ઈગુજકોપના માધ્યમથી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાયો, 2 શખ્સોની ધરપકડ

જય વિરાણી, કેશોદ:

કેશોદ શહેરમાં વાહનચોરીના બનાવો એકાંતરા બનતાં હોય ત્યારે ચોરીના આરોપીઓને ઝડપી પાડવા કેશોદ પોલીસ સ્ટેશનનાં પ્રો.પોલીસ ઇન્સ્પેકટર એમ.એ.ઝણકાત દ્વારા ટીમ બનાવી ચોરીના શંકમદોને  તપાસવા પોલીસ સ્ટાફને માર્ગદર્શન આપ્યું હતું. જે અન્વયે પો.સ્ટાફ પો.કોન્સ કનકભાઇ હાજાભાઇ બોરીચા તથા પો.કોન્સ કીરણભાઇ જીવાભાઇ ડાભીને મળેલી બાતમીના આધારે કેશોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા બે શંકમદો પાસે ચોરીની મોટરસાયકલ હોવાનું જાણવા મળ્યું હતું.

જેનાં પગલે કિશનભાઈ ઉકાભાઈ ગમારા ઉ.વ.૧૯ ખેત મજુરી રહે બુરી,  તા.માણાવદર અજયભાઈ શૈલેષભાઈ બોરસાણીયા  ઉ.વ.૨૩ ધંધો ડ્રાઈવીગ,રહે કેશોદ યોગેશ્વર ધામ સોસાયટી, વાળાઓને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં ત્યારે બન્ને આરોપીઓએ જુનાગઢ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા પાસેથી મોટર સાયકલની ઉઠાંતરી કરી હોવાનું કબૂલ્યું હતું. ઝડપાયેલ તસ્કરના ઘરે રાખેલ મોટરસાયકલ કબજે કરી ઇ-ગુજ- કોપ. એપ્લિકેશનમાં એન્જીન નંબર-HA10ERGHB89166 તથા ચેસીસ નંબર MBLHA10CGGHB55424 આધારે તપાસ કરતા સદર મો.સા. ના રજી. નબાં ર GJ-03-JD-4640 ના જોવામાં આવેલ જે આધારે તપાસ કરતા સદર મો.સા. જુનાગઢ બી ડિવી. પો.સ્ટે. માં ચોરી થયાની ફરિયાદ નોંધાયેલ હતી.

બંને આરોપીઓની મોટરસાયકલ ચોરીના ગુનામાં અટક કરી જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જુનાગઢ નોંધાયેલ ચોરીની મોટરસાયકલની ફરિયાદનાં આરોપીઓને ગુજ ઈ કોપ એપ્લિકેશનની મદદથી ઝડપી પાડવાની કામગીરીમાં કેશોદ પોલીસ સ્ટેશન નાં પ્રો.પોલીસ ઇન્સ્પેકટર એમ.એ.ઝણકાત, પો.કોન્સ.કનકભાઇ હાજાભાઇ બોરીચા, પો.કોન્સ. કિરણભાઈ ડાભી, જયેશભાઈ ભેડા, સંજયસિંહ ક્રુષ્ણસીંહ ઝાલા, યશવંતસિંહ યાદવ સહિતના પોલીસકર્મીઓ એ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી.