Abtak Media Google News

જેતપુરમાં ઝેરી કેમિકલમાંથી દેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

લઠ્ઠાકાંડ સર્જાય તેવું કેફી પીણું બનાવી બંધાણીઓને નશો કરવા ધાબડી દેવાતું

ઝેરી કેમિકલ, બોલેરો અને મોબાઇલ મળી રૂ.7.57 લાખનો મુદામાલ કબ્જે

એફએસએલના રિપોર્ટમાં 80 ટકા આલ્કોલ આવ્યું: રાજકોટના શખ્સે લાયસન્સ મેળવ્યા વિના બુટલેગરોને  દારૂ બનાવવા કેમિકલનું વેચાણ કર્યુ

જેતપુરમાં ઝેરી કેમિકલમાંથી દેશી દારુ બનાવવામાં આવે તે પહેલાં રુા.2.50 લાખની કિંંમતનું 5000 લિટર ઝેરી કેમિકલ કબ્જે કરી કરાયેલી તપાસ દરમિયાન કેમિકલમાં 80 ટકા આલ્કોહોલનું પ્રમાણ હોવાનો  એફએસએલ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો હતો. જેતપુરમાં લઠ્ઠાકાંડ સર્જાય તે પહેલાં પોલીસે કબ્જે કરેલા ઝેરી કેમિકલ અંગે કરેલી તપાસમાં રાજકોટના એક શખ્સે લાયસન્સ વિના અનઅધિકૃત રીતે બુટલેગરને કેમિકલમાંથી દેશી દારુ બનાવવા વેચાણ કર્યુ હોવાનું બહાર આવતા પોલીસે રાજકોટના બે શખ્સો સહિત પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતા અને જનતાનગર શેરી નંબર 3 પાસે દુકાન ધરાવતા વિજય કાંતી વેગડા પોતાની દુકાનમાં અનઅધિકૃત રીતે રાખવામાં આવેલા રુા.1.50 લાખની કિંમતનું 3000 લિટર ઝેરી કેમિકલ મળી આવ્યું હતું. જ્યારે નવાગઢ ન્યારા પેટ્રોલ પંપ સામે જી.જે.3બીટી. 4648 નંબરના બોલેરો પીક વાહનમાંથી રુા.1 લાખની કિંમતના 2000 લિટર ઝેરી કેમિકલ કબ્જે કર્યુ હતું.

પોલીસે ઝેરી કેમિકલ અંગે કરેલી તપાસ દરમિયાન વિજય વેગડા, ભોજાધારમાં રહેતા હરેશ ઉર્ફે હરીયો દિલીપ પરમાર અને સાગર ઉર્ફે ગદી ચુનિલાલ ગોહેલ નામના શખ્સોની પૂછપરછ કરતા તે રાજકોટના બજરંગવાડીમાં રહેતા અને દારુનો ધંધો કરતા કિર્તીરાજસિંહ સજુભા ગોહિલ પાસેથી દેશી દારુ બનાવવા માટે કેમિકલ ખરીદ કર્યાની કબુલાત આપી હતી. પોલીસે કિર્તીરાજસિંહ ગોહિલની કરેલી પૂછપરછમાં તે રાજકોટના રુદ્ર એન્ટર પ્રાઇઝના માલિક અઝીજ રાજુ મલેક પાસેથી ખરીદ કરી જેતપુરના ત્રણેય બુટલેગરને વેચાણ કર્યાનું ખુલ્યું હતું. પોલીસે કબ્જે કરેલું ઝેરી કેમિકલ અંગે એફએસએલમાં પુથ્થકરણ માટે મોકલ્યું હતું. જેમાં 80 ટકા આલ્કોહોલનું પ્રમાણ હોવાનો અભિપ્રાય આપ્યો હતો. તેમજ અઝીજ મલેક સેનેટાઇઝરની આડમાં આવું ઝેરી કેમિકલ દેશી દારુ બનાવવા વેચાણ કરતો હોવાનું તેમજ તેની પાસે આ પ્રકારનું કેમિકલના વેચાણ અંગે નશાબંધી ખાતામાંથી જરુરી લાયસન્સ મેળવ્યા વિના જ અનઅધિકૃત રીતે વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે. અઝિજ મલેક કેમિકલનો જથ્થો કયાંથી અને કંઇ રીતે મેળવતો તે અંગે તેની ધરપકડ બાદ વિશેષ વિગતો બહાર આવે તેમ હોવાનું જેતપુર સિટી પી.આઇ. અજિતસિંહ હેરમાએ જણાવ્યું છે. પાંચેય શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ હાથધરવામાં આવી છે.

આ પ્રકારના ઝેરી કેમિકલમાંથી રાજકોટ અને જેતપુરમાં દેશી દારુ બનાવવામાં આવી રહ્યો હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે.  આવો હલકી ગુણવતાનો દેશી દારુનો નશો કરવાના કારણે લઠ્ઠાકાંડ સર્જાય તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.