Abtak Media Google News

કોરોના કાળ દરમિયાન જ ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને લઈ સમગ્ર ભારતને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. તેમજ કોરોનાનાં બીજા લહેરમાં પણ અનેક લોકોએ પોતાના જીવ તો કેટલાકે પોતાના પ્રિયજન તો કેટલાક લોકોએ નોકરી-ધંધા ગુમાવ્યા છે. જેમાં દરરોજનુ કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા લોકોની સ્થિતિ ભારે કફોડી બની છે. આ સ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકાર ઉપરાંત અનેક સક્ષમ લોકો પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની તેમજ ભાજપનાં નેતા રિવાબાએ પણ 600 જેટલી રાશનની કીટનું વિતરણ કરીને લોકોની વહારે આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા વધુમાં વધુ લોકોને અસરગ્રસ્તોની મદદ કરવાની અપીલ કરી છે.

રિવાબાએ પોતાના વિડિયોમાં જણાવ્યા મુજબ, અત્યારે આપણે કોરોનાની મહામારીની સાથે જ વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. તો આવા સમયમાં આપણે સૌએ સાથે મળી એકબીજાનો ઉપયોગી બનીને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરીશું. એવા ઘણા પરિવારો છે જે દરરોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. લોકડાઉનનાં કારણે આવા લોકોની પરિસ્થિતિ હાલ દયનીય બની ગઈ છે. તો આપણે એવા લોકોને મદદરૂપ થશું.

આગળ ઉમેરતા તેણે કહ્યું કે, હું આવા 600 પરિવારોને એક મહિના સુધી ચાલે તેટલી રાશનની કીટનું વિતરણ કરું છું. અને આ પરિવારોને મારા તરફથી બને તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહી છું. તો પ્લીઝ આપ સૌનો સહયોગ આ કાર્યમાં ખૂબ જરૂરી છે. આપની આસપાસનાં જરૂરિયાતમંદ પરિવારને આપ પણ શક્ય તેટલી મદદ કરશો તો તે એમના માટે ખૂબ જ કિંમતી સાબિત થશે. ત્યારે હું મારા માધ્યમથી અપીલ કરું છું કે, તમારી નાની મદદ તેમજ સહયોગ કોઈ પરિવારનાં ઘરમાં ઉજાસ પાથરી શકે છે. ત્યારે યથાશક્તિ મદદ આપીને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીને ઉપર ઉઠવાનો પ્રયત્ન કરીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.