Abtak Media Google News

૨૦ કરોડ યુવાનોની રોજગારી છીનવવા સજ્જ આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ: કલ્પના કરતા પણ બનશે વધુ સ્માર્ટ

આવતા બે થી ત્રણ દસકામાં ‘આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ’ ક્ષેત્રે ક્રાંતિ થવાની છે. આ ક્રાંતિ માનવ જાત માટે મોટો પડકાર બની રહેશે. સંશોધકોના મત અનુસાર આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ લોકોની રોજગારી છીનવી લેશે. જે લોકો આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સને અનુકૂળ નહીં બને તેઓ માટે ભવિષ્ય ખુબજ પડકારજનક રહેશે. માણસ કરતા આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ વધુ સ્માર્ટ રહેશે. કલ્પના પણ ન કરી શકાય તેવી ઝડપથી તે પોતાની જાતને વિકસીત કરશે.

આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ ગુજરાતી સહિતની પ્રાદેશિક ભાષાઓ પણ બોલી શકશે. સંશોધકોના મત અનુસાર જેમ આપણે જીવડા કે પશુ-પક્ષીઓને જોઇએ છીએ તેમ આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ આપણને નિહાળશે. દર વર્ષે આ ક્ષેત્રે થઇ રહેલા સંશોધનના પરિણામે જણાઇ આવે છે કે, આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ માણસ માટે અનેક સગવડતાઓ સાથે તેનાથી વધુ મુશ્કેલીઓ સર્જશે. હાલ આ મામલે એરક્રાફ્ટ કેરીઅર અને ફાઇટર પ્લેનમાં આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઇ રહ્યો છે. આગામી ૯ વર્ષના સમયગાળામાં ર૦ કરોડ યુવાન ભારતીયો આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સના પરિણામે બેરોજગાર થઇ જશે. જે લોકો આ મામલે અનુકૂળતા અને આવડત નહીં ધરાવે તેઓને મુશ્કેલી પડશે.

હોલીવુડની અને બોલીવુડની અનેક ફિલ્મોમાં આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સના કારણે માનવજાતિ ઉપર તોળાતા ખતરાનું નિદર્શન કરવામાં આવ્યું છે. આ કલ્પના ભવિષ્યમાં હકિકત પણ નિવડી શકે છે તેવો મત સંશોધકો વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે સરકાર અને  ખાનગી કંપની દ્વારા થતા સંશોધનો માનવજાતને ખતરામાં મુકી શકે તેમ છે. માણસ કરતા વધુ સ્માર્ટ વસ્તુનું નિર્માણ માણસને જ જોખમી બની રહેશે. સુવિધા માટે વિકસાવાયેલ આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સનો વિશ્ર્વાસ કરવો મુશ્કેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.