- ઇમરજન્સી નંબર 101 અને 102 કલાકો સુધી બંધ રહેતા ભારે દોડધામ
આજે બપોરે અચાનક કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગના બંને ઇમરર્જન્સી ફોન બંધ થઇ જતાં શહેરભરમાં ભારે દેકારો બોલી ગયો હતો. અધિકારીઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી. એક કલાકથી વધુ સમય ફોન બંધ રહેતા શહેરીજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 8 ફાયર સ્ટેશનો પૈકી મોટાભાગના ફાયર સ્ટેશનોને ફાળવવામાં આવેલા લેન્ડલાઇન ફોન પણ બંધ થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડ એન્ડ ઇમરર્જન્સી સર્વિસીસ શાખામાં ઇમરર્જન્સી ફોન નંબર 101 અને 102ની કુલ ચાર-ચાર લાઇનો સહિત આઠ લાઇનો છે. આ ઉપરાંત મુખ્ય ફાયર સ્ટેશન એટલે કે કનક રોડ સ્થિત ફાયર સ્ટેશન ખાતે લેન્ડલાઇન નંબર 2227222 કાર્યરત છે. દરમિયાન આજે બપોરે કોઇ ટેકનીકલ ફોલ્ટ આવવાના કારણે ફાયર બ્રિગેડ વિભાગના બે મુખ્ય ઇમરર્જન્સી નંબર ઉપરાંત લેન્ડલાઇન નંબર પણ બંધ થઇ ગયા હતા. સામાન્ય રીતે આગ લાગવા સહિતની ઇમરર્જન્સી ઘટના કે એમ્બ્યુલન્સ અથવા શબવાહિની બોલાવવા માટે 101 અને 102 નંબર પર લોકો ફોન કરતા હોય છે પરંતુ આજે બપોરે આ બંને ઇમરર્જન્સી નંબર પર વારંવાર ફોન કરવા છતાં કોઇ ફોન ઉપાડતા ન હોવાની ફરિયાદો ઉઠતા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે તમામ ફોન ડબલા થઇ ગયા છે. આ અંગે બીએસએનએલ કંપનીમાં તાત્કાલીક ધોરણે ફરિયાદ કરવામાં આવતા સ્ટાફ રિપેરીંગ માટે મારતા ઘોડે દોડી આવ્યો હતો. જો કે, 101 અને 102 નંબર શરૂ કરવામાં ખૂબ જ જહેમત ઉઠાવવી પડી હતી. તમામ ફાયર સ્ટેશનના લેન્ડલાઇન નંબર ક્રમશ: ચાલુ કરવામાં આવ્યા હતા. જો કે, લેન્ડલાઇન નંબર શહેરીજનો પાસે હોતા નથી. માત્ર ઇમરર્જન્સી નંબર જ તમામ પાસે ઉપલબ્ધ હોય છે. આવામાં ફાયર બ્રિગેડ વિભાગના ઇમરર્જન્સી નંબર 101 અને 102ની સેવા કલાકો સુધી બંધ રહેવાના કારણે ભારે દેકારો બોલી ગયો હતો. ક્યા કારણોસર અચાનક ઇમરર્જન્સી નંબર સાથે લેન્ડલાઇન નંબર પણ બંધ થઇ ગયા તે હજુ સુધી જાણી શકાયું નથી.