બેનમૂન હસ્તકલાથી ભરપૂર ક્રાફ્ટરૂટ્સ આયોજીત વિરાટ એક્ઝિબિશનનો શુભારંભ

ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલના હસ્તે ક્રાફ્ટરૂટ્સ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન: ઉતરાખંડના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ શહેરના આંગણે સૌપ્રથમ વાર આયોજિત ક્રાફ્ટરૂટ્સ એક્ઝીબિશનનો ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદહસ્તે ઉદ્ઘાટન કરવમાં આવ્યું હતું. પાંચ દિવસીય યોજાયેલ આ હસ્તકલા પ્રદર્શન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 6 માર્ચ સુધી ચાલશે.ભારતએ વૈવિધ્યસભર અને બેનમૂન કલાથી ભરપૂર છે આ કલાને લૂપ્ત થતી અટકાવવા તેમજ કલાકારોને આર્થિક રીતે સભર બનાવવા માટે ક્રાફટરૂટ્સ દ્વારા એક વિશેષ માધ્યમ પુરુ પાડવામાં આવે છે.

જેના ભાગરૂપે ક્રાફ્ટરૂટ્સ દ્વારા રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે તારીખ 2 થી 6 માર્ચ સુધી વૈવિધ્યસભર હસ્તકલા નું પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત ભરના 22 રાજ્યોમાંથી 75 હસ્તકલાના અનન્ય અને કુશળ કલાને પ્રકાશિત કરવામાં આવશે જેથી સમગ્ર રીતે હસ્તકલા ઉદ્યોગને મજબૂત બનાવતા પાયારૂપ કારીગરોને આર્થિક રીતે સભર બનાવી શકાય તેમ જ તેઓને એક ઉત્તમ બજાર પણ આપી શકાય. ક્રાફ્ટરૂટ્સ દ્વારા આત્મનિર્ભર ભારતની પહેલને પ્રોત્સાહન આપી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉદઘાટન સમારોહની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયું હતું. અગ્રણીઓનું સ્વાગત સુતરની આંટી પહેરાવી કરાયું હતું. કાર્યક્રમમાં કચ્છ, રાજસ્થાન, કાશ્મીર અને બેંગ્લોરથી આવેલા કારીગરોએ પોતાની સફળતાના પ્રતિભાવ રજૂ કર્યા હતાં. આ અવસરે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર પ્રદીપભાઈ ડવ, પ્રાંત અધિકારી કે. જી. ચૌધરી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ગીરીશભાઈ ભીમાણી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવ,કલેક્ટર અરુણ મહેશ બાબુ,પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મોટીવેશનલ સ્પીકર જય વસાવડા અગ્રણીઓ નલીનભાઈ ઝવેરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

દરેક ક્રાફટસમાં જે તે પંથકની ઓળખ પ્રદર્શિત થાય છે: અનારબેન પટેલ

ક્રાફ્ટરૂટ્સ એક્ઝીબિશનના આયોજક અનારબેન પટેલએ જણાવ્યું હતું કે વર્ષ 1995માં સ્થપાયેલ ક્રાફ્ટરૂટ્સ સંસ્થા સાંસ્કૃતિક વારસાના પુનરુત્થાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ક્રાફ્ટરૂટ્સ એકઝીબિશનમાં ભારતના 22 રાજ્યોના 25 હજારથી વધુ કારીગરોએ તૈયાર કરેલ 75થી વધુ ક્રાફટસમાં જે તે પંથકની ઓળખ પ્રદર્શિત થાય છે. આ રીતે હસ્તકલાએ સમાજ અને કારીગરો વચ્ચે સેતુ સમાન છે.

હસ્તકલા પ્રદર્શન ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની છબી દર્શાવે છે : આનંદીબેન પટેલ

આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓએ રાજકીય કાર્યકાળ દરમિયાન મહિલાઓ સાથે થયેલી તેઓના જીવનની વાતચીતોએ ક્રાફ્ટરૂટ્સનું બીજ રોપ્યું છે. ત્યારે આ બીજ વટ વૃક્ષ બનીને વર્તમાનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરેલું છે. ક્રાફ્ટરૂટ્સ એ છેવાડાની મહિલાઓને ઘરની દીવાલો વચ્ચે બહાર લાવવા મંચ આપ્યું છે. એટલું જ નહીં, કલા કૌશલ્ય ધરાવતી મહિલાઓ અન્ય મહિલાઓને રોજીરોટી પૂરી પાડી શકે, તેટલી આર્થિક સદ્ધર પણ બનાવી છે. આમ, આ હસ્તકલા પ્રદર્શન ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવાની સાથે કારીગરોને ટેકો આપીને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપે છે.

ક્રાફ્ટરૂટ્સ એ પ્રધાનમંત્રીની વિચારસરણી વોકલ ફોર લોકલને મંચ આપે છે: સતપાલ મહારાજ

તેઓને રાજકોટમાં ક્રાફટરૂટ્સમાં આવવવાનો આનંદ વ્યક્ત કર્યો તેમજ તેમણે એક્ઝિબિશનમાં ભાગ લીધેલ તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યું હતું આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે ક્રાફ્ટ રૂટ્સ એ પ્રધાનમંત્રી ની વિચારસરણી વોકલ ફોર લોકલ ને પ્રોત્સાહન પુરું પાડવાની એક અનન્ય તક છે કે જેના દ્વારા છેવાડાના દરેક આર્ટિસ્ટને ફક્ત રાજ્ય કે દેશ સુધી નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી શકાય છે જ્યારે ક્રાફ્ટ રુટ આ કલાકારોને તેમના પ્રચાર પ્રસાર માટે એક અમૂલ્ય મંચ આપે છે આ સાથે જ જ્યારે આપણે દેશી ધાન્યને પ્રોત્સાહન આપી રહ્યા છીએ ત્યારે આ સાથે દરેક વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાને પણ મોકલ ફોર લોકલ દ્વારા ખૂબ જ સારી તક મળી છે જેમ કે ઉત્તરાખંડની મહિલાઓ દ્વારા અલગ અલગ 25 જાતનું મીઠું બનાવવામાં આવે છે કે જેને ફક્ત દેશ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્થાન પ્રાપ્ત થયું છે