કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાનનો સર્વે કરાશે: મુખ્યમંત્રી

સર્વે કર્યા બાદ નુકસાન થયું હશે ત્યાં વળતર અંગે રાજ્ય સરકાર કરશે વિચારણા

હાલમાં પડેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુક્સાનના વળતરને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ મોટું નિવેદન આપ્યુ છે. માવઠાથી થયેલા નક્સાનીનું સર્વે કરાવ્યા બાદ વળતરની જાહેરાતના મુખ્યમંત્રીએ સંકેત આપ્યા છે. સીએમ રૂપાણી કહ્યું કે કમોસમી વરસાદથી થયેલ નુક્સાનને લઈ સર્વે કરાશે. સર્વે બાદ જ્યાં નુક્સાન થયું હશે ત્યાં વળતર અંગે વિચાર કરીશું. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે..અને અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં સુરતના ઉમરાપાડામાં ૨ ઈંચ, વઘાઈ, જાફરાબાદ, ઉના, ગીર-સોમનાથ, કામરેજ સહિતના તાલુકામાં અળધાથી લઇ બે ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના કુલ ૧૪૨ તાલુકામાં વરસાદ વરસ્યો છે.

છેલ્લા બે દિવસ દરમિયાન ગુજરાતમાં જ્યા કમોમસી વરસાદ વરસ્યો છે ત્યા સર્વે કરાવાશે અને સર્વેમાં જે કોઈ નુકસાન થયુ હોવાનું જણાશે તે પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ છે.  દિલ્લીમાં કૃષિબીલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે વિજય રૂપાણીએ વિપક્ષ ઉપર વાકપ્રહાર કર્યા હતા. ખેડૂતોના મુદ્દે વિપક્ષ રાજકીય રોટલા શેકી રહ્યુ હોવાનું જણાવીને રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ભારત બંધ નિષ્ફળ રહ્યુ છે. તે સાબિતી આપે છે કે ગુજરાતના ખેડૂતો આંદલનની સાથે નથી.

નળ સે જળ યોજના દ્વારા, ગુજરાતના તમામ નગર સહીત ગ્રામ્ય વિસ્તારોના લોકોને ઘરે જ પાણી આપવા માટેની યોજના ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ૮૦ ટકા લોકોને નળ સે જળ યોજના થકી શુધ્ધ પાણી પહોચાડવામાં આવી રહ્યું હોવાનું વિજય રૂપાણીએ કહ્યુ હતું. અમરેલીમાં જાફરાબાદમાં દોઢ અને રાજુલામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા, ખાંભા પણ ભીંજાયા હતા. આ વરસાદથી આ વિસ્તારના ચણા, જીરું, ડુંગળી, કપાસ, શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. પંચમહાલમાં ગોધરા, હાલોલ, કાલોલમાં વરસાદ પડ્યો હતો. મહીસાગર જિલ્લામાં પણ વરસાદને કારણે રવીપાકને ભારે નુકસાન થયું છે.

છેલ્લા બે દિવસથી વાતાવરણ પલટાયું છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાયાં છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડયો છે. જે રીતે વાતાવરણ બદલાઈ રહ્યું છે એનાથી શિયાળુ પાકમાં રોગ જીવાત આવવાની શકયતા રહેશે અને આંબામાં મોર મોડા આવવાથી પાક પણ મોડો આવશે. જ્યારે ચણાના પાકને ઓછું નુકસાન થશે. જૂનાગઢ પંથકમાં જે વરસાદ નોંધાયો છે એનાથી સૌથી વધુ નુકસાન આંબાના પાકને જશે, કારણ કે અત્યારે આંબામાં ફલાવરિંગ એટલે કે મોર બેસવાનો સમય હોય છે.