Abtak Media Google News

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય નેતાઓના ખોડલધામે આંટા ફેરા વધ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છેતેમ તેમ ભાજપ કોંગ્રેસ સહિતા રાજકીય પક્ષોના આંટાફેરા કાગવડ ખોડલધામમાં વધ્યા છે. રાજકીય ભકિતભાવમાં નેતાઓ મશગુલ બની રહ્યા છે. રાજકારણમાં આવવાના નરેશ પટેલના ઈશારા બાદ તમામ પક્ષો તેને પોતાની તરફ ખેંચવા માટે જાણે અધિરા બન્યા હોય તેવું લાગી રહ્યું છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગઈકાલે ખોડલધામની અણધારી મૂલાકાત લીધી હતી અને ર્માં ખોડિયારના ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતુ.

ચમારડીથી ખોડલધામ સુધીની પદયાત્રામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પદયાત્રીકોનું સ્વાગત કર્યું હતુ.

ગોંડલમાં એસઆરપી ગ્રાઉન્ડ હેલીપેડ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું સ્વાગત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નાગરીક બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયા અને પ્રફુલભાઈ ટોળીયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

કોઈ નિર્ધારિત કાર્યક્રમ ન હોવા છતાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આસ્થાના પ્રતિકસમા કાગવડ સ્થિત ખોડલધામ ખાતે પહોચી ગયા હતા. જયાં તેઓને ખોડલધામનાં પ્રમુખ નરેશભાઈ પટેલ સહિતના લોકોએ સહર્ષ આવકાર્યા હતા.

થોડા સમય પહેલા ખોડલધામના દર્શનાર્થે આવેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ એવું નિવેદન આપ્યું હતુ કે ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલને અમે કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું છે. તેઓના આ નિવેદન બાદ નરેશભાઈએ પણ રાજકારણમાં પ્રવેશ માટે ઈશારો કરતા કહ્યું હતુકે જો સમાજ કહેશે તો હું રાજકારણમાં આવીશ તેઓનાં આ નિવેદન બાદ ગુજરાતનાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યું છે.

નરેશભાઈ પટેલને હવે પોતાની તરફ લેવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અધિકરા બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ગઈકાલની ખોડલધામની અણધારી મૂલાકાત ઘણીજ સુચક માનવામાં આવી રહી છે. નરેશભાઈનો ઝૂકાવ જે પક્ષ તરફ રહે તેને વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફાયદો થાય તેવાત નિશ્ર્ચિત હોય હવે નરેશભાઈને રીઝવવા માટે ખોડલધામમાં રાજકીય નેતાઓનાં આંટા ફેરા વધ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.