કપાસની નિકાસ 50% વધી 75 લાખ ગાંસડીએ પહોંચશે!!

વૈશ્વિક સ્તરે કપાસની અછત અને ભાવ વધારા સામે ભારતની ગુણવત્તાયુક્ત કપાસ વિશ્વભરમાં છવાઈ જશે

સૌરાષ્ટ્ર અને ગુજરાતના મુખ્ય પાકમાં મુખ્યત્વે મગફળી અને કપાસનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના ખેડૂતો મુખ્યત્વે મગફળી અને કપાસનું ઉત્પાદન લેતા હોય છે ત્યારે કપાસનું ઉત્પાદન લેનારા ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય. વૈશ્વિક બજારમાં કપાસની અછત અને ભારતની ઉચ્ચ ગુણવતાયુક્ત તેમજ નીચા ભાવના કપાસને કારણે વૈશ્વિક બજારમાં ભારતીય કપાસ છવાઈ જાય તેવી પ્રબળ શકયતાઓ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં કપાસની નિકાસમાં 50% સુધીનો વધારો થવાની શક્યતાઓ છે. જેનો સુધો ફાયદો ખેડૂતોને ભાવના સ્વરૂપમાં મળી શકે છે.

કપાસની નિકાસ ચાલુ વર્ષે આશરે 50 ટકા સુધી વધે તેવી શક્યતાઓ છે. નિકાસ વધતા સંભવત: 75 લાખ ગાંસડી કપાસની નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં થાય તેવી પણ સંભાવનાઓ છે. ગત વર્ષના ઓકટોબર માસથી વૈશ્વિક બજારમાં કપાસની માંગ અને અછતને કારણે સીધો લાભ ભારતીય કપાસના નિકાસકારોને થાય તેવું હાલના તબક્કે મનાઇ રહ્યું છે.

ઇન્ડિયન કોટન એસોસિએશનના પ્રમુઝ મહેશ શારદાના જણાવ્યા અનુસાર, કપાસની નિકાસને વધુ વેગ મળે જો પાકિસ્તાનના ખરીદદારો ભારતીય બજારમાંથી કપાસની ખરીદી કરે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્ષ, 2019થી બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો ફરીવાર બંને દેશો વચ્ચે વ્યાપારીક સંબંધો બંધાય તો કપાસની નિકાસને વધુ વેગ મળી શકે છે. ભારતીય કપાસ અમેરિકા, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોના કપાસની સરખામણીએ ખૂબ સસ્તું હોવાથી નિકાસ માટે ભારત પાસે મોકળું મેદાન છે તેવું પણ મહેશ શારદાએ જણાવ્યું હતું.

છેલ્લા દસ દિવસમાં ફક્ત ચાઈનાએ ભારત પાસે 10 લાખ ગાંસળીનો ઓર્ડર મંગાવ્યો છે.જેનું મુખ્ય કારણ છે કે, વૈશ્વિક સ્તરે કપાસના ભાવ ખૂબ ઝડપે વધી રહ્યા છે. ત્યારે વિશ્વના મોટાભાગના કપાસના વપરાશકર્તા દેશો હાલ ભારત પાસે કપાસ લેવા મજબૂર બન્યા છે. ઉપરાંત, પાકિસ્તાનમાં પણ હાલ કપાસની અછત વર્તાય રહી છે ત્યારે પાકિસ્તાને પણ ભારત પાસેથી કપાસ લેવાની ફરજ પડશે અને તેવા સમયે જો બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો ફરી વાર શરૂ થાય તો ભારતને કપાસની નિકાસમાં ખૂબ મોટો ફાયદો થઈ શકે છે.

કપાસના નિકાસકાર ધર્મેન્દ્ર જૈનના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી માસના અંત સુધીમાં ભારતે ચાઇના,બાંગ્લાદેશ અને વિયેતનામ સહિતના દેશોમાં 38 લાખ કપાસની ગાંસળીનો નિકાસ કર્યો છે અને વધુ સાત લાખ ગાંસડીના નિકાસના કોન્ટ્રાક્ટ પણ સાઈન કર્યા છે. બીજી બાજુ જો ભારત અને પાકિસ્તાન વચ્ચે ના વેપારી સંબંધો ફરીવાર શરૂ થાય તો પાકિસ્તાન આશરે 5 લાખ ગાંસળીનો ઓર્ડર આપી શકે છે જેના કારણે ભારતનો ચાલુ વર્ષે કપાસની નિકાસ 75 લાખ ગાંસળી સુધી પહોંચી શકે છે.