Abtak Media Google News
  • તળિયે પહોંચેલા ક્રૂડના ભાવને ઉપર લઈ જવાનો તખ્તો
  • ઓપેક દેશોએ ક્રૂડના ઉત્પાદનમાં દૈનિક 20 લાખ બેરલનો ઘટાડો કરવાનો લીધો નિર્ણય

ક્રૂડ ઓઈલના ભાવમાં છેલ્લા ઘણા દિવસથી રાહત છે. પણ હવે આ રાહત પાછી ખેંચાઈ જવાની છે. ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક પ્લસએ ક્રૂડના ભાવ ઉપર લઈ જવા ઉત્પાદનમાં પ્રતિદિન 20 લાખ બેરલનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

યુએસનું દબાણ છતાં, ઓપેક પ્લસએ 2020 પછી ઉત્પાદનમાં સૌથી મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.  આ પગલાને પહેલેથી જ સંઘર્ષ કરી રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધુ એક ફટકો પાડનાર તરીકે ગણવામાં આવે છે. વિયેના હેડક્વાર્ટરમાં યોજાયેલી ઓપેક દેશોના ઉર્જા મંત્રીઓની બેઠકમાં કોરોના મહામારી બાદ પ્રથમ વખત નવેમ્બરથી ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં કાચા તેલની કિંમત 120 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 90 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે.  ઓપેક પ્લસે ગયા મહિને ઉત્પાદનમાં સાંકેતિક ઘટાડો કર્યો હતો.  જોકે રોગચાળા દરમિયાન ઉત્પાદનમાં મોટો કાપ આવ્યો હતો, પરંતુ નિકાસ કરનારા દેશો છેલ્લા કેટલાક મહિનાઓથી ઉત્પાદનમાં મોટા કાપને ટાળી રહ્યા હતા.  ઓપેક પ્લસએ કહ્યું છે કે વૈશ્વિક આર્થિક અને ક્રૂડ ઓઈલ માર્કેટના માહોલમાં અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી તરફ રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે કહ્યું છે કે જો પશ્ચિમી દેશો કિંમતની મર્યાદા નક્કી કરે છે તો તેની પ્રતિકૂળ અસરોનો સામનો કરવા માટે ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડો કરી શકાય છે.  રશિયા પણ ઓપેક પ્લસ સંગઠનનું સભ્ય છે.  વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરીન જીન-પિયરે કહ્યું છે કે તેલ ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય દર્શાવે છે કે ઓપેક પ્લસ સંગઠન રશિયા સાથે સંબંધો વધારી રહ્યું છે.  આ એક ખોટો અને ભ્રામક નિર્ણય છે.

ઓપેક દેશોના નિર્ણયથી અમેરિકા નારાજ

વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડાયરેક્ટર બ્રાયન ડીઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓપેક પ્લસ દેશો દ્વારા ઉત્પાદન ક્વોટામાં કાપ મૂકવાના દૂરંદેશી નિર્ણયથી રાષ્ટ્રપતિ નિરાશ થયા છે, જ્યારે પુતિનના આક્રમણથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સતત નકારાત્મક અસરો પડી રહી છે. તેવામાં આ નિર્ણય અનેક દેશોની અર્થવ્યવસ્થામાં નકરાત્મક અસર ઉભી કરશે.

મધ્યમ અર્થતંત્ર ધરાવતાદેશો ઉપર નકારાત્મક અસરો થશે

ઓપેક પ્લસ ઓઈલ ઉત્પાદનમાં ઘટાડા અંગે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ઓપેકના પગલાની સૌથી વધુ નકારાત્મક અસર ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો પર પડશે જેઓ પહેલેથી જ ઊંચા ઊર્જાના ભાવ સામે ઝઝૂમી રહ્યા છે.  એ પણ કહ્યું કે બિડેન વહીવટીતંત્ર કિંમતો અંગે સત્તાવાળાઓ સાથે પરામર્શ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.