- સૌરાષ્ટ્રનાં ક્રિટિકલ દર્દીઓને હવે અમદાવાદ નહીં જવું પડે
- સિવિલમાં 16 કરોડના ખર્ચે બનશે લેસર સુવિધાથી સજ્જ બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર
- 24 કલાક ઇમરજન્સી સારવાર આપવામાં આવશે
- આધુનિક સાધનોથી દર્દીઓની સારવાર કરાશે
રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા રૂ. 16 કરોડનાં ખર્ચે લેસર સહિતની આધુનિક સુવિધાથી સજ્જ બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર રૂપિયા 16 કરોડનાં ખર્ચે બનાવવામાં આવનાર છે. આ માટે સિવિલ અધિક્ષક દ્વારા PIU વિભાગ સાથે મળી કામગીરી આગળ વધારવામાં આવી છે. જેને લઈને કલેક્ટર દ્વારા જી.ટી શેઠ હોસ્પિટલ નજીક નવી જગ્યા ફાળવવામાં આવી છે. જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળનો પ્લાન PIU વિભાગ દ્વારા સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે. જેના પર સરકારની મહોર લાગતા જ કામગીરી શરૂ કરવામાં આવનાર છે. તેમજ આ પ્રોજેકટ સાકાર થતા સૌરાષ્ટ્રનાં ક્રિટિકલ દર્દીઓને અમદાવાદ જવું પડશે નહીં. માત્ર રાજકોટ નહીં કચ્છ અને સૌરાષ્ટ્રનાં અંદાજે 40 લાખથી વધારે લોકોને આ આધુનિક બર્ન્સને ક્રિટિકલ કેર સેન્ટરમાં રાષ્ટ્રીય સ્તરની સુવિધાનો લાભ મળશે.
બર્ન્સ વોર્ડ અને ક્રિટીકલ સેન્ટર માટે જગ્યાની ફાળવણી
રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય સ્તરનું બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર ઉભું કરવામાં આવનાર છે. આ માટે છેલ્લા આઠેક મહિનાથી વિચારણા ચાલતી હતી. જોકે પૂર્વ સિવિલ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીની બદલી થતા કામગીરી અટકી હતી. પરંતુ હાલ સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયા દ્વારા કામગીરી આગળ વધારવામાં આવતા કલેક્ટર દ્વારા આ પ્રોજેકટ માટે જી. ટી. શેઠ હોસ્પિટલની બાજુમાં અંદાજે 3100-3200 મીટર જેટલી વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. આ જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળનું બિલ્ડીંગ ઉભું કરવામાં આવશે. આ માટેનો પ્લાન PIU વિભાગે સરકારમાં મુક્યો છે. જે મંજુર થતા આગળની કામગીરી શરૂ કરવામાં આવશે.
આધુનિક સાધનોથી દર્દીઓની સારવાર કરાશે
આ પૈકી બર્ન્સ કેર સેન્ટરમાં સ્પેશિયલ ટાઈપનાં લેસરની સુવિધા આપવામાં આવશે. તેમજ દાઝી ગયેલા દર્દીની સારવાર કરવા માટેના રાષ્ટ્રીય સ્તરનાં આધુનિક સાધનો મુકવામાં આવશે. એટલું જ નહીં આ માટે ખાસ નિષ્ણાંત ડૉક્ટર્સ સહિતની ટીમોની નિમણુંક કરવામાં આવશે. આ માટે જુદા-જુદા 2 ફ્લોર બનાવવામાં આવ્યા છે. જેમાં પેશન્ટ રીસેપ્શન એરિયા, મેલ અને ફિમેલ તેમજ ચિલ્ડ્રન વૉર્ડ, ડ્રેસિંગ રૂમ, સ્પેશિયલ ઓપરેશન થિયેટર ઉપરાંત માઇનોર ઓપરેશન થિયેટર તેમજ દર્દીઓનાં સગાઓને બેસવા માટેની સુવિધા સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
જ્યારે ક્રિટિકલ કેર સેન્ટરમાં ઈમરજન્સી મેડીસીન અને સર્જરી તેમજ હાડકાનો વિભાગ રાખવામાં આવશે. આ ક્રિટિકલ કેર સેન્ટરમાં OPD ટાઈમ સિવાય કોઈપણ સમયે ઇમરજન્સી દર્દીઓ આવે તો તેને સીધા સારવાર માટે ખસેડાશે અને ડોક્ટરો દ્વારા તેને ચકાસ્યા બાદ જે વિભાગમાં સારવાર આપવાની હશે તે વિભાગમાં દાખલ કરવામાં આવશે. અકસ્માત કે દાઝેલા દર્દી આવ્યા બાદ તેની સારવાર તુંરત ચાલુ થાય તે પ્રાથમિકતા રહેશે. આ તમામ સુવિધાનો લાભ માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના 8 જિલ્લાના અંદાજે 40 લાખ કરતા વધુ દર્દીઓને મળી રહેશે
24 કલાક ઇમરજન્સી સારવાર આપવામાં આવશે
સૌરાષ્ટ્રના દર્દીઓએ અમદાવાદ સુધી નહીં જવું પડે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાઝેલા દર્દીની સારવાર બાદ સ્કીન બેન્ક પણ ઉપલબ્ધ હોવાથી તેની કોસ્મેટીક ટ્રીટમેન્ટ અને પ્લાષ્ટીક સર્જરી પણ કરવામાં આવશે. આ માટે અલગથી આધુનિક ઈન્સ્ટ્રુમેન્ટ ઉપલબ્ધ કરવામાં આવશે. તેના માટે ડિપાર્ટમેન્ટ ઓફ પ્લાસ્ટીક સર્જરી અને ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરી અદ્યતન બનાવવામાં આવશે. જેના કારણે કોઈપણ દર્દીને નિઃશુલ્ક રાષ્ટ્રીય સ્તરની સારવાર મળી રહેશે. આ બંને વિભાગોમાં ખાસ નિષ્ણાંત ડૉક્ટર્સ સહિતનાં સ્ટાફની પણ નિમણુંક કરવામાં આવશે. જેના દ્વારા 24 કલાક ઇમરજન્સી સારવાર આપવામાં આવશે. જેના કારણે દર્દીઓને અમદાવાદ સુધી જવાની જરૂર પડશે નહીં.