Abtak Media Google News

હોટ ગુટખાના ધંધામાં ભાગીદારી માટે અનિશ ઇબ્રાહીમના ઇશારે સલીમ ચીપલુને હત્યા માટે સોપારી આપી શાર્પ શુટર મોકલ્યા

જામનગરના ગુટખાના વેપારી અશ્ફાક ખત્રી અને ભત્રીજા સફદરના દુબઇમાં વેચાતા હોટ ગુટખાની ભાગીદારીના પ્રશ્ર્ને અનિશ ઇબ્રાહીમના ઇશારે સલીમ ચીપલુને નાસિકથી શાર્પ શુટર મોકલ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા શિપીંગ અને ગુટખાના વેપારી અશ્ફાક ખત્રીએ દુબઇ સ્થીત ભત્રીજા સફદરની સાથે હોટ ગુટખાનું વેચાણ શરૂ કરતા અનિશ ઇબ્રાહીમના ગુટખાના વેપારને માઠી અસર થઇ હતી અને અનિશ ઇબ્રાહીમના ગુટખાનો ધંધો જોખમમાં મુકાતા અનિશ ઇબ્રાહીમે પોતાના રાઇટ હેન્ડ મનાતા સલીમ ચીપલુનને હોટ ગુટખાના ધંધામાં બળજબરીથી ભાગીદારી કરવાનું કહ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

સફદર સાથે સલીમ ચીપલુને પાકિસ્તાનના નંબર પરથી મોબાઇલમાં વાત કરી ગુટખાના ધંધામાં ભાગીદારી કરવા ધમકી દીધાનું સફદરે ભારતના કેન્દ્ર સરકારની પોલીસને જાણ કરી મદદ માગી હતી તેમજ સફદરે પાકિસ્તાનથી આવેલા ફોન નંબર ઇમેલ દ્વારા ભારતની પોલીસને મોકલ્યા હતા.

ભારતની પોલીસે સફદર દ્વારા મોકલવામાં આવેલા ઇમેલને ગંભીરતાથી લઇ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને રાજકોટ પોલીસને સતર્ક કરી દીધી હતી. દરમિયાન સલીમ ચીપલુને નાસિકના શાર્પ શુટર રામદાસ પરશુરામ રહાણે, વિનિત પુંડલીંક જાબરે, સંદિપ દયાનંદ શિલાંગ અને અનિલ રાજુ ધિલોડ નામના શખ્સોને જામનગર અશ્ફાક ખત્રીની હત્યા માટે મોકલ્યા હતા. ચારેય શાર્પ શુટર જામનગર હથિયાર સાથે જઇ અશ્ફાક ખત્રીની હત્યા કરે તે પહેલાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે નવાગામ પાસેથી ઝડપી લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.