Abtak Media Google News

છેલ્લા એક વર્ષથી ધમધમતા કારખાના પર દરોડો પાડી પોલીસે દવાની 2982 બોટલો મળી કુલ રૂ. 13.53 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

રાજકોટમાં કુવાડવા નજીક નવાગામ રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં છેલ્લા એક વર્ષથી લાયસન્સ વગર ખેતીને લગતી પેસ્ટિસાઇડ દવા બનાવતા કારખાનામાં પોલીસે દરોડો પાડી રૂ.13.53 લાખની દવાના જથ્થા સાથે કારખાનેદારને ઝડપી લીધો હતો. અને કબ્જે કરેલી 2982 દવાની બોટલોના સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી.
વિગતો મુજબ રૂડાનગર ટ્રાન્સપોર્ટમાં નેચર ગ્રીન ક્રોપ સાયન્સના નામે ચાલતા કારખાનામાં ખેતીને લગતી પેસ્ટિસાઇડ દવાઓ બનાવવામાં આવે છે અને આ માટેનું લાઇસન્સ કારખાનેદાર દ્વારા લેવામાં આવ્યું નથી તેવી માહિતી મળતાં કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ.ઝણકાટ સહિતની ટીમ દોડી ગઇ હતી. અને પોલીસે કારખાનામાં તપાસ કરતાં જુદી જુદી બ્રાન્ડની 2922 બોટલ દવાનો જથ્થો મળી આવ્યો હતો.

આ ઉપરાંત અલગ અલગ દવાઓના રેપરનો જથ્થો, બે ઇલેક્ટ્રિક વજન કાંટા અને દવા વલોવવા માટેનું વલોણું મળતા પોલીસે દવા અને સાધનો સહિત કુલ રૂ.13.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.પોલીસે કારખાનામાં હાજર કારખાનેદાર બ્રિજેશ ભોલા ખાણધર (ઉ.વ.30)ની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામનો વતની બ્રિજેશ ખાણધર કેટલાક સમયથી રાજકોટમાં મોરબી રોડ પરની રાધા મીરા સોસાયટીમાં રહે છે અને રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં ખેતીને લગતી પેસ્ટિસાઇડ દવાઓ બનાવવાનું કારખાનું ચાલુ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.