- બીએસએનએલની મહિલા કર્મચારી સાથે રૂ.55 લાખની ઓનલાઇન ઠગાઈ મામલે
- પીઆઈ એમ એ ઝણકાતની ટીમે વેશપલટો કરી રાજસ્થાનના સવાઈ માધોપુરથી ઠગ ટોળકીનો પાંચમો આરોપી પકડ્યો
બીએસએનએલની મહિલા કર્મચારીને શેર માર્કેટના નામે ફેક એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણના નામે અલગ અલગ ખાતાઓમાં રૂ. 55 લાખ ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ આચરનાર ઠગ ટોળકીના પાંચમાં આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનના સવાઈ માધોપુર ખાતેથી વેશ પલટો કરી ઝડપી લીધો છે. નાસ્તો કરવા આવેલ ગઠીયાને પોલીસે ઝડપી લઇ જેલની હવા ખાવા મોકલી દીધો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઠગાઈ આચરનાર ચાર શખ્સોની ધરપકડ થઈ ગયા બાદ હવે પાંચમાં એકાઉન્ટ હોલ્ડરની ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો પંચનાથ પ્લોટ શેરી નં 17માં રહેતાં બેલાબેન સુરેશચંદ્ર વૈદ્યએ સાયબર ક્રાઈમમાં અજાણ્યા 12 એકાઉન્ટ ધારક સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા.5/5ના ઘરે હતા ત્યારે ફેસબુકમાં સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરી 3 મહિનામાં 500 ટકા રીટર્નની જાહેરાત જોઈ હતી જેથી લીંક ખોલતા તે પ્રાઈમ વિઆઈપી બેંક નામના વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ હતી જે ગૃપમાંથી તેણીને એક લીંક મળી હતી જેમાંથી ફ્રેગએમવે નામની એપ ઈન્સ્ટોલ કરી હતી અને આઈડી પાસવર્ડ મળ્યા હતા જેમાં લોગઈન કરતા શેરબજારમાં રોકાણ કરવા વિવિધ વિભાગો આપેલ હતા બાદ વિવિધ સ્ટોક, આઈપીઓમાં રોકાણ કરવાનુ કહેતા વિવિધ એકાઉન્ટમાં રૂ.55.94 લાખ ભર્યા હતા સામેવાળાએ રૂ.1.94 લાખ પરત આપી વિશ્વાસ કેળવ્યો હતો. બાદ એપ્લીકેશનમાં પ્રોફિટ સાથે કુલ 3 કરોડ કાઢવા પ્રોસેસ કરી હતી પરંતુ કોઈ નાણા પરત ન મળતા ફ્રોડ થયાની ફરિયાદ નોંધાવી હતી. મામલામાં સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ જે મે કૈલા, પીઆઈ એમ એ ઝણકાત અને પીઆઈ બી.બી.જાડેજા સહિતની ટીમે તપાસ હાથ ધરી વિસાવદરના બે ખાતાધારક દિનેશ ઉર્ફે સતીશ રમેશભાઈ રાદડીયા, જેનીશ ઉર્ફે રવો ભાણકુ ગરણીયા, રાજસ્થાનના મુસ્તાક અલી મોહમદસફી અને લુમ્બસીંહ માધુસીંહ રાવતની ધરપકડ કરી લીધી હતી. જે બાદ સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ એ ઝણકાતની ટીમ સતત પ્રયત્નશીલ હતી. દરમિયાન સાયબર ફ્રોડમાં મેળવેલ નાણા ફેરવતા પાંચમા શખ્સની ભાળ મળી આવતા પીઆઈ ઝણકાત અને હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ઝાલા રાજસ્થાનના સવાઈ માધોપુર ખાતે દોડી ગયા હતા. જ્યાં આરોપી પોલીસને જોઈ નાસી જાય તેવી શક્યતા હોય પોલીસે નાસતાની દુકાને કામ કરતા કર્મચારીનો વેશપલટો કરી વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી રૂપેશ ગજાનંદ શર્મા (ઉ.વ.24 રહે બોરીફ ગામ, સવાઈ માધોપુર, રાજસ્થાન) સમોસા ખાવા આવ્યો હતો અને પોલીસે તેને દબોચી લીધો હતો.