Abtak Media Google News

અમદાવાદ એરપોર્ટ પર હૃદય રોગનો હુમલો આવ્યા બાદ એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા: રમેશચંદ્ર અગ્રવાલનો દેહ ભોપાલ લઈ જવાશે: પત્રકાર જગત શોકમય

દૈનિક ભાસ્કર ગ્રુપના ચેરમેન અને પત્રકારત્વ ક્ષેત્રમાં રાજીવ ગાંધી એવોર્ડથી સન્માનિત તેમજ ૪૨ વર્ષથી અખબારી દુનિયા સાથે જોડાયેલા રમેશચંદ્ર અગ્રવાલનું આજે નિધન થતા પત્રકાર જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આજે અમદાવાદ એરપોર્ટ પર દૈનિક ભાસ્કર ગ્રુપના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલને હાર્ટ એટેક આવતા તાત્કાલિક અમદાવાદની એપોલો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજતા પત્રકાર આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના નિધનની જાણ થતા જ પરીવારના સભ્યો અમદાવાદ પહોંચ્યા છે.

રમેશચંદ્ર અગ્રવાલે ભોપાલથી રાજનીતિ વિજ્ઞાનમાં એમ.એ. કર્યું છે. તેઓ અખબારી દુનિયા સાથે ૪૨ વર્ષથી જોડાયેલા છે. તેમજ દૈનિક ભાસ્કર ગ્રુપને આકાશે આંબતી સફળતા અપાવવામાં તેઓનો મુખ્ય અને સિંહફાળો રહ્યો છે. રમેશચંદ્ર અગ્રવાલને પત્રકારત્વ ક્ષેત્રમાં રાજીવ ગાંધી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૦૩, ૨૦૦૬માં ઈન્ડિયા ટુડે મેગેઝિન દ્વારા તેઓને ૫૦ શકિતશાળી વ્યાપારીઓમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

૨૦૧૨માં ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં રમેશચંદ્ર અગ્રવાલ ૯૫માં નંબર પર રહ્યા હતા. તેમના પરીવારમાં તેમના પુત્રો ગીરીશ અગ્રવાલ, સુધીર અગ્રવાલ, પવન અગ્રવાલ તેમના વ્યવસાયમાં પૂર્ણ રીતે સક્રિય છે. આજે સવારે અમદાવાદમાં તેઓના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજકોટ સહિત દેશભરના પત્રકાર જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.