દૂધ પીવું જોખમી: પાંચ સેમ્પલ પરિક્ષણમાં નાપાસ

ધારા ધોરણ કરતા ફેટનું પ્રમાણ ઓછું હોવાનું પરિક્ષણમાં ખૂલ્યું: માવા-મલાઇ કેન્ડી, કેરીનો રસ, ભેંસનું દૂધ અને મિક્સ દૂધના સેમ્પલ લેવાયાં

સંપૂર્ણ આહાર ગણાતું દૂધ બેફામ ભેળસેળના કારણે હવે આરોગ્ય માટે જોખમ કારક બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ પાંચ સ્થળોથી લેવામાં આવેલા દૂધના નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. તમામમાં ધારા ધોરણ કરતા ઓછી માત્રામાં ફેટનું પ્રમાણ જોવા મળ્યું હતું. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ વિભાગ દ્વારા હસનવાડી મેઇન રોડ પર શ્રીકેસર ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, સહકાર સોસાયટી મેઇન રોડ પર શ્રી સ્વામિનારાયણ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, ગાયત્રી નગર મેઇન રોડ પર નીલકંઠ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, હરિઘવા રોડ પર પટેલ ચોકમાં બરસાના ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને રાજલક્ષ્મી સોસાયટીમાં વૃંદાવન ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધનો સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા હતા. જેમાં નિયત ધારા ધોરણ કરતા ઓછી માત્રામાં ફેટનું પ્રમાણ મળી આવતા નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યા છે.

વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત પુજારા પ્લોટ મેઇન રોડ પર ખાણીપીણીની 14 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ચામુંડા પાન, ડીલક્ષ પાન, સંસ્કૃતિ સ્પેશિયલ કૂલર્ડ ચા, જનતા પાન અને પ્રતિક્ષા આયુર્વેદિકને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. લક્ષ્મીવાડી વિસ્તારમાં રાજસ્થાન સુપર માવા કુલ્ફીમાંથી માવા-મલાઇ કેન્ડી, 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે ભગવતી રસમાંથી કેરીનો લૂઝ રસ, આરટીઓ પાછળ શિવમ સોસાયટી મેઇન રોડ પર જય બાલાજી ડેરી ફાર્મંમાંથી ભેંસનું દૂધ અને જયશ્રી શિવશક્તિ દુગ્ધાલયમાંથી મિક્સ દૂધનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરોમાં મોકવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે લાખના બંગલાવાળા રોડ પર આઇસ્ક્રીમ, ઠંડાપીણા, દૂધ, મીઠાઇ સહિત 19 સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 16 નમૂનાનું સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું અને 16 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.