Abtak Media Google News

શહેરની ૨૪ પૈકી ૨૧ કોવિડ હોસ્પિટલોને ફાયર સેફટીની નોટિસ: સિવિલ હોસ્પિટલ, એચસીજી અને સ્ટર્લીંગ સીવાયની તમામ હોસ્પિટલોમાં દર્દીઓ પર કોરોનાથી વધુ આગનું જોખમ

કોરોનાની સારવાર લેવા માટે ખાનગી હોસ્પિટલોમાં દાખલ થતાં દર્દીઓ પર કોરોનાથી વધુ જોખમ આગનું હોય તેવું લાગી રહ્યું છે. મહાપાલિકા દ્વારા લાગવગના આધારે આંખો બંધ કરી કોવિડ હોસ્પિટલોને ફાયરના એનઓસી ધરી દેવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો છે. શહેરની ૨૪ પૈકી ૨૧ કોવિડ હોસ્પિટલોમાં ચેકિંગ દરમિયાન ફાયર સેફટીની ક્ષતિઓ બદલ નોટીસ ફટકારવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ, એચસીજી અને સ્ટર્લીંગને બાદ કરતા તમામ કોવિડ હોસ્પિટલોમાં લોલંમલોલ ચાલતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આ અંગે ચીફ ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવેલી વધુ વિગત મુજબ ગત સપ્તાહે શહેરના આનંદ બંગલા ચોકમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યાની ઘટના બની હતી. જેમાં ૫ વ્યક્તિઓના મોત નિપજયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીના ચેકિંગ અંગે આદેશ આપવામાં આવ્યો હતો. જે સંદર્ભે કોર્પોરેશનની ફાયર બિગેડ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન રાજકોટની ૨૪ કોવિડ હોસ્પિટલ પૈકી ૨૧ હોસ્પિટલમાં ફાયર સેફટીની નાની મોટી ક્ષતિઓ જણાતા નોટિસ ફટકારવામાં આવી છે.

શહેરના કાલાવડ રોડ પર સેન્ટ મેરી સ્કૂલ સામે આયુષ કોવિડ હોસ્પિટલ, રજપૂતપરા શેરી નં.૧માં ઓરેન્જ કોવિડ હોસ્પિટલ, જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે ક્રાઈસ્ટ કોવિડ હોસ્પિટલ, વિદ્યાનગર મેઈન રોડ પર ક્રિષ્ના કોવિડ હોસ્પિટલ અને ચીરાયુ કોવિડ હોસ્પિટલ, ભક્તિનગર સર્કલ પાસે જયનાથ કોવિડ હોસ્પિટલ, રૈયા રોડ પર જીનેસીસ કોવિડ હોસ્પિટલ, વિદ્યાનગર મેઈન રોડ પર દેવ મલ્ટીસ્પેયાલીસ્ટ કોવિડ હોસ્પિટલ, કાલાવડ રોડ પર  નિલકંઠ કોવિડ હોસ્પિટલ, દોષી હોસ્પિટલ સામે પથીક આશ્રમ કોવિડ હોસ્પિટલ, રણછોડદાસજી આશ્રમ પાસે રંગાણી કોવિડ હોસ્પિટલ, રાષ્ટ્રીય શાળા પાસે રત્નદીપ કોવિડ હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર મંગલમ્ કોવિડ હોસ્પિટલ, દોષી હોસ્પિટલ સામે શાંતિ કોવિડ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ પાછળ સત્કાર કોવિડ હોસ્પિટલ, રૈયા રોડ પર સેલસ કોવિડ હોસ્પિટલ, મવડી રોડ પર સ્ટાર કોવિડ હોસ્પિટલ, કરણસિંહજી મેઈન રોડ પર હોપ કોવિડ હોસ્પિટલ, કિશોરસિંહજી મેઈન રોડ પર પરમ કોવિડ હોસ્પિટલ, સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ અને ન્યુ વિંગ કોવિડ હોસ્પિટલમાં અપુરતા ફાયરના સાધનો અને નાની મોટી ક્ષતિઓ સબબ નોટિસ ફટકારવામાં આવી છે.  તમામ હોસ્પિટલો પાસે ફાયર એનઓસી છે પરંતુ નાની-મોટી ક્ષતિઓ જણાય હતી. જેમાં ફાયરના સાધનો ચાલુ ન હોવા, અપુરતુ વેન્ટીલેશન, એક્ઝિટ ગેટ ન હોવો, એકઝીટ ગેટ પાસે દબાણો સહિતની ક્ષતિઓ માલુમ પડી હતી. લાગવગ અને ભલામણના આધારે કોવિડ હોસ્પિટલોને આંખો બંધ કરી કોર્પોરેશને ફાયર એનઓસી આપી દીધાની સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. ક્ષતિ ભલે નાની મોટી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે પરંતુ જ્યારે વિકરાળ આગ લાગે ત્યારે આ ક્ષતિ જીવલેણ બની ત્રાટકતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.