ડાંગ જિલ્લાનું ગૌરવ – રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધામાં ડાંગ જિલ્લાની દીપ દર્શન શાળા આહવા પ્રથમ ક્રમાંકે – રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામતાં જિલ્લા વહિવટી તંત્રે શાળા પરીવારને અભિનંદન પાઠવ્યાં – ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ તપાસના આધારે જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની પસંદગી કરવામાં આવે છે. જેમાં વર્ષ 2024-25 માં ડાંગ જિલ્લાની દીપ દર્શન શાળા આહવાની પ્રથમ ક્રમાંકે પસંદગી થવા પામી છે. જે જિલ્લા માટે ગૌરવ પુર્ણ બાબત છે. ડાંગ જિલ્લાની શાળા રાજ્યની સર્વ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામતાં ડાંગ જિલ્લા વહિવટી તંત્ર તેમજ જિલ્લા શિક્ષણ વિભાગે દીપ દર્શન શાળા પરીવારને અભિનંદન પાઠવ્યાં હતાં. ડાંગના જિલ્લા શિણાધિકારી જીગ્નેશકુમાર ત્રીવેદી તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના માધ્યમિક શિક્ષણ વિભાગમાં વધુ એક મોરપિંછ ઉમેરાયું છે.
જેમાં જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ દીપ દર્શન શાળા પરીવારના અથાગ મહેનતના પરીણામે દીપ દર્શન શાળા આહવાને રાજ્ય કક્ષાએ સર્વ શ્રેષ્ઠ શાળામાં પસંદગી થવા પામી છે જ્યારે આ અગાઉ માધ્યમિક વિભાગમાં પ્રથમ વાર રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો ખિતાબ ડાંગ જિલ્લાના સરકારી માધ્યમિક શાળા આહવાની શિક્ષિકા બીજુબાલા પટેલને મળવા પામ્યો છે. દીપ દર્શન માધ્યમિક શાળાના આચાર્યા સિસ્ટર સુહાસિની પરમારે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 1975માં માત્ર 20 વિદ્યાર્થીઓથી શરૂ થયેલ દીપ દર્શન શાળા આહવામાં આજે 1800 થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા છે. આ શાળાએ અસતોમા સદગમય તમસોમા જ્યોર્તિગય ના સંદેશને ખરા અર્થમાં ફલીત કરી આજે સંમગ્ર ડાંગ જિલ્લામાં પોતાની આગવી પ્રતિભા ઉપસાવી છે. શિક્ષણની સાથે શાળાની વિવિધ પ્રવૃતિઓ થકી વિદ્યાર્થીના શિક્ષણ તેમજ વ્યક્તિત્વ વિકાસમાં ઉત્તરોઉત્તર પ્રગતી થાય તે માટે શાળામાં રમત ગમત, કેરીયર ગાઇડન્સ, મુલ્ય શિક્ષણ, વિજ્ઞાન મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રકૃતિ શિબીર, શૈક્ષણિક પ્રવાસ તેમજ સેમિનારો યોજવામાં આવે છે.
દીપ દર્શન શાળા આહવાને આ અગાઉ પણ વર્ષ 2019-20માં જિલ્લા કક્ષાએ સર્વ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળવા પામ્યો હતો. વર્ષ 2022-23માં શાળાને યંગ સાયન્સ લીડર સ્પર્ધામાં બેસ્ટ પાર્ટીસીપેટિંગ સ્કુલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. સાથે જ જિલ્લા કક્ષાએ સ્વચ્છ વિધ્યાલયનો પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવવા પ્રેરાય તેવી શ્રેષ્ઠ શાળાની સ્પર્ધા માટે જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ શાળાઓની યાદીઓ મંગાવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકારની શ્રેષ્ઠ શાળા ઇનામ યોજના અંતર્ગત રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા ઓનલાઇન ગુણાંકન કર્યા બાદ વર્ષ 2024-25માં 81.69 ગુણ સાથે ડાંગ જિલ્લાની દીપ દર્શન શાળા આહવાની પ્રથમ ક્રમાંકે પસંદગી કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે પસંદગી થતાં રાજ્ય સરકાર તરફ થી આ શાળાને પ્રોત્સાહક રૂપે પાંચ લાખની રકમની ચૂકવણી કરવામાં આવશે.