છરછોડા ગામના પ્રગતિશીલ ખેડૂત ચંદુ ભાભોર દ્વારા વિવિધ ગામોમાં જઈને પ્રાકૃતિક ખેતી અંગે અપાતી તાલીમ
દાહોદ: આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનું અંતરિયાળ ગામ એટલે છરછોડા. આ વિસ્તારમાં એક સમયે માત્ર ખેતી દ્વારા ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ હતું. પરંતુ જ્યારથી સરકારના બાગાયતી, ખેતીવાડી વિભાગ સહિત આત્મા પ્રોજેક્ટ દ્વારા ખડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે સરકારની વિવિધ યોજનાઓના લાભ લઈ આર્થિક રીતે સદ્ધર બનવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારથી પ્રાકૃતિક ખેતીને દાહોદ જિલ્લાના મોટાભાગના જાગૃત ખેડૂતોએ એક સફળ ખેતી તરીકે સ્વીકારી છે.
પ્રાકૃતિક ખેતીમાં ખાસ કરીને ગાય આધારિત ખેતી અપનાવીને અહીંના આદિવાસી ખેડૂતો પ્રકૃતિનું રક્ષણ કરી સ્વાસ્થ્યવર્ધક ખેત પેદાશોનું ઉત્પાદન કરી રહ્યા છે. ગરબાડા તાલુકાના છરછોડા ગામના ચંદુભાઈ ભાભોર કે જેઓ પોતે વર્ષોથી પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાના પરિવાર સહિત સમાજને શુદ્ધ અનાજ, કઠોળ અને શાકભાજી પૂરી પાડી રહ્યા છે. ચંદુભાઈ ભાભોર પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના અનુભવો અન્ય ખેડૂતોને સમજાવવા માટે ગરબાડા તાલુકાના વિવિધ ગામોમાં જઈને તાલીમ આપી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી વિષે વિસ્તાર પૂર્વક સમજાવતા જણાવે છે કે, ખેતીમાં ગાયના મળ-મૂત્રનો ખાતર અને જંતુનાશક તરીકે તેમજ જીવામૃત અને ઘન-જીવામૃતનો ઉપયોગ દરેક સિઝન પ્રમાણે પાક સાથે કરી શકાય છે. પ્રાકૃતિક ઉત્પાદનો 100 ટકા શુદ્ધ અને રસાયણ મુક્ત હોવાથી જાગૃત નાગરિકો દ્વારા તેની માંગ વધી રહી છે, જેથી દરેક વસ્તુનું સારા ભાવે બજારમાં જ વેચાણ થઈ જાય છે. જેના કારણે સમય જતા આવકમાં પણ વધારો થાય છે.