Abtak Media Google News

 

છેલ્લા પાંચ વર્ષમાં ભારત સહિત વિશ્વભરમાં ક્રિપ્ટો સેગ્મેન્ટની વિવિધ કરન્સીઓનાં કારોબારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ભારતમાં ક્રિપ્ટો કરન્સીનાં ટ્રેડિંગ એક્સચેન્જ પણ શરૂ થઇ ગયા ત્યાં સુધી શું કરવું તે નક્કી ન કરી શકેલી સરકાર હવે બજેટમાં જાહેરાત કરી ચુકી છે કે દેશમાં ક્રિપ્ટો કરન્સીનાં કારોબાર 30 ટકા ટેક્ષ લાગશે. જ્યાં સુધી આ જાહેરાત નહોતી થઇ ત્યાં સુધી ભારતમાં સૌના મનમાં એક સવાલ હતો કે આ વર્ચ્યુઅલ કરન્સીનાં કારોબારને સરકાર સ્વીકારશે?  હવે જાહેરાત પોતાની સાથે અનેક સવાલો લઇને આવી છે. કારણ કે સરકારને ટેક્ષ જોઇએ છે પણ તેને કાયદેસર માન્યતા આપવી નથી, શું ભારત સરકાર આગામી દિવસોમાં પોતાની ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરશે? સરકાર ટેક્ષ ટ્રેડિંગ ઉપર વસુલશે, ઇન્વેસ્ટમેન્ટ ઉપર વસુલશે, માલ વેચાણનાં બદલામાં જો ક્રિપ્ટોમાં પેમેન્ટ થયું હોય તો વસુલાત કેવી રીતે થશે? અને સૌથી મોટી વાત કે જો સરકાર આગામી દિવસોમાં પોતાની ડિજીટલ કરન્સી લોન્ચ કરશે તો અન્ય કરન્સીઓને કાયદેસર કરશે? જો આમ થાય તો કોઇપણ એક દેશમાં એક કરતા વધારે ચલણ શક્ય હોય?

હકિકત જોઇએ તો સરકારનાં હાલનાં વિધાનો ઉપરથી તો એવા સંકેત મળે છે કે સરકાર પોતે પણ હજુ અંધારામાં છે. કારણકે નાણા પ્રધાન નિર્મલા સિતારામન તથા કેન્દ્રિય રાજ્ય નાણા પ્રધાન ભાગવત કરાડ બન્ને જાહેર કાર્યક્રમમાં કહી ચુક્યા છે કે ટેક્ષની વસુલાત કરવાથી ક્રિપ્ટો કરન્સીને કાયદેસરતા મળતી નથી. તેની કાયદેસરતા અંગે સરકાર ભવિષ્યમાં પણ નિર્ણય કરી શકે છે. હાલમાં તો આ સેગ્મેન્ટમાં જે રીતે રોકાણ થઇ રહ્યું છે તે જોતા સરકારે 30 ટકા ટેક્ષ લગાવ્યો છે. મતલબ કે ક્રિપ્ટોનો કારોબાર બ્લેક નો છે કે વ્હાઇટ નો તે સરકાર હવે પછી પણ ગમે ત્યારે જાહેરાત કરી શકે છે. સરકારનાં આ નિવેદન બાદ બજેટમાં ક્રિપ્ટો ઉપર ટેક્ષ લગાવવાની જાહેરાતને વધાવનારા ક્રિપ્ટો એક્સચેન્જ વાળા, કારોબાર કરનારા તથા પેમેન્ટ લેનારાઓ સૌ મુંઝાયા છે.

આમ તો સરકારી ઇચ્છા ક્રિપ્ટોને પ્રતિબંધિત કરવાની જ હતી. પરંતુ 2018 માં રિઝર્વ બેંકે લગાવેલા પ્રતિબંધને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધો ત્યારથી સરકાર પણ સાવચેતીથી ચાલી રહી છે. હવે કદાચ પુતા હોમવર્ક બાદ જ સરકાર નવો કાયદો લાવશે.   સરકારની આ ચિંતા પણ વ્યાજબી જ છે. ભારતનાં પ્રમુખ ક્રિપ્ટો એક્સચેન્જ વાઝિરેક્ષ ખાતે 2021 માં એક જ વર્ષમાં 43 અબજ ડોલરનું ટ્રેડિંગ વોલ્યુમ નોંધાયું હતું જે એક જ વર્ષમાં 1735 ટકા નો ઉછાળો દેખાડે છે. અન્ય એક્સચેન્જ બિટબીન્સનાં યુઝર્સમાં 849 ટકાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને ટ્રેડિંગ વોલ્યુમમાં 45 ગણો વધારો જોવા મળ્યો છે.

સરકારે હાલમાં રજૂ કરેલા 30 ટકા ટેક્ષનું માળખું અને જોગવાઇ પણ જાણવા જેવી છે. જે પ્રમાણે કોઇપણ વર્ચ્યુઅલ કરન્સીનાં ટ્રાન્સફરથી થનારી આવક ઉપર 30 ટકા ટેક્ષ લાગશે. જ્યારે તમે ક્રિપ્ટોનાં કારોબારથી થયેલી આવકની જાહેરાત કરો ત્યારે ખરીદીની ખર્ચ સિવાયની કોઇપણ રકમ ઉપર કપાત મળશૈ નહી. જો કોઇ નુકસાન થયું હોય તો અન્ય આવક સામે તેની કપાત મળશૈ નહી. જો કોઇ ક્રિપ્ટો અર્થાત ડિજીટલ એસેટ ગિફ્ટરુપે મેળવશે તો ગિફ્ટ લેનારને ટેક્ષ ભરવો પડશે.  અત્રે ખાસ નોંધનીય છે કે સરકારે ટેક્ષ લગાવ્યો હોવા છતાં હજુ પણ આ કારોબારનો કોઇ રેગ્યુલેટર નથી. તેથી આ કારોબારમાં કોઇ ફૂલેકું ફેરવી જાય તો વસુલાત માટે કોને ફરિયાદ કરવી તે નક્કી નથી.સરકારે હાલમાં કરેલી જોગવાઇ અંતર્ગત સરકાર ટેક્ષ કેવી રીતે વસુલ કરી શકે છે.

ભારતનો ઇન્કમ ટેક્ષનો કાયદો એવું કહે છે કે ભારતીય નાગરિકે કોઇપણ રીતે કરેલી આવક પછી તે કોઇપણ રીતે મેળવાઇ હોય, તેના ઉપર સરકાર ઇન્કમ ટેક્ષ વસુલ કરી શકે છે. કદાચ આ જોગવાઇ હેઠળ સરકાર આ વખતે 30 ટકા ટેક્ષ લાગૂ કરી રહી હશે.  હાલમાં બિટકોઇનનાં કરોબાર સાથે સંકળાયેલા સૌના મનમાં અમુક સવાલો છે, શું કિપ્ટો માઇનીંગ એટલે કે જનરેટ કર્યા હોય તો તેના ઉપર ટેક્ષ લાગે? ઇન્વેસ્ટમેન્ટ માટે લીધેલી ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જના પ્લેટફોર્મ ઉપર ભારતીય કરન્સીમાં ટ્રાન્ફર કરવા માટે મુકાય તો થતી કમાણીને લોંગ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન રૂપે ટેક્ષ લાગે? આ ઉપરાંત ગિફ્ટ તરીકે મેળવેલી ક્રિપ્ટો કરન્સી ઉપર ગિફ્ટ ટેક્ષ હાલની પ્રવર્તમાન જોગવાઇઓ લાગૂ પડશે કે તેના માટે નવી જોગવાઇઓ હશે ? આવા સંખ્યાબંધ સવાલોના જવાબ સાથે સરકારને આ કાયદાનો અમલ કરવો પડશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.