ફૂટપાથોને દબાણ મુક્ત કરવા રાજકોટ કોર્પોરેશન શરૂ કરશે ખાસ ઝુંબેશ: સર્વે શરૂ

ફૂટપાથની આજુબાજુના 500 ચો.મી. વિસ્તારમાં હોકર્સ ઝોન બનાવવાની વિચારણાં: રાજમાર્ગો પર ધમધમતા હોકર્સ ઝોનને સ્થળાંતર કરાશે

શહેરના 48 મુખ્ય રાજમાર્ગો પર હાલ વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત છેલ્લાં ઘણા સમયથી દબાણ હટાવ કામગીરી ચાલી રહી છે. રાહદારીઓ માટે બનાવવામાં આવેલી મોટાભાગની ફૂટપાથો પર દબાણ ખડકાઇ ગયા છે. ફૂટપાથની સુવિધા જાણે દબાણકર્તાઓ માટે ઉભી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. દરમિયાન હવે ફૂટપાથોને સંપૂર્ણપણે દબાણમુક્ત કરાવવા માટે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા ડીએમસી એ.આર. સિંહને ખાસ એસાઇમેન્ટ આપવામાં આવ્યું છે અને તાત્કાલીક અસરથી સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજમાર્ગો પરના હોકર્સ ઝોનનું શિફ્ટીંગ માટે પણ સર્વેની સૂચના આપવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર અમિત અરોરા જણાવ્યું હતું કે શહેરના તમામ રાજમાર્ગો પર કોર્પોરેશન દ્વારા રાહદારીઓની સુવિધાઓ માટે બનાવવામાં આવેલી ફૂટપાથો પર દબાણો ખડકાઇ ગયા છે. જેના કારણે લોકોએ નાછૂટકે રોડ પર ચાલવું પડે છે અને અકસ્માત સર્જાવવાની સંભાવના વધી જાય છે. આવામાં ફૂટપાથો પરના દબાણો દૂર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ડીએમસી એ.આર.સિંહને સર્વે કરવા તાકીદ કરવામાં આવી છે. જ્યાં ફૂટપાથ પર વધુ દબાણ હોય તેવા વિસ્તારમાં લોકોની રોજગારી ન છીનવાઇ તેની તકેદારી રાખવામાં આવશે અને આસપાસના 500 મીટરના વિસ્તારમાં હોકર્સ ઝોન બનાવવામાં આવશે. ફૂટપાથ પર ઉભા રહેતા રેકડીવાળાઓને આ હોકર્સ ઝોનમાં સ્થળાંતર કરવામાં આવશે. ટૂંક સમયમાં ફૂટપાથોને દબાણમુક્ત કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરાશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં હોકર્સ ઝોન મુખ્ય માર્ગ પર હોવાના કારણે ટ્રાફીક જામ સહિતની અનેક સમસ્યા ઉભી થાય છે. જેને ધ્યાનમાં રાખી હવે રાજમાર્ગો પરના હોકર્સ ઝોન નજીકની જગ્યાએ ખસેડવા માટેની પણ વિચારણાં ચાલી રહી છે. વન વીક, વન રોડ ઝુંબેશની સાથે હવે ફૂટપાથોને પણ દબાણમુક્ત કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવાશે.

હોસ્પિટલ, હોટેલ અને ફર્નિચરના શો-રૂમ સહિત 11 સ્થળોએ પાર્કિંગમાં ખડકાયેલા દબાણો હટાવાયા

લક્ષ્મીવાડી આરોગ્ય કેન્દ્રથી કાન્તા વિકાસ ગૃહ મેઇન રોડ માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરી 6027 ચો.ફૂટ જમીન ખૂલ્લી કરાવાઇ

વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં.14માં આવેલા લક્ષ્મીવાડી આરોગ્ય કેન્દ્રથી કાન્તા વિકાસ ગૃહ મેઇન રોડ સુધીના વિસ્તારમાં માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 11 સ્થળોએ સાઇન બોર્ડ, ઓટલા, રેલીંગ અને લોખંડના એંગલ સહિતનું દબાણ દૂર કરી 6027 ચો.ફૂટ જગ્યા ખૂલ્લી કરાવવામાં આવી હતી. આજે હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં વર્ષા પાન, એંજલ હોસ્પિટલ, ઓરબીટ ટ્રમ્પ, અંજતા ફર્નિચર, મહાવીર ટ્રેડવાળુ બિલ્ડીંગ, સેન્ચ્યૂરી સેન્ટર, પ્રેસીયર્સ કોમ્પ્લેક્સ, પીએચપીએલ હાઉસ, શાંતિ નિકેતન સ્કેર, હોટેલ કિંગ પેલેસ અને આકાશ ઓટોમાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.