ગોંડલમાં ફેસબુક પર કોમી લાગણી ઉશ્કેરવા અંગે એડવોકેટ સહિત બે સામે ગુનો

ટાઉનહોલ ખાતે ડાયરામાં કલાકારે સરદાર પટેલ વિશે કરેલા વિધાન અંગે કોંગ્રેસ-ભાજપ આમને સામને

કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ પાતર અને મહામંત્રી લલીત પટોળીયા સામે પોલીસે ફરીયાદો બની ગુનો નોંઘ્યો: ભાજપના ઇશારે ખોટી રીતે ગુનો નોંધાયો હોવાનો કોંગ્રી અગ્રણીનો આક્ષેપ

ગોંડલ નગરપાલિકા અને ભાજપ પ્રેરિત ટાઉનહોલ ખાતે યોજાયેલા લોકડાયરામાં લોક સાહિત્યકાર દ્વારા ‘સરદાર પટેલ’ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદન સામે ગોંડલના કોંગ્રેસ અગ્રણી અને એડવોકેટ ફેસબુક પર કરેલી પોસ્ટે ભારે હોબાળો સર્જી દીધો છે. ત્યારે પોલીસે કોંગ્રેસના મહામંત્રી અને ઉપપ્રમુખ સામે ગોંડલ શહેરનું વાતાવરણ બગડે અને બે કોમ વચ્ચે દુશ્માનાવટની લાગણીને પ્રોત્સાહન મળે અને હુલ્લડ ફાટી નીકળે તેવા ઉશ્કેરાટ ફેલાવવા અંગેની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ગોંડલ ખાતે યોજાયેલા ગણેશ ઉત્સવ પ્રસંગે નગરપાલિકા અને ભાજપ દ્વારા ટાઉન હોલ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાઉન હોલ ખાતે માનવમેદની ખીચોખીચ ભરી હતી જેમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા લોકડાયરામાં સરદાર પટેલ વિશે એવું વિધાન કર્યુ હતું કે  ‘સરદાર પટેલના બાપની ત્રેવડ નથી રજવાડા ભેગા કરી શકે’

કલાકારના આ વિધાનનો વિડીયો થોડીવારમાં વાયરલ થયો હતો જે વિડીયો ગોંડલ તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ પાતર અને ગોંડલ કોંગ્રેસના મહામંત્રી લલીત પટોળીયાના ઘ્યાન પર આવતા તેઓએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ વિડીયો શેર કરી એવી કોમેન્ટ કરી હતી કે આ વિધાન સરદાર પટેલનું અપમાન છે અને સરદાર પટેલનું જાહેરમાં અપમાન કરતા લોકોને ભાજપ વાળાઓ બોલાવી ફરી અપમાન કરે છે.ગોંડલ ટાઉન હોલ ખાતે યોજાયેલા લોકડાયરામાં કલાકારે કરેલા વિધાનથી સામે કોંગ્રેસ આગેવાનો દ્વારા વળતો પ્રહાર કરતા ભારે વિવાદ સર્જાયો હતો અને પલવારમાં સોશ્યીલ મીડીયામાં આ વાત વાયુવેગે પ્રસરી થઇ હતી.કોંગ્રેસ અગ્રણી  અને એડવોકેટ દિનેશ પાતર અને લલીત પટોળીયાએ ભાજપ સામે કરેલા આક્ષેપો પોલીસના ઘ્યાન પર આવતા ગોંડલ સીટી પોલીસ મથકના જમાદાર વિશાલભાઇ ગઢાદરા ફરીયાદી બની બન્ને આગેવાનો સામે કોમી લાગણી ઉશ્કેરવા અંગેનો ગુનો નોંઘ્યો છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગોંડલ શહેરનું વાતાવરણ બગડે બે કોમ વચ્ચે દુશ્મનાવટની ધિકકારની લાગણીઓને પ્રોત્સાહન મળે અને વૈમનસ્ય ફેલાય તેવા ઇરાદાથી આવી પોસ્ટ મુકવાથી હુલ્લડ ફાટી નીકળે તથા સાર્વજનીક તોફાન થાય તેવી સંભાવના છે. તેવું જાણતા હોવા છતાં મનસ્વી પણે દ્રેષ બુઘ્ધીથી ઉશ્કેરાટ ફેલાવવાના ઇરાદાથી પોતાના ફેસબુક પેજ ઉપર પોસ્ટ શેર કરી ગુનો કર્યો હોવાનું જણાવ્યું છે.આ તકે કોંગ્રેસ અગ્રણી અને એડવોકેટ દિનેશ પાતરનો ‘અબતકે’ સંપર્ક કરતા તેઓની સામે ભાજપના ઇશારે પોલીસે ખોટી રીતે ગુનો દાખલ કર્યો હોવાનું જણાવ્યું છે. લોકસાહિત્યકારે લોક ડાયરામાં સરદાર પટેલ વિશે કરેલા વિધાન સાથે મે મારી લાગણી ફેસબુક પર શેર કરી છે અને ભારતમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર છે તેમ જણાવ્યું હતું.