટલા પ્રાઈવેટ એફોર્ડેબલ હાઉસીંગ પણ બની રહ્યાં છે. આ વિસ્તારમાં સરકારી શાળા ન હોવાથી શાળા બનાવવી  ખુબજ જરૂરી લાગતું હતું અને હાલ મહાપાલિકા હસ્તકની શાળાઓમાં રમત-ગમત માટે પુરતા પ્રમાણમાં મેદાન ઉપલબ્ધ નથી. આ બાબતને ધ્યાનમાં લઈ કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં ટીપી સ્કીમ નં.૩૧ના ફાઈનલ પ્લોટ નં.૩૧/૪ની ૨૬૨૦૧ ચો.મી. જગ્યામાં ૧૯.૩૮ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવી શાળા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં ૧૪ કલાસ રૂમ, ૨ સ્ટાફ રૂમ, ૨ એક્ટિવીટી રૂમ, ૧ કાઉન્સેલીંગ રૂમ, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે અલગ અલગ ટોયલેટની સુવિધા જ્યારે પ્રથમ માળે ૧૬ કલાસ રૂમ, કોમ્પ્યુટર રૂમ, લાઈબ્રેરી, ઈ-લાઈબ્રેરી, ૧ મીટીંગ રૂમ તથા વિદ્યાર્થી અને વિદ્યાર્થિની માટે ટોયલેટની સુવિધા રહેશે. છાત્રો માટે કેન્ટીન, આઉટડોર સીટીંગ, ચિલ્ડ્રન ટોય રૂમ, પ્લે ગ્રાઉન્ડ, એથ્લેટીક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, વોલીબોલ કોર્ટ, વરસાદી પાણીના બજાવ માટે રેન વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ, ગાર્ડન, પાર્કિંગ, ઈલેકટ્રીક ફીચર્સ તથા સીક્યુરીટી રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.

13 3

ભગવતીપરામાં  નવી બનનારી શાળામાં રમત-ગમતને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મહાપાલિકા હસ્તકની એક પણ શાળામાં હાલ રમત-ગમતમાં તેના પુરતા મેદાનો ઉપલબ્ધ નથી. ત્યારે અહીં પ્લે ગ્રાઉન્ડ, એથ્લેટીક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, વોલીબોલ કોર્ટ અને કબડ્ડી ગ્રાઉન્ડ બનાવવાનું પલાનીંગ કરાયું છે. રાજ્ય સરકારે સમયાંતરે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને અન્ય રમત-ગમતના કાર્યક્રમો પણ વર્ષ દરમિયાન યોજાતા છે. ત્યારે આ શાળામાં ખેલ મહાકુંભનું પણ આયોજન કરી શકાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રૂા.૧૯.૩૮ કરોડના ખર્ચે ભગવતીપરા વિસ્તારમાં બનનારી આ અત્યાધુનિક સુવિધાથી સજ્જ હાઈસ્કૂલથી સામાકાંઠા વિસ્તારના લોકોને એક સર્વોત્તમ સરકારી શાળા મળી રહેશે.

14 1

આ ઉપરાંત કાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ ૬૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. આગામી ઓકટોબર માસમાં ગમે ત્યારે મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેની તારીખનું પણ એલાન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે ત્યારે ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે જ મોટાભાગના વિકાસ કામોનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત થઈ જાય તે દિશામાં શાસકો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બીપીએમસી એકટના નિયમ મુજબ મહિનામાં એક વખત સ્ટેન્ડિંગ કમીટીની બેઠક બોલાવવી ફરજિયાત છે. ગત મહિને ૨૫ તારીખે બેઠક મળી હતી હવે આવતીકાલે એક મહિનાના લાંબા અંતરાલ બાદ સ્ટેન્ડિંગની બેઠક મળી રહી છે. પરંતુ આગામી દિવસોમાં હવે દર સપ્તાહે સ્ટેન્ડીંગની બેઠક મળે અને ધડાધડ વિકાસ કામોને બહાલી આપવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.