- એલ્યુમિનિયમના વેપારીને શેરબજારમાં રોકાણ કરી આકર્ષક વળતર આપવાની લાલચે રૂ.12.46 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- સિલ્વર પંપના માલિકના નામે ડીલર, કર્મચારીઓને કોલ-મેસેજ કરી પૈસા પડાવવાનું કારસ્તાન સામે આવ્યું : ડીલર છેતરાયો
- બે વેપારીઓ અને એક એન્જિનિયર છેતરપિંડીનો ભોગ બનતા સાયબર ક્રાઇમ પોલીસમાં ત્રણ ગુના દાખલ
ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે સાયબર ગઠીયાઓ લોકોને છેતરવા અનેક કિમીયા અજમાવતા હોય છે. ત્યારે રાજકોટના બે વેપારી અને એક આઈટી એન્જીનીયર સાયબર ગઠિયાનો ભોગ બની રૂ. 24.38 લાખ ગુમાવ્યાની ત્રણ અલગ અલગ ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ છે. પ્રથમ બનાવમાં શહેરના અયોધ્યા ચોકમાં સિદ્ધિ વિનાયક સોસાયટી શેરી નં.10 માં રહેતાં ભરતભાઈ ચનાભાઈ વાઘેલા (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલગ અલગ બેંકના એકાઉન્ટ ધારકના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રાજકોટના રાઉકી ગામે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં નાયરા પંપની બાજુમાં ઓસન એલ્યુમીનીયમ નામની દુકાન ચલાવે છે.એક વર્ષ પહેલા ઓનલાઈન એન્જલ વનમાં શેરબજાર માટે ટ્રેડીંગ એકાઉન્ટ ખોલાવેલ જે બાદથી તેમના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા તેના મોબાઇલ નંબર વોટ્સઅપ પર અલગ અલગ એજન્ટના શેરબજારમાં રોકાણ કરી પૈસા કમાવવા તેવા મેસેજ તથા ફોન આવવાના ચાલુ થયેલા હતા.
ગઇ તા.09/04/2024 ના અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મારફતે મેસેજ આવેલ ત્યાર પછી ફોન આવેલ અને તેઓએ પોતાનુ નામ રાહુલ પટેલ જણાવી કહેલ કે, મારા કોન્ટેકમાં શેર બજારના સારા એવા ટ્રેડર છે અને તમને ઓછા રોકાણે સારૂ રીટર્ન આપશે, તમને રસ હોય તો ટ્રેડરનો નંબર આપુ તેમ કહીને બે મોબાઈલ નંબર આપેલ હતાં. ત્યારબાદ તેઓએ ફોન કરી રાહુલ પટેલે તમારો નંબર આપેલ હતો અને તેને તમારી સાથે વાત કરવાનુ કહેલ છે, તેમ કહેતાં સમાવાળાએ તમારૂ આધારકાર્ડ, પાનકાર્ડ મને વોટ્સએપમા મોકલો તેમ જણાવેલ જેથી તેને પાનકાર્ડ, આધાર કાર્ડના ફોટા તેના વોટ્સએપ નંબર ઉપર મોકલેલ હતાં. બાદમાં વોટ્સએપ કોલથી જણાવેલ કે, તમારૂ ડીમેટ એકાઉન્ટ ખુલી ગયેલ છે. તમારૂ ડીમેટ એકાઉન્ટનું હેન્ડલીંગ હુ કરીશ જેથી પ્રોપર બાય તથા એક્ઝીટ કરી શકાય તેમજ સારો એવો પ્રોફીટ થાય તેવું કરી દઇશ. હું તમને જે બેન્ક એકાઉન્ટ નંબર મોકલુ તેમા રૂપીયા ટ્રાન્સફર કરવાના રહેશે. તેમજ કામ કરવાનો જે બ્રોકરેજ ચાર્જ તમારે મને ચુકવવાનો રહેશે તેમ જણાવેલ હતુ.
બાદ તે મોબાઇલ નં. 9574716258 વાળાએ અલગ અલગ બેન્ક એકાઉન્ટની ડીટેલ વોટ્સએપથી મોકલેલ હતી જેમા નીચે જણાવ્યા મુજબના મારા તથા મારા સંબંધીના બેન્ક એકાઉન્ટમાથી રૂ.12.46 લાખ ટ્રાન્સફર કરી રોકાણ કરેલ હતું. જે રૂપીયાનું વળતર આજ સુધી મળેલ ન હતું અને આરોપીએ મોબાઈલ નંબર પણ બંધ કરી દેતાં સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી.
ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવા જતાં એન્જિનિયરે રૂ. 6.85 લાખ ગુમાવ્યા
રૈયા રોડ પર શાંતિનગરમાં રહેતાં વિવેકભાઇ હરેશભાઈ ચુડાસમા (ઉ.વ.31) એ જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદમાં એન્સ્ટર્ડ નામની આઈટી કંપનીમાં હાલ ઘર બેઠા વર્ક ફ્રોમ હોમ તરીકે કામ કરે છે. એક વર્ષ પહેલા તેમને કોઈ અજાણ્યા મોબાઈલ નંબરમાથી પાર્ટ ટાઈમ કામ કરી રોજના રૂ.1 હજારથી રૂ.1500 રૂપીયા કમાઈ શકો છો તેવી ઓફર મળી હતી. જેમા તેને હા પાડતા સામાવાળાએ મને એક ટેલીગ્રામ યુજર નેમનો કોન્ટેક્ટ કરાવેલ જેમા આ ટેલીગ્રામ ધારકે યુટ્યુબમા વિડીયો સબસ્ક્રાઈબ કરવાનુ ટાસ્ક બાબતે જણાવેલ હતું. જેમા એક વિડીયો સબસ્ક્રાઇબ કરવા પર રૂ. 50 રૂપીયા મળશે તેવી લાલચ આપેલ હતી.બાદ સામેવાળા દ્વારા જણાવેલ ટાસ્ક પ્રમાણે ટાસ્ક પુરો કરતા શરૂઆતમાં યુટ્યુબના વિડીયો સબસ્ક્રાઇબ કરાવેલ જેમા પ્રથમ દિવસે રૂ.1150 મળેલ હતા બાદ બીજે દિવસે રૂ.900 જેવા મળેલ હતાં. બાદ આ ટેલીગ્રામ ધારકે ટેલીગ્રામમા અન્ય યુઝરનેમ વાળા અજાણ્યાં શખ્સનો કોન્ટેક્ટ કરાવેલ બાદ જેમાં સામાવાળાએ એક સાથે ત્રણ ત્રણ ટાસ્ક આપેલ જે પૂર્ણ કરવા પર તેને સ્કિન શોર્ટ મોકલવાના હતા.તે શખ્સે અન્ય યુઝરનેમ વાળાનો સંપર્ક કરાવેલ અને કહેલ કે, આ વ્યક્તી તમને આગળના ટાસ્ક આપશે અને બીજા ટેલીગ્રામ ગ્રુપમા એડ કરાવશે જેમા તે ટેલીગ્રામ યુઝર્નેમ ધારકે મરચન્ટ વેલ્ફેર ટાસ્ક 5000 વાળા ટેલીગ્રામ ગ્રુપમા જોઈન થવાનુ જણાવેલ જેમા એડ થવાના રૂ.5 હજાર પે કરવાના જણાવેલ હતું. જેથી તેના કહ્યા પ્રમાણે રૂ.5 હજાર ઓનલાઈન પે કરેલ હતાં. જેમા ટાસ્ક પૂર્ણ કરાવા પર રૂ.7 હજાર મળશે પરંતુ તે એમાઉન્ટ ન મળતા એક બીજો ટાસ્ક આપેલ અને અલગ અલગ બેંક ખાતામા રૂપીયા ટ્રાંસફર કરવાનુ જણાવેલ જેથી તેઓએ અલગ અલગ ટાસ્ક આપીને ટાસ્ક પુરા કરવાના બહાને અલગ અલગ બેંક ખાતામા કુલ રૂ.6.85 લાખ ટ્રાંસફર કરાવેલ હતા. બાદ હજુ આગળ આવી રીતે પૈસા માંગવાનું ચાલુ રાખેલ જેથી તેઓને ફ્રોડ થયાનું સામે આવતાં સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી હતી.
સિલ્વર પંપના માલિક વિનીત બેડીયાના નામે ગોવાના ડીલર સાથે રૂ.1.20 લાખની ઠગાઈ
શીતલ પાર્ક નજીક દ્વારકાધીશ હાઈટ્સમાં રહેતા અને હરીપર તરવડા ગામે આવેલ સિલ્વર ક્ધઝયુમર ઇલેક્ટ્રીકલ્સ લીમીટેડ કંપનીમાં નોકરી કરતા મલ્હારભાઈ હર્ષદભાઇ જોષી(ઉ.વ.39)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.07/01/2025 રોજ મારા સિલ્વર ક્ધઝયુમર ઇલેક્ટ્રીકલ્સ લીમીટેડ કંપની માલીક વિનીતભાઈ બેડીયાએ મને જાણ કરેલ કે, મને મારા મિત્ર સર્કલ દ્રારા જાણવા મળેલ કે કંપનીના ડીલરો અને સહયોગીઓના સંપર્ક કરી એક મોબાઈલ નંબર પરથી વોટસએપમાં મેસેજ આવેલા છે, જેમા પ્રોફાઈલ પિક્ચરમાં વિનીતભાઈ બેડીયાનાનો ફોટો રાખેલ છે. ઉપરાંત મારે હાલ પૈસાની જરૂરત છે તેમ કહી પૈસાની માંગણી કરતા મેસેજો આવે છે તેવું વિનીતભાઈએ જણાવતા આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી કરી હતી જેની હાલ તપાસ ચાલુ છે. દરમિયાન ગઇ તા. 21/03/2025 ના રોજ અમારા કંપનીના પણજી ગોવાના ડીલર ગૌતમ શંકરદાસને અજાણ્યા નંબર પરથી વોટસએપ કોલ આવેલ હતો. જેમાં ગઠીયાએ પોતાની ઓળખ વિનીત બેડીયા તરીકે આપી મારો એક મિત્ર રાજકોટથી ગોવા આવેલ છે, જેનું એકસીડન્ટ થયુ છે અને તેમને પૈસાની જરૂરત છે, તો રૂ.1.20 મોકલી આપજો તેમ કહી બેંક એકાઉન્ટની વિગત મોકલી હતી અને આ પૈસા હું કાલે સવારે તમને પરત આપી દઈશ તેવું કહેતા ગોવાના ડીલરે ગઠીયાએ આપેલ એકાઉન્ટમાં રૂ. 1.20 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. બાદ ગત તા.24/03/2025 ના રોજ ગૌતમ શંકરદાસે અમારી કંપનીના સેલ્સ મેનેજ2 યુવરાજભાઈ કવાડને આ અંગે જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો. જે બાદ ડીલરે ગોવા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં વિનીતભાઈ બેડીયાના આદેશ પર કંપની સાથે જોડાયેલ કર્મચારીઓથી માંડી તમામને આ પ્રકારે ફોન, મેસેજ આવે તો કોઈ વ્યવહાર કરવો નહીં તેવું જણાવતા કંપની કર્મચારી ડેનિશભાઈ રૈયાણી, દર્શનભાઈને ફોન આવ્યાની જાણ થતાં સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
યુએસ ડોલર મેળવવા જતાં કપડાંના વેપારી સાથે રૂ. 5.03 લાખની ઠગાઈ
શહેરના કોઠારીયા રોડ પર યાદવ નગર શેરી નં.1 માં રહેતાં દીપકભાઈ ભરતભાઈ ગોહેલ (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અમીશ રમેશ નકુમ તેમજ બેંક એકાઉન્ટ ધારકનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને આમીન માર્ગ ખાતે જીન્સ ક્લબ નામે રેડીમેટ કપડાની દુકાન ચલાવી વેપાર કરે છે. વર્ષ 2024 ના માર્ચ મહીના તે ઘરે હતો ત્યારે પરીવાર સાથે મે-2024 માં દુબઈ ફરવા જવા માટે પ્લાન બનાવેલ હતો. જેથી યુ.એસ.ડોલરની જરૂર હતી. જે બાબતે મીત્ર સર્કલમાં વાતચીત કરતા પિતરાઈ જયભાઈ ગોરધનભાઈ ચાવડાએ જામનગરના અમીશ રમેશભાઈ નકુમનો મોબાઈલ નંબર આપેલ હતો. જેથી અમીશ નકુમને કોલ કરતા તેઓએ જણાવેલ કે, મારા એક મીત્ર મુંબઈ રહે છે જેઓ મની ફોરેક્ષ નામની કંપની ચલાવે છે.જેઓ તમને યુ.એસ. ડોલર અપાવી દેશે. જેથી અમીશએ મની ફોરેક્ષ વાળા ભાઈનો નંબર આપેલ હતો. જેમાં ફોન કરી વાતચીત કરતા તેઓએ પોતાની ઓળખાળ મની ફોરેક્ષ કંપનીની આપેલ હતી અને જણાવેલ કે, હું તમને યુ.એસ. ડોલર રૂ.86 ના ભાવથી આપીશ જેથી ફરિયાદીને 5900 યુ.એસ. ડોલરની જરૂરીયાત હતી. સામાવાળાએ તેમના કોટક બેંકના ખાતા નંબર આપેલ હતા, જેમાં તેઓએ રૂ.5,03,500 જમા કરાવવા હતાં અને તેઓએ જણાવેલ હતુ કે, તમારૂ પેમેંટ આવી ગયેલ છે હું તમેને થોડીવરમાં ઓફીસનુ એડ્રેસ મોકલુ ત્યાંથી યુ.એસ. ડોલર કલેક્ટ કરાવી લેજો બાદ 2 કલાક પછી તેઓને કોલ કરતા તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયેલ હતો જેથી અમીશ નકુમને કોલ કરતા તેઓએ કોઈ જવાબ આપેલ નહીં જેથી તેમની સાથે ફ્રોડ થયાનું સામે આવતાં સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી હતી.