રાજકોટમાં આજથી ચાર દિવસ ક્રિકેટ ફીવર, મેચ રોમાંચક બનશે

ત્રીજી ટી.20 મેચમાં ભારતની જીત થતા હવે રાજકોટમાં રિષભ સેના શ્રેણી સરભર કરવાના બુલંદ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે: આજે બપોરે બંને ટીમોનું રાજકોટમાં આગમન કાલે નેટમાં પાડશે પરસેવો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત કિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 17મી જૂને રમાનારી પાંચ શ્રેણીની ચોથી ટી.20 મેચ રમવા માટે આજે બપોરે ભારત અને સાઉથ આફ્રિકાની ટીમનું રાજકોટમાં આગમન થતાની સાથે જ શહેરમાં ચાર દિવસ સુધી ક્રિકેટ ફિવર છવાશે પ્રથમ બે મેચ હાર્યા બાદ વિશાખા પટ્ટનમ ખાતે રમાયેલી ત્રીજી ટી.20 મેચ જીતી ભારતે શ્રેણીને જીવંત રાખી છે. રાજકોટની મેચમાં શ્રેણી સરભર કરવાના બૂલંદ ઈરાદા સાથે રિષભ સેના મેદાનમાં ઉતરશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ ટી.20 મેચની શ્રેણી પૈકીની પ્રથમ બે મેચમાં ભારતની કાયમી હાર થવાપામી હતી. શ્રેણીમાં હારનું જોખમ ઉભુ થયુંહતુ. દરમિયાન વિશાખા પટ્ટનમ ખાતે ગઈકાલે રમાયેલી મેચમાં ભારતે મહેમાન ટીમને 48 રને પરાજય આપ્યો હતો. અને શ્રેણીને જીવંત રાખી છે. દરમિયાન આજે બપોરે 4 કલાકે ચાર્ટર્ડ પ્લેન મારફત બંને ટીમોનું વિશાખા પટ્ટનમથી રાજકોટ ખાતે આગમ થશે. ટીમ ઈન્ડિયાને કાલાવાડ રોડ પર સંયાજી હોટલ ખાતે જયારે સાઉથ આફ્રિકાની ટીમને 150 ફૂટ રીંગરોડ પર હોટલ ફોર્ચ્યુન ખાતે ઉતારો આપવામાં આવશે.

ભારતીય ટીમ પાંચ ટી.20 મેચની શ્રેણીને 2-2થી સરભર કરવાના બુલંદ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે જોકે રાજકોટમાં સાઉથ આફ્રિકાની ટીમ અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી અજય આફ્રિકાને હરાવવું રિષભ સેના માટે એક મોટો પડકાર રહેશે. બંને ટીમોને આવકારવા માટે રાજકોટવાસીઓમાં જબરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજકોટની વિકેટ હંમેશા બેટસમેનોને યારી આપે છે. આવામાં ખંઢેરીની વિકેટ પર રનના ઢગલા ખડકાય તેવી પ્રબળ સંભાવના રહેલી છે. બંને ટીમોનું આજે બપોરે આગમન થતાની સાથે જ રાજકોટમાં ચાર દિવસ ક્રિકેટ ફીવર છવાઈ જશે આવતીકાલે ગુરૂવારે બપોરે 1 કલાકે સાઉથ આફ્રિકાની ટીમ જયારે સાંજના પાંચ વાગ્યે ભારતની ટીમ નેટ પ્રેકટીસ કરશે.

ભારતીય ટીમનાં ઓપનર ઈશાંત શર્મા અને ઋતુરાજ ગાયકવાડ ફુલ ફોર્મમાં છે.હાર્દિક પંડયા, શ્રેયસ ઐય્યર સહિતના બેટસમેનો પણ સારા ફોર્મમાં છે. ભુવનેશ્ર્વર કુમાર, હર્ષલ પટેલ અને યજૂવેન્દ્ર ચહલ બોલથી હરિફોને હંફાવી રહ્યા છે. આવામાં રાજકોટમાં 17મીએ રમાનારી મેચ રોમાંચક બની રહેશે.

ભારત-સા.આફ્રિકા વચ્ચેના મેચના દિવસે વરસાદનું જોખમ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આગામી 17મી જૂનના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ ટી-20 શ્રેણીની ચોથી મેચ રમાવાની છે. આજે બપોર બંને ટીમોનું રાજકોટ ખાતે આગમન થઇ જશે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી હોય મેચના દિવસે વરસાદનું જોખમ રહેલું છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજકોટમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. સીબી ફોર્મેશનના કારણે સાંજના સમયે બે કલાક સુધી મેઘાવી માહોલ રહેશે. આગામી શુક્રવારે પણ વરસાદની આગાહી આપવામાં આવી હોય ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેના ટી-20 મેચ દરમિયાન મેચના પ્રથમ બે કલાક વરસાદનું જોખમ છે. સાંજના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે. આવતીકાલે સાંજના પાંચ કલાકથી ભારતીય ટીમ નેટ પ્રેક્ટીસ કરવાની છે. જેમાં પણ વરસાદનું વિઘ્ન રહેલું છે. જો ઇન્ડોર પ્રેક્ટીસની વ્યવસ્થા સ્ટેડિયમ ખાતે રાખવામાં આવી છે. મેચના દિવસે વરસાદ પડશે તો ક્રિકેટપ્રેમીઓ નિરાશામાં ગરકાવ થઇ જશે.