Abtak Media Google News

બપોરના સમયે બાથરૂમમાં અચાનક વિસ્ફોટ થતા અફરાતફરી : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસનો ધમધમાટ

લુધિયાણામાં કોર્ટ પરિસરની અંદર વિસ્ફોટમાં 2 લોકોના મોત થયા છે.  વિસ્ફોટમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.  વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણવામાં આવ્યું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બ્લાસ્ટ લુધિયાણા કોર્ટના વોશરૂમમાં થયો હતો.  આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો. કોર્ટ સંકુલના બીજા માળે સ્થિત બાથરૂમમાં બપોરે 12.22 કલાકે બ્લાસ્ટ થયો હતો.  બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનાથી બાથરૂમની દિવાલોને નુકસાન થયું હતું અને બાજુના રૂમની બારીઓના કાચ તૂટી ગયા હતા.

લુધિયાણા જિલ્લા કોર્ટ સંકુલમાં થયેલા વિસ્ફોટ પર પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંઘ ચન્નીએ કહ્યું, હું લુધિયાણા જઈ રહ્યો છું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેટલાક રાષ્ટ્રવિરોધી તત્વો આવા કૃત્યો કરી રહ્યા છે. સરકાર સતર્ક છે. દોષિત છે તેમને બક્ષવામાં આવશે નહીં. વિસ્ફોટ પર શોક વ્યક્ત કરતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘે કહ્યું કે પંજાબ પોલીસે મામલાના તળિયે જવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે તુરંત પહોંચી ગઈ હતી.  પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની એક ટીમને વિસ્ફોટ સ્થળ પર તપાસ અર્થે મોકલવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.