ગુજરાતમાં કોવિડ ટેસ્ટના ભાવ ઘટયા, હવે RT-PCR ટેસ્ટ રૂ.૮૦૦માં થશે

ઘરે આવીને ટેસ્ટ કરે તો ૧૧૦૦ રૂપિયા ચુકવવા પડશે: કેન્દ્ર સરકાર તરફથી વધુ ૮૨ વેન્ટીલેટર ફાળવાયા

રાજસ્થાન અને દિલ્હી સરકારે કોરોના માટેના આરટી પીસીઆર ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યા બાદ ગુજરાત સરકારે પણ આરટી પીસીઆર ટેસ્ટની કિંમત ઘટાડીને ૮૦૦ રૂપિયા કરી દીધી છે. જ્યારે ઘરે આવીને ટેસ્ટ કરે તો ૧૧૦૦ રૂપિયા ચુકવવા પડશે. જેનો અમલ આજથી થશે તેવી જાહેરાત આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી હતી. આ પહેલા રાજ્યમાં ખાનગી લેબમાં આરટી પીસીઆર ટેસ્ટ કરાવવાનો ખર્ચ ૧૫૦૦-૨૦૦૦ રૂપિયા થતો હતો.આ સાથે નીતિન પટેલે જણાવ્યું કે, ૬ દિવસમાં કોરોનાના દર્દીઓને સારવારને લખતી પુરતી વ્યવસ્થા હોસ્પિટલોમાં કરાઈ છે. જ્યારે આજે અમદાવાદને ૪૦૦ નવા બેડની સુવિધા મળી છે. હાલમાં દર્દીઓને વેન્ટીલેટરની જરૂરિયાત વધારે પડી રહી છે, જેને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકાર તરફથી ૮૨ વેન્ટીલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ગત અઠવાડિયે દર્દીઓને ક્યાં દાખલ કરવા તે એક મોટી સમસ્યા હતી. જેને ધ્યાનમાં લેતા આરોગ્ય વિભાગ દ્વારા અનેક વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. તેમજ જરૂરિયાત પડવા પર ૩૫૦ કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે.

સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં ૧૩ હજાર લીટરની ઓક્સિજન ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક દર્દીઓની સેવામાં ઉપલબ્ધ છે. આજથી મંજુશ્રી કંપાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલ કે જે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કાર્યરત થશે તેમાં પણ ૨૦ હજાર લીટરની લીક્વીડ ઓક્સિજનની ટેંક કાર્યરત છે. તેમજ અન્ય ૨૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત કોરોના ડેડીકેટેડ હોસ્પિટલમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારના સહયોગથી ખૂબ જ ટૂંક સમયમાં ઓક્સિજન ટેન્કની જરૂરિયાત સંતોષવામાં આવી છે.