Abtak Media Google News

સાણંદના ‘ઓટોમોબાઈલ હબ’ નજીક

મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડ વચ્ચે સમજૂતિ કરાર સંપન્ન

સાણંદમાં ઓટોમોબાઈલ હબ નજીક વિરોચનગરમાં ભારતનો સૌથી મોટો મલ્ટીમોડેલ લોજીસ્ટીક પાર્ક સ્થાપવા માટે સરકારે અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડ સાથે કરાર કર્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગુજરાતને સર્વાંગી વિકાસ ક્ષેત્રે ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાની નિર્ણાયકતામાં આજે એક વધુ મોરપિંછ ઉમેરવાનો યુગ શરૂ થયો છે.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદાણી પોર્ટસ એન્ડ સેઝ લિમિટેડ સાથે સાણંદમાં ઓટોમોબાઇલ હબ નજીક વિરોચનનગરમાં ૧૪પ૦ એકર વિસ્તારમાં અંદાજિત રૂ. પ૦ હજાર કરોડના સંભવિત રોકાણ સાથે ભારતનો સૌથી વિશાળ મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થાપવા માટેના એમઓયુ કર્યા છે.આ મલ્ટિ-મોડેલ લોજિસ્ટીક પાર્ક રપ હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસરો પૂરા પાડશે. રાજ્ય સરકારવતી આ એમઓયુ પર મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ-ખાણ અધિક મુખ્ય સચિવ  એમ. કે. દાસ અને અદાણી પોર્ટસ એન્ડ સેઝ લી.ના સીઈઓ કરણ અદાણીએ પરસ્પર હસ્તાક્ષર કર્યા હતા.આ પાર્ક ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર તેમજ ગુજરાતના તમામ મુખ્ય બંદરો સાથે સીધું જોડાણ ધરાવનારો અદ્યતન સુવિધાયુકત પાર્ક બનશે.

છ માસમાં પ્રોજેકટ શરૂ  કરી તબકકાવાર ત્રણ વર્ષમાં પૂર્ણ કરશે

૫૦ હજાર કરોડનું રોકાણ થશે ૨૫ હજાર લોકોને રોજગારી મળશે

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુરૂપ આ પ્રોજેક્ટથી રાજ્યના લોજિસ્ટીક ખર્ચમાં માતબર ઘટાડો થશે. આ પાર્ક દેશના અગ્રણી ઓટો હબ અમદાવાદ સાથે તેમજ આવનાર સમયમાં ગુજરાતમાં ઉભા થનારા અન્ય ઔદ્યોગિક ક્ષેત્રો સાથે કનેક્ટિવીટી પૂરી પાડવાનું શ્રેષ્ઠ માધ્યમ પણ બનશે.  મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  એમ.કે.દાસે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે આ પાર્કમાં સ્થપાનાર એર કાર્ગો ટર્મિનલ ૪.૬ કિ.મી લંબાઈનો રનવે ધરાવતું હશે, જેના પરિણામે અત્યંત મોટા માલવાહક વિમાનો કે જહાજોને હેન્ડલ કરી શકશે અને તેથી સ્થાનિક અને એક્સ્પોર્ટ માર્કેટ સાથે કનેક્ટિવીટી મળશે. આ પાર્કમાં રેલ ફ્રેઈટ ટર્મિનલ પણ હશે તેની દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટના ભાગરૂપ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર સાથે સીધી કનેક્ટિવીટી આપવામાં આવશે. ૯૦ લાખ અહિં ચોરસ ફૂટ વિસ્તારમાં વેરહાઉસ ઝોન વિકસાવવામાં આવશે, જે એર ફ્રેઈટ સ્ટેશન (૪.૫ મેટ્રિક ટન), ગ્રેડ-એ વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાથી સજ્જ હશે. આ ઉપરાંત, આ પાર્કમાં ૩ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બિઝનેસ સેન્ટર અને  લોજિસ્ટીક ક્ષેત્રે પ્રશિક્ષિત માનવબળ મળી રહે તે માટે એક અલાયદું સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર પણ સ્થાપવામાં આવશે.

આ પાર્કની સ્થાપના અંગેની તમામ જરૂરી કાયદાકીય મંજુરીઓ મળ્યા બાદ છ મહિનામાં નિર્માણ કાર્ય શરૂ કરીને તબક્કાવાર ત્રણ વર્ષમાં સમગ્ર પ્રોજેકટ પૂર્ણ કરવાનું આયોજન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.