ઉમરગામ તાલુકામાં તાજેતરમાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાને કારણે થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકના પરિવારને આજે ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી ₹૪,૦૦,૦૦૦ ની નાણાકીય સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે મૃતકના પરિવારજનોને આ ચેક સુપરત કરાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ઉમરગામ તાલુકામાં થોડા સમય પૂર્વે ઝડપી પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ વાવાઝોડા જેવી પરિસ્થિતિને કારણે અનેક સ્થળોએ ઝાડ ધરાશાયી થયા હતા અને વીજળીના થાંભલા પણ પડી ગયા હતા, જેના કારણે ભારે ખુવારી સર્જાઇ હતી. આ પરિસ્થિતિ વચ્ચે, માર્ગ પરથી પસાર થઈ રહેલા એક યુવક ઉપર અચાનક ઝાડ તૂટી પડતાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું.
આ દુર્ઘટના બાદ, ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રી દ્વારા મૃતક યુવકના પરિવાર સાથે સતત સંપર્કમાં રહી જરૂરી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. પીડિત પરિવારને નિયમ અનુસાર રાજ્ય સરકાર તરફથી નાણાકીય સહાય મળી રહે તે માટે તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
જેના ફળ સ્વરૂપે, આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, દીપકભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન, કારોબારી અધ્યક્ષ મહેશભાઈ દહાડ, ગ્રામ પંચાયત સરપંચ નરેન્દ્રભાઈ નાયક સહિત અન્ય સરપંચો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં મૃતકના પરિવારને ₹૪ લાખનો સહાય ચેક અર્પણ કરી સાંત્વના પાઠવવામાં આવી હતી. સરકારી તંત્ર અને જનપ્રતિનિધિઓના સહયોગથી પીડિત પરિવારને તાત્કાલિક સહાય મળતા તેમણે રાહત અનુભવી હતી.
અહેવાલ: રામ સોનગઢવાલા