Abtak Media Google News

ગુલાબનગર, આંબેડકરનગર, વાવડી, પોપટપરા, સીતારામ પાર્ક, ખોડીયારનગર, ઈન્દિરાનગર, બેડીપરા, અક્ષરનગર, ભીમરાવનગર, ઈન્ડિયન પાર્ક અને શુભમ પાર્ક સહિતના વિસ્તારોમાંથી ડેન્ગ્યુના કેસો મળી આવતા આરોગ્ય શાખામાં દોડધામ

શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના તાવે અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનની કહેવાતી તમામ આરોગ્યલક્ષી કામગીરીઓ મચ્છરો નિષ્ફળ બનાવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડેન્ગ્યુ તાવના ૨૩ અને મેલેરિયા તાવના ૫ કેસો નોંધાતા શહેરીજનોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુ તાવના ૨૩ કેસો નોંધાયા છે. ગુલાબનગર, આંબેડકરનગર, વાવડી, પોપટપરા, સીતારામ પાર્ક, ઠકકરબાપા હરીજનવાસ, ખોડીયારનગર, ઈન્દીરાનગર, બેડીપરા, જંગલેશ્ર્વર, ગુલાબવાડી, અક્ષરનગર, ભીમરાવ નગર, ઈન્ડિયનગર, રાણીમાં રૂડીમાં ચોક, જાગનાથ પ્લોટ, શિવનગર, લોધેશ્ર્વર, ગંજીવાડા, શુભમ પાર્ક, જીલ્લા ગાર્ડન સ્લમ કવાર્ટર, ઉમાકાંત ઉધોગનગર અને રામનાથપરા વિસ્તારમાંથી ડેન્ગ્યુના કેસો મળી આવતા ત્યાં ફોગીંગ સહિતની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત છેલ્લા એક સપ્તાહમાં સામાન્ય શરદી-ઉધરસ અને તાવના ૧૪૨ કેસ, ઝાડા-ઉલ્ટીના ૮૩ કેસ, ટાઈફોડના ૨ કેસ, મરડાના ૬ કેસ, મેલેરિયાના ૫ કેસ, કમરાના ૩ કેસ અને અન્ય તાવના ૨૪ કેસો મળી આવ્યા છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૩૨,૪૭૮ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૮૭૪૫ ઘરોમાં મચ્છરોના નાશ માટે ફોગીંગ કરવામાં આવ્યું હતું.

શાળા-કોલેજ, હોસ્પિટલ અને બાંધકામ સાઈટ સહિત ૨૧૧ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મચ્છરની ઉત્પતિ સબબ ૧૪૩ આસામીઓ પાસેથી રૂ.૪૫૩૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જયારે ૩૫ ઘરોમાં પોરાભક્ષક માછલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૯૧ રેકડી, ૨૧૦ દુકાન, ૧૧ ડેરી ફાર્મ, ૮ હોટલ-રેસ્ટોરન્ટ, ૧૭ બેકરી સહિત કુલ ૩૩૮ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૭૫ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને બે સ્થળેથી ખાદ્યસામગ્રીના નમુના લેવામાં આવ્યા છે.

પાણીચોરો પર કોર્પોરેશનની ધોંસ: ૧૧ ભુત્તિયા કપાત

વોર્ડ નં.૧૧માં પંચશીલ સોસાયટીમાંથી પાણી ચોરી પકડાઈ

અપુરતા વરસાદના કારણે શહેરીજનો પર જળસંકટ ઝળુબી રહ્યું છે ત્યારે મહાપાલિકા દ્વારા પાણીચોરીના દુષણને અટકાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે શહેરના વોર્ડ નં.૧૧માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન મળી આવેલા ૧૧ જેટલા ભુતીયા નળજોડાણ કપાત કરવામાં આવ્યા હતા.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના આદેશના પગલે આજે કોર્પોરેશનની ચેકિંગ ટીમ દ્વારા શહેરના વોર્ડ નં.૧૧માં આવેલી પંચશીલ સોસાયટીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અહીં લતાવાસીઓની એવી ફરિયાદ હતી કે ધીમા ફોર્સથી પાણી મળી રહ્યું છે. જેને ધ્યાનમાં લઈ ટીમ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો હતો.

સર્વે દરમિયાન પંચશીલ સોસાયટી શેરી નં.૧માંથી ૪ અને શેરી નં.૨ માંથી ૭ ભુતીયા નળજોડાણ મળી આવ્યા હતા જેનો કપાત કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.