Abtak Media Google News

કોંગ્રેસ વતી વિજયસિંહ જાડેજા, કમલેશ કોઠીવાર અને રણજીત મુંધવાએ ફોર્મ ઉપાડતા ભારે ઉત્તેજના: જો ફોર્મ ભરશે તો 19મીએ શિક્ષણ સમિતિની ચૂંટણી

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 22 વર્ષ બાદ સિલેક્શનના બદલે ઇલેક્શન થવાની શક્યતા હાલ દેખાઇ રહી છે. કારણ કે પર્યાપ્ત સભ્યસંખ્યા ન હોવા છતાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ આજે ફોર્મ ઉપાડ્યા છે. કોર્પોરેટરોની સંખ્યા માત્ર બે છે. છતાં ત્રણ ઉમેદવારોએ ફોર્મ ઉપાડતા થોડું આશ્ર્ચર્ય ફેલાયું છે. જો કે, ત્રણ પૈકી કોઇ એક ઉમેદવાર જ ફોર્મ ભરી શકશે.

આગામી 19મી જૂનના રોજ શિક્ષણ સમિતિના 12 સભ્યોની ચૂંટણી યોજાવાની છે. જેના માટે આગામી 1 જૂને ફોર્મ ભરવાના છે. હાલ ભાજપ પાસે 68 કોર્પોરેટરો છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર બે કોર્પોરેટરો છે. આવામાં તમામ બારેય સભ્યો ભાજપના ચૂંટાઇ આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે પરંતુ રાજકીય રીતે કૂકરી ગાંડી કરવા માટે હાર નિશ્ર્ચિત હોવા છતા કોંગ્રેસ શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા જણાઇ રહી છે. મહાપાલિકામાં છેલ્લે વર્ષ-2000ની સાલમાં અશોકભાઇ ડાંગરના મેયર તરીકેના કાર્યકાળમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ પાસે 25 અને કોંગ્રેસ પાસે 44 કોર્પોરેટરોનું સભ્યસંખ્યા બળ હતું.

કોંગ્રેસે 9 ઉમેદવારો જ્યારે ભાજપે પાંચ ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસના આઠ અને ભાજપના ચાર સભ્યો વિજેતા બન્યા હતા. છેલ્લા 22 વર્ષથી શિક્ષણ સમિતિની ચૂંટણીનું મતદાન થતું નથી. ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ બંને પક્ષો સહમતિથી નિયત સભ્ય સંખ્યા બળને આધારે પોતાના ઉમેદવારો ઉભા રાખે છે. જે બિનહરીફ ચૂંટાઇ આવે છે. શિક્ષણ સમિતિના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા 6 કોર્પોરેટરોના મત મળવા જરૂરી છે.

કોંગ્રેસ પાસે માત્ર બે જ કોર્પોરેટરો છે. છતાં હાઇકમાન્ડના આદેશ બાદ આજે ત્રણ વ્યક્તિઓએ કોંગ્રેસ વતી ફોર્મ ઉપાડ્યા હતા. જેમાં વિજયસિંહ જાડેજા, રણજીત મુંધવા અને કમલેશ કોઠીવારે ફોર્મ ઉપાડ્યા છે. પક્ષની સૂચના મુજબ કોઇ એક વ્યક્તિ ફોર્મ ભરશે અને જો તે નિયત સમયમાં ફોર્મ પરત નહિં ખેંચે તો 22 વર્ષ બાદ શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સિલેક્શનના બદલે ઇલેક્શન થાય તેવી સંભાવના હાલ જણાઇ રહી છે.જો કે, મનામણા માટે હાલ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઘીના ઠામમાં ઘી પડી જાય તેવી શક્યતા પણ હાલ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.