Abtak Media Google News

ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસાવાયેલી સિરમ ઈસ્ટિટ્યુટની કોવિશિલ્ડ, ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિનમાંથી કઈ રસી વધુ અસરકારક ??

દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજથી 18 વર્ષથી વધુની ઉમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. ભારતનું રસીકરણ અભિયાન વિશ્ર્વમાં સૌથી મોટા અભિયાન પૈકીનું છે. અત્યારે સત્તાવાર રીતે ભારત બાયોટેકની કોવેક્સિન અને સિરમ ઈન્સ્ટિટ્યુટ-ઓકસ્ફોર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ટૂંક સમયમાં સ્પુતનીક-વી પણ ઉપલબ્ધ થઈ જશે.  ત્યારે કોવેક્સિન કે કોવિશિલ્ડમાં શું અંતર છે, તેના ફાયદા શું, સાઈડ ઈફેકટ શું અને ભાવમાં ફેર અંગે અહીં વિગતો અપાઈ છે.

બન્ને વચ્ચે અંતર શું છે: કોવેક્સિન અને કોવિશિલ્ડ ભારતમાં જ નિર્માણ થઈ છે. આ બન્ને વેક્સિન રસીકરણ અભિયાનમાં મહત્વનો ફાળો આપી રહી છે. કોવેક્સિનને ભારતમાં જ ડેવલોપ અને ઉત્પાદિત કરવામાં આવે છે. જ્યારે કોવિશિલ્ડને પુનાની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા બનાવે છે. સામાન્ય રીતે કોવિશિલ્ડ લોકોમાં વધુ લોકપ્રિય છે. મોટાભાગના દેશો આ વેક્સિનનો ઉપયોગ કરે છે. બીજી તરફ કોવેક્સિનને વધુ અસરકારક માનવામાં આવે છે.

બન્ને વેક્સિન કેવી રીતે બને છે: આ બન્ને વેક્સિનમાં મોડીફાય થયેલા વાયરસના વર્ઝનનો જ ઉપયોગ થાય છે. આમ તો બન્ને વેક્સિન સમાન છે. કોવિશિલ્ડમાં ચિમ્પાન્જીમાં જોવા મળતા પ્રોટીન ઉપર પરિક્ષણ થયા હતા. આ રસી સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા બનાવે છે. બીજી તરફ કોવેક્સિનને પરંપરાગત રીતે વાયરલ સ્ટ્રેનને ઈન એક્ટિવ કરીને બનાવાઈ છે.

કેટલા ડોઝ લેવા: બન્ને વેક્સિનના બે-બે ડોઝ લેવાની ભલામણ થાય છે. આ વેક્સિનને હાથના સ્નાયુમાં મુકવામાં આવે છે. સામાન્ય રીતે કોવેક્સિનનો બીજો ડોઝ 4 થી 6 અઠવાડિયા બાદ લેવાનો રહે છે. જ્યારે કોવિશિલ્ડનો બીજો ડોઝ થોડો મોડો એટલે કે 6 થી 8 અઠવાડિયા બાદ લઈ શકાય છે. નિષ્ણાંતોના મત મુજબ બે ડોઝ વચ્ચેના અંતરથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.

કેટલી અસરકારક છે: બન્ને વેક્સિનની અસરકારકતા સારી છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના માપદંડો મુજબ બન્ને ખરી ઉતરે છે. જો કે, હજુ સુધી ડેટાનું પુરતુ પૃથુકરણ થયું નથી. કોવિશિલ્ડના ટ્રાયલ ગત વર્ષે નવેમ્બર મહિનામાં શરૂ થયા હતા. જેની અસરકારકતા 70 ટકા હોવાનું કહેવાયું હતું. જો કે બે ભાગમાં ડોઝ લેવાથી અસરકારકતા 90 ટકા સુધી પહોંચી શકે છે.

કિંમત વચ્ચે કેટલું અંતર: આ બન્ને વેક્સિન ઓપન માર્કેટમાં ઉપલબ્ધ થઈ ચૂકી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ રૂા.300માં સરકારને અપાય છે. જ્યારે પ્રાઈવેટ સંસ્થામાં તે રૂા.600માં વેંચાય છે. બીજી તરફ કોવેક્સિન થોડી મોંઘી છે. રાજ્ય સરકારોને તે રૂા.400 જ્યારે ખાનગી સંસ્થાને રૂા.1200માં આપવામાં આવે છે.

નવા મ્યુટેન્ટ સામે કેટલી અસરકારક: કોરોના વાયરસના નવા મ્યુટેન્ટ સ્ટ્રેઈનના કારણે વાયરસ વધુ ખતરનાક બન્યો છે. યુકે કેન્ટ સ્ટ્રેઈન, બ્રાઝીલીયન, સાઉથ આફ્રિકન સ્ટ્રેઈન વધુ ફેલાયા છે. આ ઉપરાંત ભારતમાં ટ્રીપલ મ્યુટેન્ટ સ્ટ્રેઈન પણ મળ્યો છે. વાયરસ સામે લડવામાં વેક્સિનમાં જાદૂઈ અસર નથી. અલબત કોવેક્સિન ઈન્ફેકશન સામે વધુ અસરકારક છે. અત્યારે આ બાબતે પુરતા સંશોધન થયા નથી. બન્ને રસી લીધા બાદ જ તે શરીર ઉપર અલગ રીતે અસર કરે છે.

સાઈડ ઈફેક્ટ કેટલી: આ બન્ને રસી લીધા બાદ સાઈડ ઈફેકટ થાય છે. જેમાં તાવ આવવો, ઠંડી ચડવી, ઉબકા, માથાનો દુ:ખાવો, કડતર સહિતની તકલીફો રસી લીધા બાદ થતી હોવાનું સામે આવે છે. આ ઉપરાંત જ્યાં રસી લીધી હોય ત્યાં દુ:ખાવાની અસર રહે છે.

કોને રસી ન લેવી જોઈએ: રસી લીધા બાદ કેટલીક આડઅસરો થાય છે. એલર્જી, રીએકશન આવી શકે છે. જે લોકો પ્લાઝમાં થેરાપી કે મોનોક્લોનલ એન્ટીબોડીઝ લેનારને રસીકરણ લેવાની સલાહ અપાતી નથી. જે લોકોમાં ઓછા પ્લેટલેસ કાઉન્ટ હોય તેને પણ દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત સ્ટીરોઈડની સારવાર ચાલતી હોય તેને પણ ના લેવી જોઈએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.